September 5, 2026
ધર્મનેશનલમહારાષ્ટ્ર

ગણેશોત્સવનું કડવું સત્ય! 25થી 30 ફૂટની મૂર્તિઓ બાપ્પાના મૂળ સ્વરૂપ સાથે થઈ રહ્યા છે ચેડાં

Spread the love

ભક્તિ કે શો-ઓફ? ડીજેનો ઘોંઘાટ અને ખંડિત મૂર્તિઓ વચ્ચે ખોવાયો તિલકનો પવિત્ર ગણેશોત્સવ

લોકમાન્ય તિલકે જ્યારે મુંબઈ અને મહારાષ્ટ્રની ધરતી પરથી સાર્વજનિક ગણેશોત્સવનું બ્યૂગલ ફૂંક્યું હતું, ત્યારે તેનો ઉદ્દેશ્ય અંગ્રેજી હકૂમત સામે રાષ્ટ્રચેતના, સામાજિક એકતા અને શ્રદ્ધાનો સંગમ રચવાનો હતો. પરંતુ આજે મુંબઈના ગલી-મહોલ્લાઓમાં નજર કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે તિલકનો એ પવિત્ર વિચાર કોર્પોરેટ સ્પોન્સરશિપના બેનરો, ઈવેન્ટ મેનેજમેન્ટની ચકાચૌંધ અને મંડળોની ગળાકાપ હરીફાઈ નીચે કચડાઈ ચૂક્યો છે. આસ્થા હવે બજારુ બની ગઈ છે અને ભક્તિ માત્ર એક ‘પીઆર સ્ટંટ’. મહારાષ્ટ્ર જ નહીં, હવે ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ મોટા પાયે ઉજવણી કરવામાં આવી રહી છે, પણ આસ્થાની જગ્યા આસ્થા રહેવી જોઈએ, જ્યારે બાપ્પાના મૂળ સ્વરુપ સાથે ચેડા પણ થવા જોઈએ એવું ભક્તોનું દૃઢપણે માનવું છે

ઊંચાઈનો મોહ પણ ટાળવો જોઈએ
મુંબઈ સહિત પુણે તેમ જ ગુજરાતના વડોદરામાં ઊંચી મૂર્તિઓ રાખવાનું વળગણ વધ્યું છે, પરંતુ દેખાદેખી હોવી જોઈએ નહીં. મુંબઈના મંડળોમાં ‘કોની મૂર્તિ કેટલી મોટી’ તેની આંધળી હોડ લાગી છે. 25 ફૂટ, 30 ફૂટ કે 40 ફૂટની મૂર્તિઓ સ્થાપિત કરવી એ ભક્તિ નહીં પણ મંડળના પ્રમુખો અને સ્થાનિક નેતાઓનો રાજકીય અહમ સંતોષવાનું સાધન બની ગયું છે.

આ આંધળી હરીફાઈનું ભયાનક પરિણામ મુંબઈના સાંકડા રસ્તાઓ, ટ્રાફિક જામ અને ભુલેશ્વર જેવી ગીચ બજારોમાં બનતી દુર્ઘટનાઓ વખતે જોવા મળે છે. ઊંચી મૂર્તિઓ લાવતી વખતે કે વિસર્જન દરમિયાન લાઈટના જીવંત તારમાં અટવાવું, ક્રેન તૂટી પડવી કે મૂર્તિ ખંડિત થવા જેવી ઘટનાઓ કોઈપણ સાચા ભક્તનું હૃદય કંપાવી દે તેવા હોય છે. જે આરાધ્ય દેવની 10 દિવસ આરતી ઉતારી, તેમને વિસર્જન વખતે ક્રેનથી ખેંચીને કચડાવું પડે કે રસ્તા પર અકસ્માત સર્જાય, ત્યારે સવાલ થાય છે કે આમાં બાપ્પા પ્રત્યેનો આદર ક્યાં રહ્યો?

