શિવસેનામાં બળવો: સંજય દિના પાટીલે કેમ છોડ્યો ઉદ્ધવ ઠાકરેનો સાથ? જાણો અસલી કારણ
“મને ઉદ્ધવ-આદિત્ય સામે વાંધો નહોતો, પણ એ નેતાની જી-હજુરી મંજૂર નથી” – સંજય દિના પાટીલનો મોટો ધડાકો
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી શિવસેના (ઉદ્ધવ ઠાકરે)માં તિરાડ વધી છે. છ સાંસદોએ છેડો ફાડીને યુબીટીનું કદ વેતરી નાખ્યું છે. એક જમાનામાં મજબૂત પક્ષ શિવસેનાનું વિભાજન થયા પછી પણ ફરી એકનાથ શિંદેની શિવસેનાનું મજબૂત કદ થયું છે. શિંદે સેનામાં સામેલ થયેલા બળવાખોર સંજય દિના પાટીલે કહ્યું હતું કે શિવસેના (યુબીટી) છોડવા માટે પાર્ટી નેતૃત્વ સાથે કોઈ વૈચારિક મતભેદ નથી, પરંતુ પાર્ટીના એક ખાસ નેતા સાથે વ્યક્તિગત વિવાદ હતો.
સંજય દિના પાટીલે એકનાથ શિંદેની આગેવાની શિવસેનામાં સામેલ થયા પછી પત્રકારોને કહ્યું હતું કે તેમણે ઠાકરે પરિવાર અથવા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે કોઈ ફરિયાદ નથી. મને ઉદ્ધવ ઠાકરે અથવા આદિત્ય ઠાકરે સાથે કોઈ પરેશાની નથી. તેમણે કહ્યું કે તેમણે મને હંમેશાં મને અને મારા સમર્થકોને પૂરું સન્માન આપ્યું હતું.
જ્યારે પાટિલને વરિષ્ઠ નેતા સંજય રાઉતની ભૂમિકા અંગે ડાયરેક્ટ સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે રાઉત હંમેશા મારા અંગે સારી વાતો કરી છે. વિધાનસભ્યના કાર્યકાળ અને 2009માં સાસંદ તરીકે ચૂંટાયા પછી મારી રાજકીય કારકિર્દી માટે તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે. તેઓ એક વરિષ્ઠ નેતા છે અને હું તેમનું સન્માન કરું છું. હું તેમના અંગે કોઈ ટિપ્પણી કરવા માગતો નથી.
સંજય દિના પાટિલના રાજીનામા અંગે પાર્ટીના અંદર ચાલી રહેલા અનામી નેતા દ્વારા ઊભા કરેલ વિવાદ જવાબદાર છે. એ નેતા મારી સામે તો મીઠું બોલતા હતા, પરંતુ મારી પીઠ પાછળ અપશબ્દો કહેતા. મેં લાંબા સમય સુધી એ સહન કર્યું હતું અને બીજા નેતાઓને પણ એની જાણ હતી. એ ઈચ્છતા નહોતા કે કોઈ મજબૂત અને સ્વતંત્ર રીતે કોઈ નેતા આગળ વધે. ફક્ત જી-હજુરી કરનારા લોકો પસંદ હતા. પણ હું મારા આત્મસન્માન સાથે જીવનાર માણસ છું એમાં હું ક્યારેય બાંધછોડ કરીશ નહીં.
પાટિલે પોતાના મતવિસ્તારમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે જો આ વિવાદ વચ્ચે નેતૃત્વ બચાવ કરતું રહે તો એમાં તિરાડ પડવાનું નિશ્ચિત છે. જો મને બોલાવવામાં આવે અને એ વ્યક્તિ માટે મારે માફી માગવી પડે આજે આ દિવસ જોવાની નોબત આવી ના હોત. હું પણ ઠાકરે પરિવારની સાથે ખુશી ખુશી રહ્યો હોત. પરિવાર અંગે કહ્યું કે મારો ભત્રીજો ભાજપનો કાર્યકર્તા છે અને મારી બે પુત્રવધુઓ પણ ભાજપની કોર્પોરેટર રહી છે. અમે સૌ એક જ ઘરની છત્રછાયામાં રહીએ છીએ. જોકે, રાજકીય મતભેદ હોવા છતાં એ અમારા સંબંધોને કોઈ અસર કરતા નથી.
