July 30, 2026
ગુજરાતટોપ ન્યુઝ

ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી: આજે અમદાવાદને મેઘરાજા ધમરોળશે!

Spread the love

નવી દિલ્હીઃ હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાત રાજ્ય સહિત કૂલ 19 રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે, જેમાં ગુજરાતમાં અનેક જિલ્લામાં ભારે વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે. ગયા અઠવાડિયે પડેલા ભારે વરસાદના બ્રેક પછી આજથી ફરી એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાત સહિત પશ્ચિમ, ઉત્તર અને પૂર્વોત્તર રાજ્યોમાં આગામી દિવસોમાં મુશળધાર વરસાદ પડવાની સાથે ભારે પવન સાથે અચાનક પૂર આવવાની શક્યતા પણ છે. ભારે વરસાદને પગલે રાજ્યમાં ગેમ ઝોન બંધ કરવાની સાથે પાર્ટી હોલ, મેરેજ હોલ પણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે, જ્યારે સરકારે પણ જાહેર જનતાને વિના કારણ બહાર નહીં નીકળવાનો અનુરોધ કર્યો છે.

આજે અને બીજી ઓગસ્ટ એમ ત્રણ દિવસ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે સતર્ક રહેવાની ચેતવણી આપતા કહ્યું હતું કે અમદાવાદ, આણંદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, વાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમદાવાદમાં 20 ઇંછથી પણ વધુ વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તકેદારીના ભાગરુપે અમદાવાદ સહિત અન્ય જિલ્લામાં સ્કૂલ-કોલેજમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે.

રેડ એલર્ટ સહિત અન્ય અસરગ્રસ્ત જિલ્લાને પહોંચી વળવા માટે એનડીઆરએફ સહિત ફાયર બ્રિગેડના જવાનોને એલર્ટ આપવામાં આવ્યું છે. ભારતીય સેના, નૌકાદળ સહિત એર ફોર્સને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકારે તકેદારીના ભાગરુપે સમગ્ર વહીવટી પ્રશાસને સતર્ક રહેવાના આદેશ આપ્યા છે. રેડ એલર્ટના અંદાજ પ્રમાણે ગુજરાતમાં આઠ ઇંચનો વરસાદ પડી શકે છે, જ્યારે નર્મદા જિલ્લામાં 12 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. સુરતમાં પચાસ કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે.

અમદાવાદ પાલિકાના અધિકારી દ્વારા શહેરના તમામ ઈમરજન્સી વિભાગોને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. રેડ એલર્ટના ભાગરુપે જર્જરિત બિલ્ડિંગના રહેણાકોને ખાલી કરવાની સાથે જોખમી વૃક્ષો હટાવ્યા છે. ગુજરાત સિવાય મધ્ય પ્રદેશ, તેલંગણા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. અરુણાચલના નવ જિલ્લામાં અચાનક પૂર અને ભૂસ્ખલનની ચેતવણી જારી કરી છે. દિલ્હી સહિત ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે તેથી લોકોને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે. અહીં એ જણાવવાનું કે ગયા અઠવાડિયા દરમિયાન સુરત-વલસાડમાં ભારે વરસાદને કારણે હજારો લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું, જ્યારે અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા હતા. સુરતમાં ખાડી પુર આવવાથી અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!