રણવીર સિંહને મોટી રાહત: FWICE એ ‘ડોન ૩’ વિવાદ વચ્ચે અસહકારનું ફરમાન પરત ખેંચ્યું!
ફિલ્મ ઉદ્યોગના હિતમાં લેવાયો નિર્ણય; સંસ્થાએ કહ્યું અમે કોઈના કાનૂની દબાણમાં આવ્યા નથી
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) દ્વારા બોલીવુડ અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ જારી કરાયેલું ‘અસહકારનું ફરમાન’ (નોન-કોઓપરેશન ડાયરેક્ટિવ) તાત્કાલિક અસરથી પરત ખેંચી લેવામાં આવ્યું છે.
ફરહાન અખ્તરની આગામી ફિલ્મ ‘ડોન ૩’માંથી છેલ્લી ઘડીએ બહાર નીકળી જવા બદલ રણવીર પર આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, ફિલ્મ સંસ્થાએ સ્પષ્ટતા કરી છે કે આ નોટિસ રદ કરવાનો નિર્ણય રણવીર દ્વારા મોકલવામાં આવેલી કાનૂની નોટિસના દબાણમાં આવીને લેવાયો નથી.
FWICE ના મુખ્ય સલાહકાર અશોક પંડિતે મુંબઈમાં પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કે, ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA) અને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) જેવી અન્ય ફિલ્મ સંસ્થાઓની વિનંતી બાદ ફિલ્મ ઉદ્યોગના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. રણવીર સિંહ અને વરિષ્ઠ નિર્માતા ટી.પી. અગ્રવાલ બંને તરફથી મળેલી કાનૂની નોટિસનો જવાબ તેમની લીગલ ટીમ કાયદાકીય રીતે આપશે.
સંસ્થાના પ્રમુખ બી. એન. તિવારીએ જણાવ્યું કે, FWICE એ ૭૦ વર્ષ જૂની સંસ્થા છે અને તે કોઈના દબાણમાં કામ કરતી નથી. સંસ્થા ઈચ્છતી હતી કે રણવીર સિંહ પોતે આવીને આ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવે, પરંતુ તેમની ટીમે તેમને ગેરમાર્ગે દોર્યા હતા.
‘પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા’ એ રણવીરના આ નિર્ણયથી પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઇનમેન્ટને થયેલા આર્થિક નુકસાનની નિંદા કરી છે, પરંતુ સાથે જ મામલો આપસી સહમતીથી ઉકેલવા અપીલ કરી છે.
CINTAA ના જનરલ સેક્રેટરી ઉપાસના સિંહે પણ કલાકારોના હિતોનું રક્ષણ કરવાની વાત ભારપૂર્વક કહી હતી. તેમણે ઉમેર્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક પરિવાર સમાન છે અને ઘરના ઝઘડા કોર્ટ સુધી ન પહોંચવા જોઈએ. તેમણે રણવીર સિંહ, એક્સેલ એન્ટરટેઇનમેન્ટ અને તમામ ફિલ્મ સંગઠનોને સાથે બેસીને આ વિવાદનો સુખદ અંત લાવવા વિનંતી કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ પક્ષકારને અન્યાય થાય નહીં.
