September 14, 2026
ધર્મ

બાપ્પાના અંગો આપે છે જીવન જીવવાની સાચી દિશા! નાની આંખોથી લઈને લાંબા કાન પાછળ છુપાયેલો છે ગૂઢ સંદેશ

Spread the love

આજે ભાદ્રપદ સુદ ચતુર્થીના દિવસે દેશભરમાં ગણેશ ચતુર્થીનો મહાપર્વ અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતાં પહેલાં પ્રથમ પૂજ્ય વિઘ્નહર્તા ગણેશજીની આરાધના કરવામાં આવે છે કારણ કે તેઓ મંગલમૂર્તિ છે અને રિદ્ધિ-સિદ્ધિના દાતા છે. ભગવાન શિવના ગણોના અધ્યક્ષ હોવાના કારણે તેમને ‘ગણેશ’ અને ‘ગણાધ્યક્ષ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
શાસ્ત્રો મુજબ, ગણપતિ બાપ્પાનું દિવ્ય સ્વરૂપ, તેમના શરીરના વિવિધ અંગો, વાહન અને શસ્ત્રો માત્ર ધાર્મિક પ્રતીકો નથી, પરંતુ માનવ જીવનને સાચો રાહ ચીંધતા ગહન આધ્યાત્મિક અને વ્યવહારુ સંદેશાઓથી ભરેલા છે. ગણપતિ બાપ્પાના અંગો અને પ્રતીકો પાછળ છુપાયેલો ગૂઢ સંદેશ શું છે ચાલો જોઈએ-

મોટું મસ્તક: બાપ્પાનું મોટું માથું ઉચ્ચ બુદ્ધિમત્તા અને દૂરંદેશીનું પ્રતીક છે. તે શીખવે છે કે મનુષ્યે પોતાની વિચારસરણી હંમેશા વિશાળ રાખવી જોઈએ. મોટી વિચારસરણી ધરાવનાર વ્યક્તિ બુદ્ધિબળથી મોટામાં મોટી મુશ્કેલીઓનો પણ અંત લાવી શકે છે.

નાની આંખો: ભગવાન ગણેશની નાની અને સૂક્ષ્મ આંખો ગંભીરતા અને ઊંડા અધ્યયનની પ્રેરણા આપે છે. કોઈપણ મોટો નિર્ણય લેતાં પહેલાં બાબતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ, જેથી જીવનમાં છેતરાવાનો વારો ન આવે.

લાંબા સૂપડા જેવા કાન: મોટા કાન જાગરૂકતા, દીર્ઘાયુ અને સૌભાગ્યની નિશાની છે. તે શીખવે છે કે સૌનું સાંભળવું પરંતુ વિવેકબુદ્ધિથી નિર્ણય લેવો. જે જ્ઞાનવર્ધક અને શુભ હોય તેને ગ્રહણ કરવું અને નકામી કે નકારાત્મક વાતોને કાન સુધી પહોંચતાં જ બહાર ફેંકી દેવી.

સૂંઢ: ગણપતિની હલનચલન કરતી સૂંઢ સતત કાર્યશીલ રહેવાનો સંદેશ આપે છે. જે વ્યક્તિ જીવનમાં સદા સક્રિય રહે છે અને આળસ ત્યજી દે છે, તેને ગરીબી કે દુઃખનો સામનો કરવો પડતો નથી.

લંબોદર – મોટું પેટ: વિશાળ ઉદર ખુશહાલી અને સહિષ્ણુતાનું પ્રતીક છે. તે દર્શાવે છે કે જીવનમાં આવતી સારી અને ખરાબ બંને પ્રકારની પરિસ્થિતિઓ તેમજ વાતોને શાંતિથી પચાવી લેવી જોઈએ અને પછી જ યોગ્ય નિર્ણય કરવો જોઈએ.

એકદંત: ભગવાન પરશુરામ સાથેના યુદ્ધમાં તૂટેલા દાંતથી ગણેશજીએ મહાભારત જેવો મહાન ગ્રંથ લખ્યો હતો. આ સ્વરૂપ શીખવે છે કે કોઈપણ સંજોગોમાં ઉપલબ્ધ સાધનોનો ક્યારેય બગાડ ન કરવો અને તેનો શ્રેષ્ઠ સદુપયોગ કરવો.

પ્રિય મોદક અને ફરસી/કુહાડી: મોદકનો અર્થ આનંદ અને જ્ઞાન થાય છે, જે સાત્વિક જીવનનો સંદેશ આપે છે. જ્યારે હાથમાં રહેલી કુહાડી કામ, ક્રોધ, લોભ અને સાંસારિક બંધનોને કાપીને મુક્તિ મેળવવાનું પ્રતીક છે.

વાહન મૂષક અને આશીર્વાદ મુદ્રા: મૂષક એ ચંચળ મન અને ઇચ્છાઓનું પ્રતીક છે. ગણેશજીનું મૂષક પર સવાર થવું એ દર્શાવે છે કે માનવીએ પોતાની અનિયંત્રિત ઇચ્છાઓ અને વાસનાઓ પર કાબૂ રાખવો જોઈએ. તેમનો આશીર્વાદ મુદ્રા વાળો હાથ ભક્તોને જ્ઞાન, સુખ, શાંતિ અને મનોકામના પૂર્તિનું અભયદાન આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!