ગણપતિ બાપ્પાને કેમ ચડાવાય છે 21 દુર્વા અને 21 મોદક? જોડાયેલું છે આ ગૂઢ આધ્યાત્મિક રહસ્ય…
હાલમાં મુંબઈ અને દેશભરમાં ગણેશોત્સવના પાવન દિવસોમાં સર્વત્ર ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયેલો છે. પ્રથમ પૂજ્ય વિઘ્નહર્તા ગણેશજીની આરાધના દરમિયાન તેમને મોદકનો ભોગ અને દુર્વા અર્પણ કરવાની વિશેષ પરંપરા છે. સામાન્ય રીતે ભક્તો બાપ્પાને 21 દુર્વા અને 21 મોદક અર્પણ કરે છે, પરંતુ આ ’21’ ના ચોક્કસ આંકડા પાછળનું આધ્યાત્મિક અને દાર્શનિક રહસ્ય બહુ ઓછા લોકો જાણે છે. આ પાછળના કારણ વિશે આજે આપણે આ સ્ટોરમાં વાત કરીશું…
શાસ્ત્રોક્ત અને આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર, 21નો આંકડો માનવ શરીર, બ્રહ્માંડ અને ચેતનાના 21 મૂળભૂત તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. ગણપતિ પૂજામાં ’21’ના આંકડાનું ગૂઢ રહસ્ય છે. આ 21માં પાંચ જ્ઞાનેન્દ્રિય એટલે કે નાક, કાન, આંખ, ત્વચા અને જીભ. આ પાંચ ઇન્દ્રિયોના માધ્યમથી મનુષ્ય બાહ્ય જગત સાથે સંપર્ક અને સંવાદ સાધે છે. આ સિવાય પાંચ કર્મેન્દ્રિય જેમ કે હાથ, પગ, વાણી (વાક્), ઉપસ્થ અને પાયુ જેવાં અંગો દ્વારા જીવ વિવિધ પ્રકારનાં સાંસારિક કર્મો સંપન્ન કરે છે.
આ ઉપરાંત પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન આ પાંચ પ્રકારના વાયુ માનવ શરીરને જીવંત રાખે છે અને પૂજાવિધિમાં પણ તેમનું વિશેષ મહત્વ છે. ત્યાર બાદ પંચમહાભૂત એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. સમગ્ર સૃષ્ટિ અને ભૌતિક શરીર આ પાંચ તત્વોથી બનેલું છે.
આમાં પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ, પાંચ મહાભૂત એમ તમામ 20 તત્વો (ઇન્દ્રિયો, પ્રાણ અને તત્વો) પર આધિપત્ય અને નિયંત્રણ કરનાર તત્વ એટલે મનુષ્યનું એક મન. આમ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ, પાંચ મહાભૂત અને એક એક મન એન કુલ 21 તત્વો બને છે.
સમર્પણ અને પૂર્ણતાનો આધ્યાત્મિક સંદેશ
જ્યારે ભક્ત બાપ્પાને 21 દુર્વા કે 21 મોદક અર્પણ કરે છે, ત્યારે તેનો ગૂઢ ભાવ એ હોય છે કે હે પ્રભુ! મારું શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, પ્રકૃતિના પંચતત્વ અને મારું મન… અર્થાત્ મારું સમગ્ર અસ્તિત્વ અને વિશ્વ મેં આપના ચરણોમાં અર્પણ કરી દીધું છે. આ જ તાત્વિક કારણોસર બાપ્પાને 21 મોદક ધરાવાય છે, જોકે શ્રદ્ધા અને સ્થાનિક પરંપરા મુજબ કેટલીક જગ્યાએ 11 મોદકનો ભોગ ધરાવવાની પણ પ્રથા જોવા મળે છે.
છે ને એકદમ ઈન્ટ્રેસ્ટિંગ સ્ટોરી? આ સ્ટોરી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અત્યારે જ શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી ઉપયોગ અને જ્ઞાનવર્ધક માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
