October 10, 2026
ગુજરાતટોપ ન્યુઝધર્મ

નવરાત્રી સુરક્ષા: 22,000થી વધુ ગરબા સ્થળો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, પ્રશાસન એલર્ટ

Spread the love

મહિલાઓની સુરક્ષા માટે ‘શી-ટીમ’ સજ્જ, સોશિયલ મીડિયા પર ૨૪ કલાક મોનિટરિંગ અને આયોજકો માટે બ્રેથ એનાલાઈઝર સહિતની કડક ગાઈડલાઈન જાહેર


આસ્થા, ઉલ્લાસ અને પરંપરાગત ગરબાના મહાપર્વ નવરાત્રી દરમિયાન રાજ્યભરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસે ચુસ્ત બંદોબસ્ત પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યના નાગરિકો નિર્ભય બનીને ગરબે ઘૂમી શકે તે હેતુથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રાજ્યના સંવેદનશીલ મહાનગરોથી માંડીને ગ્રામીણ વિસ્તારો સુધી નોંધાયેલા કુલ ૨૨ હજારથી વધુ ગરબા મહોત્સવોમાં લાખો ખેલૈયાઓ ગરબે ઘૂમશે. તેને ધ્યાને રાખીને રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ જિલ્લા પોલીસ વડાઓ તેમ જ પોલીસ કમિશનરને એલર્ટ રહીને પેટ્રોલિંગ વધારવા સ્પષ્ટ આદેશો આપ્યા છે.

અસામાજિક તત્વોને પણ કરાઈ તાકીદ
ગરબા પંડાલોમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા પોલીસની પ્રાથમિકતા છે. ભીડભાડવાળા માર્ગો, શોપિંગ ઝોન અને પાર્ટી પ્લોટ્સમાં સાદા કપડાં તેમજ યુનિફોર્મમાં તૈનાત મહિલા પોલીસ ઉપરાંત ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા ગ્રાઉન્ડમાં સજ્જ મહિલા પોલીસકર્મીઓની ‘શી-ટીમ’ સતત વોચ રાખશે. ખેલૈયાઓના વેશમાં આવીને છેડતી, અસભ્ય વર્તન કે હેરાનગતિ કરવાનો પ્રયાસ કરનારા તત્વો સામે સ્થળ પર જ કડક કાનૂની સકંજો કસવામાં આવશે.

૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવશે
તહેવારો દરમિયાન ડિજિટલ માધ્યમો દ્વારા સામાજિક સૌહાર્દ ડહોળવાના કોઈ પણ પ્રયાસને ડામી દેવા માટે સાયબર ક્રાઈમ પોલીસ સંપૂર્ણ સજ્જ છે. દેવી-દેવતાઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી, બિભત્સ સામગ્રી કે ધાર્મિક લાગણી દુભાવતા વીડિયો-ઓડિયો વાયરલ કરનારા અસામાજિક તત્વો પર આધુનિક ટૂલ્સ દ્વારા ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની અફવા ફેલાવનાર સામે આઈ.ટી. એક્ટની કડક કલમો હેઠળ તાત્કાલિક એફઆઈઆર નોંધી ધરપકડ કરવામાં આવશે.

બ્રેથ એનાલાઈઝરની વ્યવસ્થા ફરજિયાત
તમામ ગરબા આયોજકો માટે સ્પષ્ટ સુરક્ષા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ પ્રવેશ અને નિકાસ માટે અલગ ગેટ, સમગ્ર પરિસરમાં હાઈ-ડેફિનેશન CCTV કેમેરા, ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર, હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર અને બ્રેથ એનાલાઈઝરની વ્યવસ્થા ફરજિયાત રહેશે. ગુજરાત પોલીસે નાગરિકોને કોઈપણ શંકાસ્પદ હિલચાલ કે કટોકટીના સમયે તાત્કાલિક સ્થાનિક પોલીસ કંટ્રોલ રૂમ અથવા ઈમરજન્સી હેલ્પલાઈન નંબર ૧૧૨ પર સંપર્ક કરવા અપીલ કરી છે.

. ખેલૈયાઓની સુરક્ષા માટે ‘શી-ટીમ’થી લઈને સાયબર સેલ સજ્જ

. શેરીથી પાર્ટી પ્લોટ સુધી સઘન બંદોબસ્ત: રાજ્યના ૩૬૪ પાર્ટી પ્લોટ, ૨,૭૨૭ જાહેર ગરબા અને ૧૬,૫૨૭ શેરી ગરબા સહિત તમામ સ્થળોએ પોલીસ, હોમગાર્ડ અને TRB જવાનો તૈનાત રહેશે

. મહિલા સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા: ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત ‘શી-ટીમ’ દ્વારા છેડતીખોરો સામે સ્થળ પર જ કડક કાનૂની કાર્યવાહી કરાશે

. સોશિયલ મીડિયા પર અફવા કે ધાર્મિક વૈમનસ્ય ફેલાવનારા તત્વો સામે આઈ.ટી. એક્ટ હેઠળ ત્વરિત પગલાં લેવાશે

. આયોજકો માટે કડક ગાઈડલાઈન: અલગ એન્ટ્રી-એક્ઝિટ ગેટ, સમગ્ર પરિસરમાં CCTV કેમેરા, ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર, હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર અને બ્રેથ એનાલાઈઝરની વ્યવસ્થા ફરજિયાત

. કોઈ પણ મદદ માટે નાગરિકો ‘૧૧૨’ અથવા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!