September 24, 2026
ધર્મ

જાણી લો ગણેશ વિસર્જનના મુહૂર્ત અને કેટલાક ખાસ નિયમો વિશે…

Spread the love


ગણેશોત્સવના પાવન પર્વની પૂર્ણાહુતિ એટલે કે ‘અનંત ચતુર્દશી’ના દિવસે વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાને અત્યંત ભાવપૂર્વક વિદાય આપવામાં આવે છે. “ગણપતિ બાપ્પા મોર્યા, પુઢચ્યા વર્ષી લવકર યા”ના જયઘોષ સાથે 10 દિવસ સુધી ઘરમાં બિરાજેલા બાપ્પાનું જળમાં વિસર્જન કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, ગણેશ વિસર્જન હંમેશાં શુભ ચોઘડિયા અને નિર્ધારિત મુહૂર્તમાં જ કરવું ફળદાયી માનવામાં આવે છે.

આ ઉપરાંત વિસર્જન કરતાં પહેલાં કરવામાં આવતી ‘ઉત્તર પૂજા’ (Uttar Puja)નું શાસ્ત્રોક્ત મહત્વ અનિવાર્ય છે, કારણ કે આ પૂજા વિના વિસર્જન અધૂરું ગણાય છે.

ગણેશ વિસર્જન માટે શુભ ચોઘડિયા અને મુહૂર્ત
સવારનું શુભ મુહૂર્ત: સવારે ચલ, લાભ અને અમૃત ચોઘડિયા દરમિયાન ગણેશજીની ઉત્તર પૂજા અને વિસર્જન યાત્રા શરૂ કરવી અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે.

બપોરનું મુહૂર્ત: બપોરે શુભ અને ચલ ચોઘડિયામાં બાપ્પાની મૂર્તિનું જળમાં વિસર્જન કરી શકાય છે.

સાંજનું મુહૂર્ત: સાંજે પ્રદોષ કાળ તેમજ લાભ ચોઘડિયામાં વિસર્જન કરવું અત્યંત મંગળકારી ગણાય છે.
(નોંધ: રાહુકાળ દરમિયાન વિસર્જન કે પ્રસ્થાન કરવાનું ટાળવું જોઈએ).

વિસર્જન પહેલાં કેમ જરૂરી છે ‘ઉત્તર પૂજા’?
વાત કરીએ વિસર્જન પહેલા ઉત્તર પૂજા કેમ જરૂરી છે એની તો શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર ગણેશજીની સ્થાપના સમયે પ્રાણપ્રતિષ્ઠા દ્વારા જે દૈવી ઊર્જાનું આવાહન કરવામાં આવ્યું હોય છે, એ જ રીતે તેને વિદાય આપવા માટે ઉત્તર પૂજા કરવી ફરજિયાત છે.

આ પૂજા દ્વારા ભક્તો ભગવાન ગણેશનો આભાર માને છે અને પૂજા દરમિયાન અજાણતા થયેલી કોઈપણ ભૂલ માટે ક્ષમાયાચના કરે છે.

ઉત્તર પૂજાની સરળ અને શાસ્ત્રોક્ત વિધિ

પૂજા સામગ્રી: બાપ્પા સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો અને ધૂપ-દીપ અર્પણ કરો. ગણેશજીને લાલ ચંદન, કંકુ, અક્ષત અને દુર્વા (દૂર્વાંકુર) ચડાવો.

ભોગ અને મોદક: બાપ્પાને પ્રિય એવા મોદક, લાડુનો ભોગ ધરાવો.

મૂર્તિનું સ્થાન પરિવર્તન: આરતી પૂર્ણ થયા બાદ કપૂર પ્રગટાવીને ફરી આરતી કરો. ત્યારબાદ અત્યંત શ્રદ્ધાપૂર્વક ગણપતિ બાપ્પાની મૂર્તિને પોતાના સ્થાન પરથી થોડી હળવેથી ખસેડો (ઈશાન કે પૂર્વ દિશા તરફ). આ સંકેત દર્શાવે છે કે પૂજા સંપન્ન થઈ છે અને હવે બાપ્પા પ્રસ્થાન માટે તૈયાર છે.

વિદાય પોટલી: એક લાલ કે પીળા સ્વચ્છ કપડામાં નારિયેળ, સોપારી, થોડા ચોખા (અક્ષત), મોદક અને દક્ષિણા બાંધીને બાપ્પાની સાથે પ્રસ્થાન સમયે રાખો.

વિસર્જન વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
* વિસર્જન માટે જતી વખતે આખા રસ્તે ગણેશ મંત્રો અને જયઘોષનો જાપ ચાલુ રાખવો.
* કૃત્રિમ તળાવ કે ઘરમાં સ્વચ્છ પાણીના ટબ/કુંડમાં ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન કરવું ઉત્તમ છે.
* મૂર્તિને ક્યારેય સીધી પાણીમાં ફેંકવી નહીં, પરંતુ ધીમે રહીને આદરપૂર્વક જળમાં પધરાવવી.
* વિસર્જન બાદ ઘરે પરત ફરીને હાથ-પગ ધોઈને પૂજા સ્થળને ગંગાજળ છાંટીને પવિત્ર કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!