Diwali Date & Muhurat: દિવાળીએ લક્ષ્મીપૂજન અને નરક ચતુર્દશીનો દુર્લભ સંયોગ! જાણો 8 નવેમ્બરના પૂજાના શ્રેષ્ઠ મુહૂર્ત અને ૫ દિવસનું કેલેન્ડર
Diwali 2026 Date & Muhurat: દિવાળીએ લક્ષ્મીપૂજન અને નરક ચતુર્દશીનો દુર્લભ સંયોગ! જાણો ૮ નવેમ્બરે પૂજાનો શ્રેષ્ઠ મુહૂર્ત અને ૫ દિવસનું કેલેન્ડર

શારદીય નવરાત્રિ અને દશેરાના ઉત્સવોની પૂર્ણાહુતિ બાદ હવે સમગ્ર દેશમાં રોશનીના મહાપર્વ દીપાવલીની ઉત્સુકતા જોવા મળી રહી છે. દીવડાઓની ઝગમગાટ, આંગણામાં રંગબેરંગી રંગોળી, સ્વાદિષ્ટ મીઠાઈઓ અને ધન-સમૃદ્ધિની દેવી માતા લક્ષ્મીના પૂજનનો આ મંગલમય તહેવાર અંધકાર પર પ્રકાશ અને અનિષ્ટ પર ઈષ્ટના વિજયનું પ્રતીક છે.
વર્ષ 2026ની દિવાળી તિથિઓની ગણતરીની દ્રષ્ટિએ અત્યંત વિશિષ્ટ રહેવાની છે. આ વર્ષે આઠમી નવેમ્બર 2026, રવિવારના રોજ લક્ષ્મીપૂજન અને નરક ચતુર્દશી (કાળી ચૌદશ) એક જ દિવસે ઉજવાશે, જ્યારે અમાસની તિથિ 9મી નવેમ્બર સુધી લંબાતી હોવાથી સોમવતી અમાસનો પણ દુર્લભ સંયોગ બની રહ્યો છે.
લક્ષ્મીપૂજન 2026: શુભ મુહૂર્ત અને પ્રદોષ કાળ
શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર લક્ષ્મીપૂજન હંમેશાં પ્રદોષ કાળ અને સ્થિર લગ્નમાં કરવું સર્વોત્તમ માનવામાં આવે છે-
. લક્ષ્મીપૂજનની તારીખ: આઠમી નવેમ્બર, 2026 રવિવાર
. શુભ પૂજા મુહૂર્ત (પ્રદોષ કાળ): સાંજે 6 વાગ્યાથી રાત્રે 8.33 વાગ્યા સુધી (લગભગ 2 કલાક 33 મિનિટનો શ્રેષ્ઠ સમય).
. અમાસ તિથિ પ્રારંભ: 8મી નવેમ્બર, સવારે 11.27 કલાકે
. અમાસ તિથિ સમાપ્તિ: 9મી નવેમ્બર, બપોરે 12.31 કલાકે
આ શુભ સમયે વેપારીઓ ચોપડા પૂજન અને શારદા પૂજન કરે છે, જ્યારે ઘરોમાં શ્રીગણેશ, માતા લક્ષ્મી અને સરસ્વતી માતાની વિધિવત પૂજા-અર્ચના કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરવામાં આવે છે.
જાણી લો દિવાળનું આખું કેલેન્ડર
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચાલો એક નજર કરીએ આખા દિવાળીના કેલેન્ડર પર…
. વાઘ બારસ (વસુબારસ) – પાંચમી નવેમ્બર, ગુરુવાર: દિવાળી પર્વની શરૂઆત વસુબારસથી થાય છે. આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરીને માતૃત્વ, પોષણ અને પશુધન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે.
. ધનતેરસ (ધનત્રયોદશી) – છઠ્ઠી નવેમ્બર, શુક્રવાર: આ દિવસે આયુર્વેદના જનક ભગવાન ધન્વંતરિ, માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરનું પૂજન થાય છે. આ દિવસે સોનું, ચાંદી, વાસણો કે નવા વાહનોની ખરીદી અત્યંત શુભ ગણાય છે. સાંજે યમરાજના નામે દીપદાન (યમદીપ) કરવામાં આવે છે.
. નરક ચતુર્દશી (કાળી ચૌદશ) અને લક્ષ્મીપૂજન – આઠમી નવેમ્બર, રવિવાર: આ વર્ષે બંને તહેવારો એક જ દિવસે છે. વહેલી સવારે સુગંધી તેલ અને ઉબટન લગાવીને ‘અભ્યંગ સ્નાન’ કરવાની પરંપરા છે, જે શરીર અને મનની શુદ્ધિ આપે છે. ત્યારબાદ સાંજે પ્રદોષ કાળમાં ભવ્ય લક્ષ્મીપૂજન સંપન્ન થશે.
. સોમવતી અમાસ – 9મી નવેમ્બર, સોમવાર: અમાસ તિથિ સોમવારે બપોરે 12.31 વાગ્યા સુધી રહેતી હોવાથી સોમવતી અમાસનું સ્નાન અને દાન-પુણ્ય આ દિવસે વિશેષ ફળદાયી રહેશે.
. બેસતું વર્ષ (દિવાળી પડવો / બલિપ્રતિપદા) – 10મી નવેમ્બર, મંગળવાર: નવા નાણાકીય વર્ષ અને વિક્રમ સંવતનો પ્રારંભ. સાડા ત્રણ મુહૂર્તો પૈકીનું એક હોવાથી નવું કામ, રોકાણ કે શુભ શરૂઆત કરવા માટે ઉત્તમ દિવસ છે. વેપારીઓ નવા ચોપડા શરૂ કરે છે અને પારિવારિક સ્નેહમિલન યોજાય છે.
. ભાઈબીજ – 11મી નવેમ્બર, બુધવાર: ભાઈ-બહેનના અતૂટ પ્રેમનું પર્વ. આ દિવસે બહેન ભાઈના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી તિલક કરે છે અને ભાઈ બહેનને પ્રેમભરી ભેટ અર્પણ કરે છે
ધાર્મિક મહત્વ અને પર્યાવરણપ્રેમી ઉજવણી
અયોધ્યામાં ભગવાન શ્રીરામના 14 વર્ષના વનવાસ બાદ પુનરાગમનની ખુશીમાં પ્રગટાવાયેલા દીવાઓનો આ ઉત્સવ આશા અને નવી શરૂઆતનો સંદેશ આપે છે. માટીના દીવડાઓ પ્રગટાવીને, અવાજનું પ્રદૂષણ ઘટાડીને અને જરૂરિયાતમંદ પરિવારો સાથે મીઠાઈ વહેંચીને આ દિવાળીને સાચા અર્થમાં પ્રકાશમય બનાવી શકાય છે.
