September 2, 2026
વાંચન વૈવિધ્યમ

નેપાળ પૂરઃ રસ્તા પરથી મળેલી રોકડ કે તિજોરી તમને પહોંચાડી શકે છે જેલ! જાણો BNSનો નવો કાયદો

Spread the love

નેપાળમાં આવેલા ભયાનક પૂર દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં નદીના ધસમસતા પ્રવાહમાં એક બેંકની તિજોરી વહીને કિનારે આવી ગઈ હતી. તિજોરીમાં લાખો રૂપિયાની રોકડ જોઈને સ્થાનિક લોકોએ તેને તોડીને પૈસા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે સમયસર પહોંચીને આરોપીઓની ધરપકડ કરી લાખોની રોકડ જપ્ત કરી લીધી હતી.
કુદરતી આપત્તિ, પૂર કે રસ્તા પર કોઈ કિંમતી સામાન, સોનું કે રોકડ ભરેલી તિજોરી મળી આવે ત્યારે ભારતીય કાયદો શું કહે છે? શું મળેલી વસ્તુ રાખવી ગુનો બને છે? આવો જાણીએ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ આ અંગેની કાનૂની જોગવાઈઓ અને સજાના નિયમો.

મળેલી વસ્તુ કે રોકડ પર તમારો માલિકી હક નથી:
કાયદા અનુસાર, રસ્તા પર, નદી કિનારે કે પૂરના પાણીમાં તણાઈ આવેલી કોઈપણ કિંમતી વસ્તુ તેના શોધનારની થતી નથી. દરેક ખોવાયેલી કે તણાઈ આવેલી વસ્તુનો કોઈને કોઈ કાયદેસરનો અસલી માલિક (વ્યક્તિ કે બેંક) હોય છે. જો કોઈ વ્યક્તિ આવી સંપત્તિ તેના સાચા માલિક કે પોલીસને સોંપવાને બદલે પોતાની પાસે રાખી લે છે, તો તે કાયદાકીય રીતે ગુનો ગણાય છે.

ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કઈ કલમો લાગુ પડે છે?
અગાઉ આ જોગવાઈ IPC કલમ 403 હેઠળ આવતી હતી, જેનું સ્થાન હવે ભારતીય ન્યાય સંહિતાની કલમ 314એ લીધું છે. જો કોઈ વ્યક્તિને કોઈ લાવારિસ કે ખોવાયેલી મિલકત/રોકડ મળે અને તે અપ્રમાણિકતાથી તેનો અંગત ઉપયોગ કરે, તો આ કલમ હેઠળ ૨ વર્ષ સુધીની જેલની સજા, દંડ અથવા બંને થઈ શકે છે.

BNS કલમ 303 (ચોરી અને તિજોરી તોડવી)
જો કોઈ વ્યક્તિ વહી આવેલી તિજોરી કે બંધ બોક્સને ઈરાદાપૂર્વક તોડીને તેમાંથી રકમ કાઢવાનો પ્રયાસ કરે, તો તે સીધેસીધી ચોરી (Theft) ગણાય છે. BNS કલમ 303 હેઠળ ચોરી માટે 3 વર્ષ સુધીની જેલ અથવા દંડ થઈ શકે છે. જો ચોરી કોઈ બંધ કન્ટેનર, તિજોરી કે મકાનમાંથી કરાઈ હોય, તો સજા વધીને સાત વર્ષ સુધીની કડક કેદ થઈ શકે છે.

આવી સ્થિતિમાં નાગરિકોએ કાયદેસર શું કરવું જોઈએ?
જો તમને પૂર, દુર્ઘટના કે રસ્તા પર કોઈ કિંમતી સામાન, રોકડ કે દસ્તાવેજ મળે, તો તેને સ્પર્શ કર્યા વિના કે તોડ્યા વિના તરત જ નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી અથવા સામાન પોલીસને સુપરત કરવો. આમ કરવાથી વ્યક્તિ કાનૂની મુશ્કેલીઓથી બચી શકે છે અને અસલી માલિકને તેની અમાનત પાછી મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!