વીઆઈપી કલ્ચર, પઠાણી ઉઘરાણી અને ડીજેનો ઘોંઘાટ
આજના મુંબઈ ગણેશોત્સવનું બીજું કાળું પાસું તેનું કોર્પોરેટાઈઝેશન છે. પંડાલમાં જે સામાન્ય માણસ કલાકો સુધી લાઈનમાં ઊભો રહે છે તેને સુરક્ષાકર્મીઓ ધક્કા મારે છે, જ્યારે રાજકારણીઓ, સ્પોન્સર્સ અને બિલ્ડરો માટે લાલ જાજમ બિછાવી ‘વીઆઈપી દર્શન’ કરાવાય છે. શું ગણેશજીના દરબારમાં પણ વર્ગભેદ હોઈ શકે? સ્તોત્રો અને મંત્રોચ્ચારનું સ્થાન કાનના પડદા ફાડી નાખતા બેસ-ડીજે અને દ્વિઅર્થી બોલિવૂડ ગીતોએ લઈ લીધું છે. ગણેશોત્સવ હવે આધ્યાત્મિક શાંતિ નહીં પણ ધ્વનિ પ્રદૂષણનું કેન્દ્ર બની ગયો છે. ઉત્સવના નામે વેપારીઓ અને સામાન્ય જનતા પાસેથી થતી પઠાણી ઉઘરાણી આ પર્વની પવિત્રતાને કલંકિત કરે છે.

ઉત્સવ ગણપતિની મૂર્તિની ઊંચાઈ કે ડીજેના કર્કશ અવાજથી નહીં, પરંતુ ભક્તના હૃદયના ભાવ અને સાદગીથી ભવ્ય બને છે. જ્યાં સુધી મુંબઈના મંડળો સોશિયલ મીડિયાના વળગણ, અહંકાર અને કોર્પોરેટ દેખાડામાંથી બહાર આવીને માટીની નાની શાસ્ત્રોક્ત મૂર્તિઓ અને સાચી ભક્તિ તરફ નહીં વળે, ત્યાં સુધી આ ગણેશોત્સવ માત્ર એક ‘શો-ઓફ’ બનીને રહી જશે. બાપ્પા વિઘ્નહર્તા છે, આપણે આપણા અહંકારથી તેમના ઉત્સવને વિઘ્નરૂપ બનાવવાનું બંધ કરવું પડશે.

શાસ્ત્રોક્ત લંબોદર વિરુદ્ધ ‘સિક્સ-પેક’
. જે દેવને શાસ્ત્રોમાં ‘લંબોદર’ (જેનું ઉદર મોટું છે, જે સમગ્ર બ્રહ્માંડને પોતાનામાં સમાવે છે), બુદ્ધિના દાતા અને સૌમ્ય વિઘ્નહર્તા કહ્યા છે, તેમને આજના મંડળોએ ‘એક્રોબેટિક્સ’ કરતા સર્કસના કલાકાર બનાવી દીધા છે.
. બેલેન્સિંગ પોઝનું ઘેલું: એક આંગળી પર સમતોલન સાધતા, સાઈકલ ચલાવતા કે પતંગ ઉડાવતા ગણપતિ બનાવીને સોશિયલ મીડિયા પર ‘રીલ્સ’ વાયરલ કરવાની માનસિકતા હાવી થઈ ગઈ છે.
. સિનેમેટિક વિકૃતિ: બાપ્પાને ક્યારેક બાહુબલી, ક્યારેક પુષ્પા તો ક્યારેક જિમ બોડી જેવા સિક્સ-પેક એબ્સ સાથે રજૂ કરવામાં આવે છે. આ કોઈ કલાત્મક સ્વતંત્રતા નથી, પરંતુ દેવત્વનું ઘોર અપમાન છે.
. મૂળ મુદ્રા ગાયબ: મોદક, પરશુ, વરદમુદ્રા અને મુષક સાથે સિંહાસન પર બિરાજમાન સૌમ્ય ગજાનનનું સ્થાન આક્રમક, ભયાનક અને વિચિત્ર પોઝ ધરાવતી મૂર્તિઓએ લઈ લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!