ઓઈલના વધતા ભાવથી મોંઘવારી વધશેઃ IMFની ચેતવણી
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના વધતા ભાવ દુનિયાભરના માટે સંકટનું નિર્માણ કરશે. વધતા ભાવથી ભારત, અમેરિકા સહિત યુરોપના દેશો હરકતમાં આવી ગયા છે, ત્યારે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ)એ પણ દુનિયાને ચેતવી છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ)ના વડા પ્રમુખ ક્રિસ્ટાલિના જોર્જીવાએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈ ચિંતા વ્યક્ત કરી છે. મિડલ ઈસ્ટમાં સંઘર્ષ વધુ ચાલ્યો અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો તો આગામી દિવસોમાં મુશ્કેલ સમયનું નિર્માણ થઈ શકે છે.
આઈએમએફ અને વર્લ્ડ બેંકની સ્પ્રિંગ મીટિંગમાં જોર્જીવાએ કહ્યું કે 28 ફેબ્રુઆરીના હોર્મુઝ સ્ટ્રેટને અસર થવાથી ક્રૂડ ઓઈલ અને પાવરના ભાવમાં જોરદાર ઉછાળો થયો છે. આ કોરિડોર ક્રૂડ અને ફર્ટિલાઈઝરના પુરવઠા માટે મહત્ત્વનો માનવામાં આવે છે. પુરવઠામાં અવરોધ ઊભો થવાથી દુનિયાભરના દેશોમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે, જેમાં સૌથી વધુ અર્થવ્યવસ્થા પર અસર પડી છે.
આઈએમએફના પ્રમુખે ચેતવણી આપતા કહ્યું છે કે જો ખાતરના પુરવઠો રાબેતા મુજબ નહીં રહ્યો તો તેની સીધી અસર જીવનજરુરી ચીજવસ્તુઓના ભાવ પર થશે. એટલે મોંઘવારીમાં વધારો થઈ શકે છે. તેમાંય વળી ઓછી આવકવાળા દેશ પર ગંભીર કટોકટીનું નિર્માણ થઈ શકે છે. કારણ કે મોટા ભાગના દેશમાં લોકોની આવકનો ખર્ચ ખાણીપીણી પર ખર્ચવામાં આવે છે, તેનાથી ગંભીર સંકટનું નિર્માણ થઈ શકે.
આઈએમએફએ કેન્દ્રીય બેંકોને ભલામણ કરી છે કે હાલના તબક્કે વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવે અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. મોંઘવારીને અંકુશમાં લેવા માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાનું જરુરી છે. જો સભ્ય રાષ્ટ્રમાં પરિસ્થિતિ વકરતી હોય તો નાણાકીય મદદ કરી શકીએ છીએ. હાલમાં 39 પ્રોગ્રામ ચાલી રહ્યા છે, જ્યાં અનેક દેશોમાં નાણાકીય સહાયતાની જરુર પડી શકે છે. એક અંદાજ મુજબ 20થી 50 અબજ ડોલર સુધીના ભંડોળની જરુરિયાત પડી શકે છે. ઉપરાંત, IMFના વડાએ સરકારોને જનતાને રાહત આપતી વખતે સાવધાની રાખવાની ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું કે નિકાસ પ્રતિબંધો અથવા મોટા પાયે કર કાપ જેવા બિનલક્ષ્યકૃત નિર્ણયો ફુગાવાની સમસ્યાને લંબાવી શકે છે.
