Health Benefits of Nachni: ક્યારેક સામાન્ય ગણાતી નાચણી આજે બની ગઈ ગ્લોબલ સુપરફૂડ! જાણો પાંચ ચમત્કારિક ફાયદાઓ
એક સમય હતો જ્યારે જુવાર, બાજરી અને નાચણી જેવા ધાન્યોને માત્ર ગ્રામીણ કે સામાન્ય લોકોનો સાદો ખોરાક ગણવામાં આવતો હતો. પરંતુ આજના આધુનિક વિજ્ઞાન અને ન્યુટ્રિશનિસ્ટ્સે આ ધાન્યમાં રહેલા અઢળક પોષકતત્વોની ઓળખ કરીને તેને ગ્લોબલ સુપરફૂડનો દરજ્જો આપ્યો છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર નાચણીમાં કુદરતી રીતે ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, ડાયેટરી ફાઇબર, આયર્ન, એન્ટીઑકિસડન્ટ્સ અને એમિનો એસિડ જોવા મળેછે. આ સંપૂર્ણપણે ગ્લુટેન-ફ્રી અનાજ શરીર માટે એક ઔષધ સમાન કામ કરે છે. આવો જાણીએ રોજિંદા ભોજનમાં નાચણીનો સમાવેશ કરવાથી શરીરને થતા પાંચ મોટા ચમત્કારી ફાયદાઓ…
ડાયાબિટીસ નિયંત્રણમાં રામબાણ
નાચણીમાં ડાયેટરી ફાઇબર પુષ્કળ હોય છે અને તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ઘણો નીચો હોય છે. ઓછા જીઆઈના કારણે તે લોહીમાં એકાએક ગ્લુકોઝ વધવા દેતું નથી અને ધીમે-ધીમે શર્કરા મુક્ત કરે છે. તેમાં રહેલા પોલિફેનોલ્સ શરીરના ઇન્સ્યુલિન સ્તરને સંતુલિત રાખવામાં મદદ કરે છે, જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે તે શ્રેષ્ઠ ખોરાક સાબિત થાય છે.
કેન્સર સામે રક્ષણ આપતા ગુણધર્મો
સંશોધનો અનુસાર, નાચણીમાં રહેલા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ્સ અને ફિનોલિક સંયોજનો શરીરના સ્વસ્થ કોષોને ફ્રી રેડિકલ્સના નુકસાનથી બચાવે છે. આ એન્ટીઑકિસડન્ટ ગુણો પાચનતંત્ર અને ખાસ કરીને પેટના કેન્સરના જોખમને ઘટાડવામાં અત્યંત અસરકારક ભૂમિકા ભજવે છે.
હૃદયનું સ્વાસ્થ્ય અને કોલેસ્ટ્રોલ પર કાબૂ
નાચણીમાં દ્રાવ્ય ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે નસોમાં જમા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સને ઘટાડવાનું કામ કરે છે. ધમનીઓમાં બ્લોકેજ અટકાવીને તે હાઈ બ્લડપ્રેશર અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓ સામે શરીરને સુરક્ષા કવચ પૂરું પાડે છે.
હાડકાંને બનાવે છે લોખંડ જેવા મજબૂત
અન્ય તમામ લોકપ્રિય અનાજની સરખામણીએ નાચણીમાં કેલ્શિયમનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે. બાળકોના શારીરિક વિકાસ માટે, ગર્ભવતી મહિલાઓ માટે અને વધતી ઉંમરે થતી ઑસ્ટિયોપોરોસિસ (હાડકાં નબળા પડવાની તકલીફ)ની સમસ્યા સામે રક્ષણ મેળવવા માટે નાચણીનું નિયમિત સેવન ખૂબ જ લાભદાયી છે.
એન્ટી-એજિંગ ગુણો: ત્વચામાં જળવાઈ રહે છે કુદરતી ચમક
નાચણીમાં રહેલા આવશ્યક એમિનો એસિડ્સ શરીરમાં કોલેજનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. તે ત્વચાના સ્નાયુઓને મજબૂત રાખે છે, જેના કારણે ચહેરા પર સમય પહેલાં કરચલીઓ પડતી નથી અને ત્વચા લાંબા સમય સુધી ચમકદાર અને યુવાન દેખાય છે.
આહારમાં કેવી રીતે સામેલ કરશો?
નાચણીના લોટમાંથી ભાખરી, ઢોંસા, પોરીજ (રાબ), ઉપમા અથવા અંકુરિત રાગીનું હેલ્ધી સૂપ બનાવીને તેને તમારા સવારના નાસ્તા કે લંચનો ભાગ બનાવી શકાય છે.
