શરદ પૂનમે આખી રાત કેમ ચાંદનીમાં રખાય છે દૂધ-ખીર? જાણો લક્ષ્મીજીના ભ્રમણનું રહસ્ય
શારદીય નવરાત્રિની પૂર્ણાહુતિ બાદ આસો મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે કે ‘કોજાગરી પૂર્ણિમા’નું વિશેષ મહત્વ આંકવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ રાત્રે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે અને પૃથ્વીની સૌથી નજીક હોવાથી તેનાં કિરણોમાંથી અમૃત વર્ષા થાય છે. આ વર્ષે પૂર્ણિમા તિથિ બે દિવસ વ્યાપી રહી હોવાથી લોકોમાં તહેવારની સાચી ઉજવણી અંગે મૂંઝવણ પ્રવર્તી રહી છે. શાસ્ત્રોક્ત નિયમો અને પંચાંગ અનુસાર કોજાગરી વ્રત અને નિશીથ કાળની પૂજા રાત્રિ વ્યાપિની તિથિમાં જ થતી હોવાથી 25મી ઑક્ટોબર, 2026 રવિવારના કોજાગરી પૂજન કરવામાં આવ્યું હતું. પ્રાચીન કાળમાં પણ કહેવાયું છે કે શરદ પૂનમથી હેમંત ઋતુનું આગમન થાય છે, જ્યારે ચંદ્ર સોળે કળાએ ખિલે છે અને ધરતી પર અમૃત વરસાવે છે એવું પણ કહેવાય છે.
ચંદ્રપ્રકાશમાં દૂધ-ખીર રાખવાનું મહત્ત્વ અને સાવચેતી
અમૃતતુલ્ય ઔષધીય ગુણ: શરદ પૂર્ણિમાના ચંદ્રકિરણોમાં ખાસ શીતળતા અને રોગપ્રતિકારક શક્તિ વધારતા ગુણો રહેલા છે. માન્યતા છે કે આખી રાત ચાંદનીમાં રાખેલી ખીર કે મસાલા દૂધનું સેવન કરવાથી પિત્તદોષ શમે છે અને શરીર નિરોગી રહે છે. આ દિવસે વ્રત કરીને પણ લક્ષ્મી માતાનું પૂજન કરવાનું પણ મહત્ત્વ છે.
કેવી રીતે રાખવું: દૂધ કે ખીરને સ્વચ્છ અને પારદર્શક પાતળા કપડા કે જાળીદાર ઢાંકણથી ઢાંકીને અગાશી અથવા બાલ્કનીમાં મૂકવું, જેથી ચંદ્રના કિરણો સીધા તેના પર પડે. ધૂળ, જીવજંતુ કે પ્રદૂષણથી તેનું રક્ષણ કરવું અત્યંત જરૂરી છે. મોડી રાત્રે લક્ષ્મીજીને ભોગ લગાવ્યા બાદ પરિવારજનો સાથે આ પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે.
‘કો જાગર્તિ?’: ધાર્મિક મહત્ત્વ અને લક્ષ્મી પૂજન
સંસ્કૃતના ‘કો જાગર્તિ?’ (કોણ જાગે છે?) પરથી આ તહેવારનું નામ ‘કોજાગરી’ પડ્યું છે. પૌરાણિક કથા મુજબ, શરદ પૂર્ણિમાની મધરાતના સમયે ધનની દેવી મા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને જે ભક્તો રાત્રે જાગરણ કરીને ઈશ્વર આરાધના કરે છે તેમના ઘરમાં વાસ કરી સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
લક્ષ્મી પૂજનની સરળ વિધિ
ઘર અને પૂજાસ્થળને સ્વચ્છ કરી પાટલા પર લાલ કે પીળું વસ્ત્ર પાથરવું.
માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની મૂર્તિ કે છબીની સ્થાપના કરવી.
ઘીનો દીવો પ્રગટાવી કંકુ, ચોખા, પુષ્પો અને ધૂપ-દીપથી વિધિવત પૂજા કરવી તથા શ્રીસૂક્ત કે લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો.
ચંદ્ર દર્શન અને અર્ઘ્ય આપ્યા બાદ ચંદ્રપ્રકાશમાં રાખેલા દૂધ કે ખીરનો નૈવેદ્ય ધરાવીને આરતી કરવી.
શરદ પૂર્ણિમા 2026: તિથિ અને મુહૂર્ત
તિથિનો પ્રારંભ: 25મી ઑક્ટોબર, 2026ના રોજ સવારે 11.56 કલાકે.
તિથિની સમાપ્તિ: 26મી ઑક્ટોબર, 2026ના રોજ સવારે 09.41 કલાકે.
ઉજવણીનો દિવસ: શાસ્ત્રો અનુસાર કોજાગરી પૂર્ણિમાની પૂજા, રાત્રિ જાગરણ અને ચંદ્રપ્રકાશમાં દૂધ-ખીર રાખવાની વિધિ મધરાતે થતી હોવાથી, 25મી ઑક્ટોબરની રાત્રે જ આ પર્વ ઉજવવામાં આવ્યું હતું.
