સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરના આપઘાતથી ખળભળાટ: સરકાર એક્શનમાં, ૨૪ કલાકમાં તપાસ રિપોર્ટનો આદેશ
૩૦ વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત બાદ આરોગ્ય મંત્રીએ કડક કાર્યવાહીની ખાતરી આપી
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવેલા આપઘાતની દુઃખદ ઘટનાને પગલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ બનાવની ગંભીર નોંધ લઈ ત્વરિત તપાસના આદેશ આપ્યા છે. મંત્રીના નિર્દેશ બાદ સમગ્ર મામલે પારદર્શક અને ઝડપી તપાસ હાથ ધરવા માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી દેવામાં આવી છે. હોસ્પિટલમાં પીજીના વિદ્યાર્થીના આપઘાતને પગલે સમગ્ર રાજ્યમાં મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ આઘાતમાં સરી પડ્યા છે. કોલેજમાં રેગિંગ અથવા અન્ય કારણસર વિદ્યાર્થીએ ભરેલા પગલાં અંગે અલગ અલગ તર્ક વિતર્ક કરવામાં આવે છે.
સરકારે કહ્યું કે દોષિતોને છાવરવામાં આવશે નહીં
આપઘાત મામલે સરકારના નિર્દેશથી સિવિલના ડીન અને સુપરિન્ટેન્ડેન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તપાસમાં સંપૂર્ણ પારદર્શિતા રહે તે માટે સમગ્ર કાર્યવાહીની સીધી દેખરેખ ગાંધીનગર મેડિકલ એજ્યુકેશનના અધિક નિયામક સચદેને સુપ્રત કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રીએ અધિકારીઓને કડક આદેશ આપતાં કહ્યું છે કે, આ બનાવમાં કોઈ પણ સંજોગોમાં દોષિતોને છાવરવામાં આવશે નહીં. જો તપાસ દરમિયાન રેગિંગ, માનસિક પરેશાની કે બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવશે તો જવાબદારો સામે કાયદાકીય અને વહીવટી સ્તરે આકરામાં આકરી કાર્યવાહી કરાશે.
તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે
આપઘાત કરનાર ડોક્ટર સાથે હોસ્ટેલ કે હોસ્પિટલ પરિસરમાં કોઈ પણ પ્રકારની રેગિંગની ઘટના બની છે કે કેમ, અથવા તેમને કોઈ વ્યક્તિ કે તંત્ર દ્વારા માનસિક કે શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો કે કેમ – તે તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, સત્ય બહાર લાવવા માટે આજે રાત્રિ દરમિયાન જ હોસ્ટેલમાં ઉપસ્થિત તમામ સાથી વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટરોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાશે.
તપાસ પછી કમિટીના સભ્યોને ઘરે જવાનો કડક આદેશ
તપાસમાં કોઈ ઢીલ ન રહે તે માટે સરકારે 24 કલાકમાં સમગ્ર પરિસરની તપાસ આટોપ્યા બાદ કમિટીના સભ્યોને ઘરે જવાની કડક સૂચના આપી હતી. બીજી તરફ, આરોગ્ય મંત્એ મૃતક ડોક્ટરના પિતા સાથે ફોન પર વાતચીત કરી શોક વ્યક્ત કર્યો હતો અને પરિવારજનોને આ મુશ્કેલ સમયમાં સાંત્વના આપતા કડક કાર્યવાહીની ખાતરી આપી હતી.
મૂળ મોડાસાના વિદ્યાર્થીએ ભર્યું અચાનક અંતિમ પગલું
મૃતક ડોક્ટરની ઓળખ મૂળ મોડાસાના હર્ષ પંડ્યા (30 વર્ષ) તરીકે કરવામાં આવી હતી, તેઓ પીજી બોયઝ હોસ્ટેલ (બિલ્ડિંગ B, રૂમ નં. ૧૦૦૫) માં રહેતા હતા. આપઘાતના કેસમાં ખટોદરા પોલીસ મથકની ટીમે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોતના ગુના સંદર્ભે કાયદેસરની તપાસ શરૂ કરી છે. ઉપરાંત, મૃત્યુના સાચા કારણો જાણવા માટે ફોરેન્સિક તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ હાથ ધરાયું છે, એમ પોલીસે જણાવ્યું હતું.
