સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસો.માં ભૂકંપઃ 11 સભ્યના એકસાથે રાજીનામાથી ખળભળાટ, પદ્મિની અને પૂનમ ધિલ્લોન પર ગંભીર આરોપ
ઉપાસના સિંહે વર્તમાન નેતૃત્વ સામે સવાલો ઉઠાવ્યા, સભ્યોએ નવા યોજવા કરી માગ; જ્યારે સંગઠને સમિતિ ભંગ થવાની વાત ફગાવી
નવી દિલ્હીઃ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન (CINTAA)માં તણાવ વધ્યો છે, કારણ કે તેની એક્ઝિક્યુટિવ કમિટીના અગિયાર સભ્યોએ સંગઠનના વર્તમાન નેતૃત્વ પર વિશ્વાસ નહીં હોવાના કારણે પોતાના હોદ્દા અને કમિટીમાંથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં, તેમણે નવી ચૂંટણી કરાવવાની પણ માગ કરી છે. આ હોબાળા વચ્ચે CINTAAના જનરલ સેક્રેટરી ઉપાસના સિંહે સમગ્ર બાબત સ્પષ્ટ કરીને પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોન પર લાગેલા ગંભીર આરોપો અંગે પણ વાત કરી હતી. એની સાથે જ CINTAAમાંથી ૧૧ સભ્યોના એકસાથે રાજીનામું આપવા પર દુઃખ પણ વ્યક્ત કર્યું છે. આ સંસ્થાના ૧૧ સભ્યોના સામૂહિક રાજીનામાના સમાચારથી સૌ કોઈ હેરાન થઈ ગયા છે. આમાંથી ૮ સભ્યો કારોબારી સમિતિ માટે ચૂંટાયેલા હતા.
CINTAAમાંથી ૧૧ સભ્યોએ રાજીનામું આપ્યું
ઉપાસના સિંહે જણાવ્યું કે ૧૧ માંથી આઠ સભ્યો એક્ઝિક્યુટિવ કમિટીના ચૂંટાયેલા સભ્યો હતા. તેમણે આ આઠ ચૂંટાયેલા સભ્યોના નામ જણાવ્યા, જેમાં હેમંત પાંડે, મુકેશ ઋષિ, સાહિલા ચઢ્ઢા, હેતલ પરમાર, પુનીત ઇસ્સર, વિંદુ દારા સિંહ, વિકાસ વર્મા અને દીપક પરાશર સામેલ છે. CINTAAના મહાસચિવ ઉપાસના સિંહના જણાવ્યા અનુસાર, સભ્યોએ રાજીનામાની સાથે-સાથે પોતાના રાજીનામા આપવાનું કારણ દર્શાવતી ફરિયાદો પણ સોંપી છે.
ઉપાસના સિંહે જણાવ્યું CINTAAના સામૂહિક રાજીનામાનું કારણ
પોતાના સંયુક્ત રાજીનામા પત્રમાં સભ્યોએ આરોપ લગાવ્યો કે સામૂહિક નિર્ણયો લેવા, સલાહ-મસલત કરવી અને બંધારણીય કામગીરીના સિદ્ધાંતોનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું. તેમણે દાવો કર્યો કે એસોસિએશનનું તમામ કામ ધીમે-ધીમે પદ્મિની કોલ્હાપુરે, પૂનમ ધિલ્લોન અને એક્ઝિક્યુટિવ કમિટીના કેટલાક અન્ય સભ્યો સુધી જ સીમિત થઈ ગયું હતું.
સભ્યોનો આરોપ છે કે પૂનમ ધિલ્લોને ઘણા નિર્ણયો એકલા જ લીધા, જેમાં સરકારી અધિકારીઓને પોતાની પર્સનલ ઈમેલ આઈડીથી સત્તાવાર સંદેશાઓ મોકલવા અને એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોની સલાહ કે મંજૂરી લીધા વિના CINTAA ના સત્તાવાર ઈમેલ આઈડીથી ઇન્ડસ્ટ્રી બોડીઝ સાથે વાતચીત કરવાનો નિર્ણય સામેલ છે.
પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોન પર લાગ્યા ગંભીર આરોપ
ઉપાસના સિંહે કહ્યું, “અમારા ૧૧ સભ્યોમાંથી આઠ ચૂંટાયેલા સભ્યોએ રાજીનામું આપી દીધું છે અને મને પોતાના રાજીનામા સોંપી દીધા છે. તેમણે પોતાની ફરિયાદો પણ આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી રહી છે.”
ઉપાસના સિંહે વધુમાં આરોપ લગાવ્યો કે આ બંને હોદ્દેદારો અન્ય સભ્યોની વાત સાંભળતી નહોતી અને મનસ્વી રીતે ‘શો-કોઝ નોટિસ’ જારી કરવામાં આવી રહી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સભ્યોની ભૂમિકાઓમાં યોગ્ય સલાહ-મસલત વિના ફેરફાર કરવામાં આવી રહ્યા હતા અને કોઈ પૂર્વ ચેતવણી આપ્યા વિના કલાકારોના મેમ્બરશિપ કાર્ડ રદ કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એ પણ જણાવ્યું કે કેટલાક સભ્યોએ પહેલા પણ રાજીનામું આપ્યું હતું, પરંતુ તે રાજીનામા સ્વીકારવામાં આવ્યા નહોતા.
CINTAAએ EC ભંગ થવાની વાત ફગાવી
રાજીનામા પર પ્રતિક્રિયા આપતા, CINTAA વતી હાજર રહેલા વકીલ સુવિજ્ઞ વિદ્યાર્થીએ કહ્યું કે એસોસિએશનની એક્ઝિક્યુટિવ કમિટીને ભંગ કરવામાં આવી નથી. એક નિવેદનમાં વિદ્યાર્થીએ કહ્યું, “આ વાત સંપૂર્ણપણે ખોટી અને ગેરસમજ પર આધારિત છે કે CINTAAની EC ભંગ થઈ ગઈ છે. આ વાતનો કોઈ કાનૂની આધાર નથી.”
તેમણે વધુમાં ઉમેર્યું કે CINTAA ના બંધારણ અનુસાર, એક્ઝિક્યુટિવ કમિટી ત્યારે જ ભંગ થશે જ્યારે તેના ૫૦ ટકાથી વધુ ચૂંટાયેલા સભ્યો રાજીનામું આપે અને તેમણે ભારપૂર્વક કહ્યું કે વર્તમાન કેસમાં એવું બન્યું નથી. તેમણે એ પણ જણાવ્યું કે જે સભ્યોએ રાજીનામું આપ્યું હતું, તેમની જગ્યાએ ચૂંટણીમાં સૌથી વધુ વોટ મેળવનારા આગામી સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે. જોકે, ઉપાસના સિંહનું કહેવું છે કે CINTAAના બંધારણમાં જોગવાઈ છે કે જો અડધા કે અડધાથી વધુ સભ્યો રાજીનામું આપી દે તો કમિટી ભંગ થઈ જશે. તેમણે કહ્યું કે રાજીનામું આપનારા સભ્યો ઈચ્છે છે કે રજિસ્ટ્રાર આ પ્રક્રિયાની દેખરેખ કરે અને સુનિશ્ચિત કરે કે નવી ચૂંટણી યોગ્ય રીતે થાય.
