August 5, 2026
ટેકનોલોજી

ફોનમાં નેટવર્ક કે સીમકાર્ડ ન હોય છતાં કેમ લાગી જાય છે 112 નંબર? જાણો આ અનોખી ટેકનોલોજીનું રહસ્ય!

Spread the love


સામાન્ય દિવસોમાં જો તમારા સ્માર્ટફોનમાં મોબાઈલ નેટવર્ક (સિગ્નલ) ન હોય, તો તમે કોઈને કોલ કે મેસેજ કરી શકતા નથી. તમે ગમે તેટલા પ્રયાસો કરો, પણ નેટવર્ક વગર સંપર્ક શક્ય બનતો નથી. પરંતુ, જેવી તમે કટોકટી કે મુશ્કેલીના સમયે ઈમરજન્સી નંબર જેમ કે 100 કે 112 ડાયલ કરવાની કોશિશ કરો છો, કે તરત જ ‘No Network’ કે ‘No SIM’ બતાવતો તમારો ફોન કનેક્ટ થઈ જાય છે! એટલે કે નેટવર્ક ન હોવા છતાં તમે પોલીસ કે અન્ય ઈમરજન્સી સેવાઓનો સંપર્ક સાધી શકો છો. હવે સવાલ એ થાય છે કે આખરે આ કમાલ કેવી રીતે થાય છે? ચાલો તેની પાછળ રહેલી ટેકનોલોજી અને સરકારી નિયમોને સરળ ભાષામાં સમજીએ.

ટેકનોલોજીનો ખેલ: નજીકના કોઈપણ ટાવરનો ઉપયોગ
જ્યારે તમારા ફોનમાં નેટવર્ક ન હોય અને તમે ઈમરજન્સી કોલ ડાયલ કરો છો, ત્યારે ફોનની અંદર રહેલું ઈન્ટરનલ હાર્ડવેર અને એન્ટેના ‘યુનિવર્સલ ઈમરજન્સી પ્રોટોકોલ’નો ઉપયોગ કરે છે.
નેટવર્ક શેરિંગ: તમારો ફોન સૌથી નજીકના કોઈપણ મોબાઈલ ટાવરની શોધ કરે છે. ભલે તમારી પાસે એ કંપનીનું સીમકાર્ડ ન હોય (દા.ત. તમારી પાસે Jio નું સીમ હોય પણ નજીકમાં માત્ર Airtel નું ટાવર હોય), છતાં તમારો ફોન એ નજીકના ટાવર સાથે કનેક્ટ થઈ જશે.
સીમકાર્ડની જરૂર નથી: આ પ્રોટોકોલ હેઠળ કોલ કરવા માટે કોઈ ચોક્કસ સીમકાર્ડ કે એક્ટિવ રિચાર્જ પ્લાનની જરૂર હોતી નથી.
ઓટોમેટિક ઈમરજન્સી મોડ: જેવા તમે 100 કે 112 જેવા નંબરો ડાયલ કરો છો, તમારો ફોન ઓટોમેટિક ઈમરજન્સી મોડમાં જતો રહે છે અને નજીકના ટાવર કે વાઈ-ફાઈ સિગ્નલની મદદથી તમારું લાઈવ લોકેશન પણ ઈમરજન્સી સર્વિસ સાથે શેર કરી દે છે.

કડક નિયમો: ઈમરજન્સી કોલને ‘ફર્સ્ટ પ્રાયોરિટી’
આ સિસ્ટમ કામ કરવા પાછળ માત્ર ટેકનોલોજી જ નહીં, પરંતુ ટેલિકોમ ક્ષેત્રના કડક નિયમો પણ જવાબદાર છે.

રોમિંગ અને કનેક્શન નિયમ: તમામ ટેલિકોમ કંપનીઓ માટે ઈમરજન્સી કોલને પ્રથમ પ્રાથમિકતા (First Priority) આપવી કાનૂની રીતે ફરજિયાત છે. કોઈ પણ કંપની ઈમરજન્સી કોલને બ્લોક કરી શકતી નથી.

ચાલુ કોલ ડિસ્કનેક્ટ કરવાનો આદેશ: જો કોઈ કંપનીના ટાવર પર ટ્રાફિક ફૂલ હોય (એટલે કે ક્ષમતા કરતાં વધુ લોકો વાત કરી રહ્યા હોય), તો પણ કંપનીએ કોઈ સામાન્ય ચાલુ કોલને ડિસ્કનેક્ટ કરીને ઈમરજન્સી કોલને રસ્તો આપવો પડે છે.

આ ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી
ઈમરજન્સી કોલ કનેક્ટ થવા માટે તમારી આસપાસ (ગમે તે કંપનીનું) ટાવર હોવું જરૂરી છે. જો તમે કોઈ એવા જંગલ કે રણમાં હોવ જ્યાં દૂર-દૂર સુધી કોઈ જ ટાવર ન હોય, તો ઈમરજન્સી કોલ પણ લાગી શકશે નહીં. આ સુવિધા લોકલ કનેક્શન અને દેશના ટેલિકોમ નેટવર્ક પર જ કામ કરે છે. વિદેશમાં નેટવર્ક વગર આ સુવિધા મેળવવી મુશ્કેલ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!