August 4, 2026
અજબ ગજબહોમ

મમતા મરે નહીં એનું મારે શું કરવુંઃ મૃત બચ્ચાને પીઠ પર લઈ દિવસો સુધી તરતી રહી ડોલ્ફિન, વાયરલ વીડિયોએ વિશ્વને ભાવુક કર્યું!

Spread the love

માતાનો પ્રેમ ફક્ત મનુષ્યો સુધી જ સીમિત નથી. વાઈલ્ડ હોય કે મરીન લાઈફ, પણ દરેક જીવના જીવનમાં પ્રેમ, માતા-પિતાની મમતા અતૂટ રહેલી હોય છે. મૂંગા પ્રાણીઓની દુનિયામાં પણ પ્રેમ-લાગણી એટલી જ ઊંડી અને સાચી હોય છે. હિંદ મહાસાગરમાંથી વાયરલ એક વીડિયોએ સૌને ભાવુક કરી નાખ્યા છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી આખી દુનિયાને હચમચાવી દીધી છે. હિંદ મહાસાગરમાં ડોલ્ફિનનું ઝૂંડમાં ડૉલ્ફિન માતાએ પોતાના મૃત નવજાત બચ્ચાને એક ક્ષણ માટે પણ પોતાનાથી અલગ થવા દીધું નહોતું અને તેને પોતાની પીઠ પર સંભાળીને દિવસો સુધી સમુદ્રમાં તરતી રહી હતી.

મૃત બચ્ચું બે અઠવાડિયાનું જ હતું
આ વિડિયોને ઓસ્ટ્રેલિયાની સંસ્થા ‘જીયોગ્રાફી મરીન રિસર્ચ’ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું છે. સંશોધકે જણાવ્યું છે કે આ ડૉલ્ફિનનું નામ ફ્રેગલ (Fraggle) છે. ફ્રેગલનું બચ્ચું માત્ર બે અઠવાડિયાનું જ હતું. આ પહેલા પણ ફ્રેગલ પોતાના ચાર બાળકોને ગુમાવી ચૂકી છે. એટલે કે આ તેના માટે પાંચમા સંતાનનો શોક હતો.
સૌથી ભાવુક કરી દે તેવી વાત એ રહી કે ફ્રેગલ આ દુખમાં એકલી નહોતી. તેની ૧૪ ડૉલ્ફિનોની આખી ટોળી તેની સાથે રહી. તેઓ સતત તેની આસપાસ તરતી રહી, માનો કે પોતાના સાથીના દુખમાં તેને હિંમત આપી રહી હોય. આવી જ એક ઘટના ૨૦૧૮માં સામે આવી હતી. ત્યારે તહલેક્વા (Tahlequah) નામની એક ઓર્કા વ્હેલ પોતાના મૃત બચ્ચાને ૧૭ દિવસ સુધી લગભગ ૧૬૦૦ કિલોમીટર સુધી લઈને તરતી રહી હતી.

ડોલ્ફિનનું અન્ય ડોલ્ફિન સાથેનું બંધન મજબૂત હોય છે
વૈજ્ઞાનિકોનું માનવું છે કે ડૉલ્ફિનનું અન્ય ડૉલ્ફિન સાથેનું બંધન ખૂબ જ મજબૂત હોય છે. તેમનું મગજ પણ ખૂબ વિકસિત હોય છે. શક્ય છે કે તેઓ પોતાના બચ્ચા સાથેના ઊંડા ભાવનાત્મક સંબંધને કારણે તેને છોડી શકતી નથી. કેટલાક નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે કદાચ માતાને લાગતું હોય કે તેનું બચ્ચું હજુ જીવતું હોઈ શકે છે અને જો તે તેને વારંવાર પાણીની સપાટી પર લઈ જાય તો તે ફરીથી શ્વાસ લેવા લાગશે.

અમુક સંજોગોમાં એક સરખો શોક મનાવતા નથી
જોકે, દર વખતે એવું નથી હોતું. ઘણા કિસ્સાઓમાં ડૉલ્ફિનોનું જૂથ મૃત સાથીને છોડીને આગળ વધી જાય છે. એટલે કે બધી ડૉલ્ફિન એક સરખો શોક નથી મનાવતી, પરંતુ ઘણી ઘટનાઓ એ ચોક્કસ દર્શાવે છે કે તેમનામાં પણ ઊંડા ભાવનાત્મક સંબંધો હોય છે. સંશોધકોનું કહેવું છે કે આ વિસ્તારમાં શિયાળા દરમિયાન જન્મ લેતા ડૉલ્ફિનના બચ્ચાઓ માટે જીવિત રહેવું મુશ્કેલ હોય છે. ઠંડી હવાના કારણે શ્વાસને લગતી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ફ્રેગલના બચ્ચામાં પણ મોત પહેલા ઝડપી શ્વાસ લેવાના લક્ષણો જોવા મળ્યા હતા.


જાનવરના માફક ડોલ્ફિન પણ અલગ પ્રકારનું વર્તન કરે
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર માત્ર મનુષ્ય જ નહીં પરંતુ હાથી, ચિમ્પાન્ઝી, ડૉલ્ફિન અને વ્હેલ જેવા ઘણા પ્રાણીઓ પણ પોતાના સાથી અથવા પરિવારના સભ્યના મૃત્યુ પર અલગ-અલગ પ્રકારનું વર્તન દર્શાવે છે. ઘણી વખત ડૉલ્ફિન માતા પોતાના મૃત બચ્ચાને કલાકો કે દિવસો સુધી પોતાની પીઠ પર અથવા મોં વડે સંભાળીને તરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!