એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ સુધી ‘હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ’ માટે કેવી રીતે પહોંચાડવામાં આવે છે ઓર્ગન?
ઓર્ગન ડોનેશન એટલે કે અંગદાનમાં ખાસ કરીને ડોનરના હૃદયને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ સુધી સુરક્ષિત પહોંચાડવું એ તબીબી જગત માટે અત્યંત મુશ્કેલ અને સમય સામેની રેસ સમાન કામગીરી છે. આ પ્રક્રિયામાં દરેક એક મિનિટ ખૂબ જ કિંમતી હોય છે, કારણ કે પરંપરાગત સંરક્ષણ પદ્ધતિ હેઠળ માનવ શરીરની બહાર એક હૃદય માત્ર ચારથી છ કલાક સુધી જ સુરક્ષિત રહી શકે છે.
તાજેતરમાં ગુજરાતમાં તબીબો અને પ્રશાસને વંદે ભારત એક્સપ્રેસનો ઉપયોગ કરીને ડોનરના હૃદયને અંકલેશ્વર અને સુરતથી અમદાવાદ સુધી સફળતાપૂર્વક પહોંચાડીને એક નવો ઇતિહાસ રચ્યો છે. ચાલો જાણીએ કે ટ્રાન્સપ્લાન્ટ માટે ઓર્ગન એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે.
બ્રેન ડેથની પુષ્ટિ બાદ કેવી રીતે શરૂ થાય છે પ્રોસેસ?
જ્યારે તબીબો ઓફિશિયલ રીતે દર્દીને ‘બ્રેન ડેડ’ જાહેર કરે છે, ત્યારે જ હૃદય દાનમાં લઈ શકાય છે. તમામ કાનૂની અને મેડિકલ મંજૂરીઓ મળ્યા બાદ સર્જન હૃદય બહાર કાઢવાની કામગીરી શરૂ કરે છે. ઓપરેશન દરમિયાન હૃદયને શરીર માંથી નીકાળતા પહેલા તબીબો એક ખાસ કાર્ડિયોલોજિયા સોલ્યુશન ઈન્જેક્ટ કરે છે. આ ઠંડુ રાસાયણિક મિશ્રણ હૃદયના ધબકારાને કામચલાઉ ધોરણે રોકી દે છે, ઓક્સિજનની જરૂરિયાત ઘટાડે છે અને સ્નાયુ કોષોને નુકસાન થતું અટકાવે છે.
સુરક્ષિત પેકિંગ અને નવી ‘હાર્ટ ઈન અ બોક્સ’ ટેકનોલોજી
હૃદયને બહાર કાઢતાની સાથે જ તેને ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનવાળી બેગમાં સીલ કરાય છે. ત્યારબાદ આ બેગને બરફથી ભરેલા અન્ય કન્ટેનરમાં રખાય છે, જેથી આખી સફર દરમિયાન ૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જળવાઈ રહે. આ આધુનિક સિસ્ટમ હેઠળ હૃદયને ઠંડુ રાખવાને બદલે મશીન દ્વારા ઓક્સિજન યુક્ત રક્ત અને પોષક તત્વો સતત પંપ કરવામાં આવે છે. આ ટેકનોલોજીથી હૃદય 10 કલાક સુધી ચાલુ રહે છે, જેનાથી ટ્રાન્સપ્લાન્ટની સફળતાનું પ્રમાણ ખૂબ વધી જાય છે.
રોડ અને એરવેઝ દ્વારા ગ્રીન કોરિડોર
જો હોસ્પિટલો એક જ શહેરમાં હોય, તો પોલીસ ટ્રાફિક ક્લિયર કરાવીને ‘ગ્રીન કોરિડોર’ બનાવે છે, જેથી એમ્બ્યુલન્સ સિગ્નલ પર રોકાયા વગર ઝડપથી પહોંચી શકે. જો બે અલગ-અલગ શહેરો વચ્ચે ઓર્ગન ટ્રાન્સપોર્ટ કરવાનું હોય, તો ચાર્ટર્ડ પ્લેન કે કોમર્શિયલ ફ્લાઇટનો ઉપયોગ કરાય છે અને એરપોર્ટથી હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવાય છે.
ટ્રેન વંદે ભારત દ્વારા કેવી રીતે થાય છે ટ્રાન્સપોર્ટ?
મધ્યમ અંતર માટે વંદે ભારત એક્સપ્રેસ એક અત્યંત વિશ્વસનીય વિકલ્પ સાબિત થઈ છે. રેલવે મંત્રાલય, આરપીએફ, લોકલ પોલીસ અને ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર્સ વચ્ચે તાત્કાલિક નેટવર્ક સક્રિય થાય છે. એમ્બ્યુલન્સ સીધી કોચ સુધી પહોંચી શકે તે માટે ટ્રેન મોટે ભાગે પ્લેટફોર્મ નંબર એક પર રખાય છે. આરપીએ જવાનો મુસાફરોને ખસેડીને ‘હ્યુમન કોરિડોર’ બનાવે છે. ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને તબીબોની ટીમ આખી મુસાફરી દરમિયાન ઓર્ગનની સાથે રહે છે. જરૂર પડે તો રેલવે ઓર્ગન પહોંચાડવા માટે માત્ર એક કે બે મિનિટનો ખાસ સ્ટોપ આપે છે અથવા નોન-સ્ટોપ ટ્રેન દોડાવે છે.
