October 14, 2026
ટોપ ન્યુઝવાંચન વૈવિધ્યમ

નવા રાજ્યપાલોની નિમણૂક વચ્ચે જાણો રાજ્યપાલને દર મહિને કેટલો પગાર અને ભથ્થાં મળે છે?

Spread the love

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં છ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂંક કરી છે. આ ફેરબદલ હેઠળ સિક્કિમના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓમપ્રકાશ માથુરને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને તમિલનાડુની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત બ્રિજમોહન રામને ઓડિશા, ડૉ. સુધા યાદવને કર્ણાટક, ડૉ. ઢાલ સિંહ બિસેનને ઉત્તરાખંડ અને દુષ્યંત ગૌતમને સિક્કિમના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકો સાથે જ બંધારણીય વડા ગણાતા રાજ્યપાલના પદ, તેમના માસિક પગાર, ભથ્થાં અને વિશેષાધિકારો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.

દર મહિને કેટલો પગાર મળે છે? ટેક્સના નિયમો શું છે?
ભારતમાં રાજ્યના રાજ્યપાલને દર મહિને સાડા ત્રણ લાખ રૂપિયાનો નિશ્ચિત પગાર મળે છે. તમામ રાજ્યોના રાજ્યપાલો માટે આ રકમ એકસમાન હોય છે. રાજ્યપાલનો પગાર આવકવેરા (ઇનકમ ટેક્સ) મુક્ત હોય છે. તેમને મળતા ભથ્થાં અને સત્તાવાર ખર્ચ આ પગારથી સંપૂર્ણપણે અલગ હોય છે.

સત્તાવાર નિવાસસ્થાન: રાજભવન
દરેક રાજ્યપાલને કાર્યકાળ દરમિયાન રહેવા માટે ‘રાજભવન’ ફાળવવામાં આવે છે. આ ભવ્ય અને સુરક્ષિત બંગલાની જાળવણી, નવીનીકરણ અને દૈનિક વ્યવસ્થાનો તમામ ખર્ચ સરકાર ભોગવે છે. રાજ્યપાલે પોતાના આવાસ માટે કોઈ અંગત ખર્ચ કરવો પડતો નથી.

ઝેડ સિક્યોરિટી, વાહન અને મફત મુસાફરી
રાજ્યપાલને Z શ્રેણીની સુરક્ષા વ્યવસ્થા અને ગાર્ડ્સ પૂરા પાડવામાં આવે છે. પ્રવાસ અને સરકારી કામકાજ માટે લક્ઝરી સત્તાવાર ગાડીઓ અને ડ્રાઇવરની સુવિધા ઉપલબ્ધ હોય છે. રાજ્યપાલ જ્યારે પણ હવાઈ, રેલવે કે સડક માર્ગે સત્તાવાર પ્રવાસે જાય છે, ત્યારે તેનો સંપૂર્ણ ખર્ચ સરકારી તિજોરીમાંથી ચૂકવાય છે.

મફત મેડિકલ સારવાર અને સ્ટાફની સુવિધા
રાજ્યપાલ અને તેમના પરિવારને સ્પેશિયાલિસ્ટ સ્તરની ઉત્તમ મેડિકલ સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. રાજભવન અને સચિવાલયમાં કાર્યરત પ્રાઇવેટ સેક્રેટરી, આસિસ્ટન્ટ્સ અને અન્ય સ્ટાફનો પગાર સરકારી બજેટમાંથી થાય છે. ફોન, ઇન્ટરનેટ અને ઓફિસ સંબંધિત તમામ સંચાર ખર્ચ પણ સરકાર જ ઉઠાવે છે.

નિમણૂક, કાર્યકાળ અને બંધારણીય ભૂમિકા
રાજ્યપાલની પસંદગી જનતા દ્વારા ચૂંટાઈને થતી નથી, પરંતુ તેમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા હોવા સાથે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની મહત્વપૂર્ણ કડી તરીકે કાર્ય કરે છે. સામાન્ય રીતે રાજ્યપાલ એટલે કે ગવર્નરનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે, પરંતુ તેઓ ‘રાષ્ટ્રપતિની મરજી સુધી’ પદ પર રહે છે.

ગવર્નરને પાંચ વર્ષ પહેલાં હટાવી શકાય છે અથવા અન્ય રાજ્યમાં ટ્રાન્સફર પણ કરી શકાય છે. એક જ વ્યક્તિ એક કરતાં વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે પણ કાર્યભાર સંભાળી શકે છે. પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થતાં તેમણે રાજભવન ખાલી કરવું પડે છે. નિવૃત્તિ પછી તેમને પેન્શન અને નિયમ મુજબ અમુક સુવિધાઓ મળવાપાત્ર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!