વડનગરમાં L&T આપશે મફત તાલીમ અને ગેરન્ટેડ નોકરી, કઈ રીતે જાણો?
નરેન્દ્ર મોદીના વતનમાં સ્થાપવામાં આવી વિશ્વસ્તરીય ICSTI સંસ્થા; રહેવા-જમવા સાથે ટ્રેનિંગ બિલકુલ મફત, જાણો કોને મળશે પ્રવેશ

ગુજરાત સરકારનાં સહયોગથી વડનગર ખાતે લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપનીએ વિશ્વસ્તરીય તાલીમ સુવિધાઓ સાથે ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI) સ્થાપી છે. અહીંથી બે પાયલોટ બેચનાં કુલ 201 તાલીમાર્થીઓની તાલીમ પૂર્ણ પણ થઇ ગઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યભરમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરોની સ્થાપના દ્વારા યુવાનોને કૌશલ્ય વિકાસની તકો પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે.
વડનગર ખાતે 45થી 90 દિવસની તાલીમ પામેલા યુવાનો હાલ સેમિકંડક્ટર ફેબ ઉદ્યોગ (ધોલેરા), અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન, અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ, ખંભાળિયા ખાતેનાં સોલર પાવર પ્લાન્ટ અને પાણીપત રિફાઇનરી પ્રોજેક્ટ જેવા મોટા પ્રોજેક્ટોમાં રૂપિયા 18,000થી 20,000નાં સ્ટાઇપેન્ડ પર કામ કરે છે. ખાસ વાત એ છે કે, વડનગર ખાતેની આ સંસ્થામાં ભાઇઓ અને બહેનો બંને માટે રહેવા-જમવાની વ્યવસ્થા છે. તાલીમાર્થીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.
વડનગર (મહેસાણા): વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વતન વડનગરમાં પ્રવેશતા રોડની બાજુમાં વીજળીનાં તાર વગર ઊભેલા ત્રણ વિશાળ ટ્રાન્સમિશન ટાવર સૌનું ધ્યાન ખેંચે છે. આ ત્રણ ટ્રાન્સમિશન ટાવરો હકીકતમાં લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપની દ્વારા મહેસાણા જિલ્લાના વડનગર ખાતે સ્થાપવામાં આવેલા ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI) ના તાલીમ આપવા માટે ઉભા કરાયેલા ‘પ્રેક્ટિકલ મોડેલ’ છે. તાલીમાર્થીઓ આ ટાવરોને કેવી રીતે ઉભા કરવા અને પછીથી તેને કેવી રીતે ખોલી નાંખવા તેનો પ્રેક્ટિકલ અનુભવ મેળવે છે.
આવી જ પ્રેક્ટિકલ તાલીમની સુવિધાઓ 30 વીઘા જમીનમાં ફેલાયેલા સંકુલમાં જોવા મળે છે. અહીં તાલીમાર્થીઓને ઉદ્યોગલક્ષી કામો વિશે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે. L&T કંપનીએ ગુજરાત સરકારનાં સહયોગથી વડનગર ખાતે વિશ્વસ્તરીય તાલીમ સુવિધાઓ સાથે ઇન્ડસ્ટ્રિયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ICSTI) સ્થાપી છે. અત્યાર સુંધીમાં બે પાયલોટ બેચના કુલ 201 વિદ્યાર્થીઓની તાલીમ પૂર્ણ થઇ ગઇ છે અને તાલીમ પૂર્ણ થયા બાદ, તમામ ઇચ્છુક યુવાનો એલ એન્ડ કંપની દ્વારા રૂપિયા 18,000થી 20,000નાં સ્ટાઇપેન્ડ સાથે વિવિધ પ્રોજેક્ટો પર કામ કરે છે.
ખાસ વાત એ છે કે, ભાઇઓ અને બહેનો બંને માટે અહીં તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે. તાલીમાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. તમામ માટે રહેવા-જમવાની સુંદર વ્યવસ્થા સંપૂર્ણ મફતમાં આપવામાં આવે છે. વડનગરના રહેવાસી અને કોમર્સ સ્નાતક રોનક કડીયાને બે મહિના પહેલા ઔદ્યોગિક બાંધકામ તાલીમ સંસ્થા વિશે જાણકારી મળી. અહીં તેમણે ફોર્મવર્ક કાર્પેન્ટ્રી વિભાગમાં પ્રવેશ મેળવ્યો. આ તાલીમ પુરી કર્યા પછી તરત જ તેમને કંપની દ્વારા સ્પાઇપેન્ડ પર કામ પર રાખવામાં આવ્યા અને હાલ રોનક કડીયા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહેમદાવાદ ખાતે કામ કરે છે.
લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપની ભારતની સૌથી મોટી અને અગ્રણી એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપની છે. તે વિશ્વભરમાં વિશાળ અને જટિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું નિર્માણ કરે છે. “ICSTI-વડનગરમાં મને ઘણું શીખવા મળ્યું. મારી કુશળતામાં વધારો થયો. અત્યારે હું બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મહેમદાવાદ સાઇટ પર કામ કરું છું. મારા અનુભવ બાદ મેં મારા મિત્રોને પણ આ સંસ્થામાં તાલીમ લેવા માટે કહુ છું. કારણ કે, આ સંસ્થામાં ઉત્તમ તાલીમ આપવામાં આવે છે અને નોકરીની તકો ઉજળી છે,” રોનક કડીયાએ જણાવ્યું હતું.
છેલ્લા ત્રણ મહિનામાં અહીંથી વિવિધ ટ્રેડોમાં 201 યુવાનોએ તાલીમ પૂર્ણ કરી છે. તાલીમ પામેલા યુવાનો હાલ સેમીકંડક્ટર ફેબ ઉદ્યોગ (ધોલેરા), બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, મેટ્રો રેલ પ્રોજેક્ટ (અમદાવાદ), સોલર પાવર પ્લાન્ટ (ખંભાળિયા), અને પાણીપત રિફાઇનરી પ્રોજેક્ટ (હરિયાણા) જેવા એલ એન્ડ ટીનાં મોટા પ્રોજેક્ટોમાં રૂપિયા 18,000 થી 20,000નાં સ્ટાઇપેન્ડ સાથે કામ કરે છે. ICSTI-વડનગર ખાતે બાંધકામ, ઉત્પાદન ક્ષેત્રો, અને નવા ઉદ્યોગો વિશે તાલીમ આપવામાં આવે છે. ઉદ્યોગોની માંગ અને કુશળતાની જરૂરિયાત અનુસાર 45, 60 અથવા 90 દિવસના કોર્ષ ચલાવવામાં આવે છે.
કોને પ્રવેશ મળી શકે ?
18 થી 35 વર્ષની વયનાં કોઈ પણ ઉમેદવાર અહીં ચાલતા કોર્ષોમાં પ્રવેશ લઈ શકે છે. શૈક્ષણિક લાયકાત ટ્રેડ પ્રમાણે નક્કી થાય છે. સિવિલ ટ્રેડનાં કોર્ષ માટે ધોરણ 5 પાસ ઉમેદવારો પણ પ્રવેશ લઈ શકે છે, જ્યારે અન્ય કોર્ષો માટે ITI પાસ હોવું જરૂરી છે. જો કોઇ વ્યક્તિ આ સંસ્થામાં તાલીમ મેળવવા ઇચ્છુક હોય તો સંસ્થાનાં આ નંબર પર સંપર્ક કરી શકે છે.
પ્રવેશ મેળવવા માટે સંપર્ક નંબર: 7043568437, 9099903673, 7016813062
