આ દિવાળીએ ચાઇનીઝ નહીં, પણ ગુજરાતની બહેનોએ બનાવેલી આ અદભુત ચીજવસ્તુઓથી કરો રોશની
GLPC દ્વારા દિવાળી ૨૦૨૬ માટે “Hampers of Light & Livelihood” કલેક્શન રજૂ; સ્વસહાય જૂથોની કલાત્મક ભેટોથી ચમકશે ગ્રામીણ મહિલાઓની દિવાળી
રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા દિવાળી ૨૦૨૬ માટે વિશેષ ગિફ્ટિંગ કલેક્શન “Hampers of Light & Livelihood” રજૂ કરવામાં આવ્યું છે. આપણી માટીની સુવાસ અને કલાત્મક કારીગરીને પ્રોત્સાહન આપતા આ હેમ્પર્સ અમદાવાદ,જૂનાગઢ, કચ્છ, ભાવનગર, આણંદ,ગીર સોમનાથ,જામનગર, સુરત, વલસાડ, પાટણ અને બનાસકાંઠાના મહિલા સખી મંડળો અને સ્વસહાય જૂથોના કૌશલ્યને ઉજાગર કરે છે.
વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના આહ્વાનને સાકાર કરવાના ઉદ્દેશ્યથી શરૂ થયેલા આ પ્રકલ્પને વર્ષ ૨૦૨૫માં બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. સ્વસહાય જૂથોના બહેનોએ તૈયાર કરેલા આ હેમ્પર્સના વેચાણ થકી અંદાજિત ૧ કરોડ રૂપિયાથી વધુની આવક પ્રાપ્ત થઈ હતી. ગયા વર્ષની સફળતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે કુલ ૩૨ જેટલા સ્વસહાય જૂથો દ્વારા નવીનતાસભર ગિફ્ટ હેમ્પર્સ તૈયાર કરવામાં આવ્યા છે.
આ દિવાળી શ્રેણીમાં પરંપરાગત હસ્તકલા અને સ્વદેશી બનાવટનો અદભુત સમન્વય જોવા મળે છે. આ કલેક્શનમાં દરેકની પસંદગી અને જરૂરિયાતને અનુરૂપ અનોખી ભેટ ઉપલબ્ધ છે. આ વિશિષ્ટ હેમ્પર્સ સ્વદેશી કારીગરી અને સ્થાનિક ઉત્પાદનોને દિવાળીની ઉજવણી સાથે સાંકળે છે. આ સ્થાનિક ઉત્પાદનો પ્રકૃતિના જતન માટે પ્રેરે છે અને પર્વની ઉજવણીને વધુ અર્થપૂર્ણ બનાવે છે.
‘ગૌમાતા’ અને કૃષિ સમૃદ્ધિનો સંદેશ આપતા જૂનાગઢના ગિરિરાજ સ્વસહાય જૂથ દ્વારા પંચગવ્ય દીવા, દિવ્ય ધૂપ અને શુદ્ધ ગીર ગાયના ઘીથી સુસજ્જ ગૌમાતા પંચપ્રસાદમ તૈયાર કરાયા છે. આ ઉપરાંત, સ્થાનિક ખેડૂતો અને મહિલાઓ દ્વારા બનાવાયેલી હાર્વેસ્ટ ઓફ હેલ્થ અને પ્યોરલી ઓર્ગેનિકા સીરીઝ હેઠળ શુદ્ધ મધ, ઓર્ગેનિક હળદર,હર્બલ ટી, બોડી ડિટોક્સ પાવડર અને પૌષ્ટિક મિલેટ્સમાંથી બનેલા દેશી નાસ્તા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
ગુજરાતની વણાટકામ અને હસ્તકળાની વિરાસતથી આ પર્વની ઉજવણીને ભાતીગળ બનાવવા માટે કચ્છ હેરિટેજ, ધ રોયલ વિવ અને ધ વોવન હેરિટેજ જેવા સ્વદેશી કલેક્શન લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં વિશ્વપ્રસિદ્ધ અજરખ પ્રિન્ટ, ઝીણવટભર્યું કચ્છી અને સૂફ ભરતકામ, આર્ટ ફ્રેમ્સ તેમજ પટોળા સ્ટોલનો સમાવેશ થાય છે. પ્રકૃતિના જતનનો સંદેશ આપતા પ્રકૃતિ અને ટેરા હેરિટેજ કલેક્શન હેઠળ નાળિયેરની કાચલીમાંથી નિર્મિત ઈકો-ફ્રેન્ડલી કટલરી, માટીના કલાત્મક વાસણો, લિપણ આર્ટ અને ઓર્ગેનિક પર્સનલ કેર પ્રોડક્ટ્સ જેવી ઇકોફ્રેન્ડલી વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આકર્ષક અને ગુણવત્તાસભર દિવાળી હેમ્પર્સની કિંમત રૂ.૫૦૦ થી રૂ. ૪,૫૯૯ (શિપિંગ ચાર્જ અને જીએસટી અલગ) સુધીની છે.વિવિધ સંસ્થાઓ અને નાગરિકો સંબંધિત સખી મંડળના પ્રતિનિધિઓનો સંપર્ક કરી સ્વદેશી ઉત્પાદનોના ઓર્ડર આપી શકે છે. આ દિવાળીએ માત્ર ભેટ નહીં, પરંતુ સ્વદેશી કારીગરોને પ્રોત્સાહન, મહિલા સશક્તિકરણને સમર્થન અને ગ્રામ્ય પરિવારોની આજીવિકામાં યોગદાનનો સંકલ્પ કરીએ.
