અમેરિકામાં ‘કચ્છી રત્ન’નું બહુમાન: વિજયભાઈ છેડાને મળ્યો ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ કોજૈન રત્ન એવોર્ડ’
અમેરિકામાં દસમા કોજૈન સંમેલન યોજવામાં આવ્યું હતું, જ્યાં કોજૈન રત્ન એવોર્ડ ફોર કમ્યુનિટી સર્વિસ 2026 અન્વયે બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ ધારશી છેડાને ‘લાઈફ ટાઈમ એચિવમેન્ટ કોજૈન રત્ન એવોર્ડ’ આપવામાં આવ્યો હતો. વિજભાઈની સમાજ અને માનવીય અભિગમને ધ્યાનમાં રાખીને કામગીરીને બિરદાવવામાં આવી હતી.
અમેરિકામાં કારકિર્દી ઘડી પણ વતન ભૂલ્યા નહીં
મૂળ કચ્છના વિજયભાઈના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો યુએસમાં ઉચ્ચ અભ્યાસ સાથે કરી હતી, જ્યાં કોસ્મેટિક્સ અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રમાં કેરિયર બનાવી હતી. અમેરિકામાં રહેવા છતાં વિજયભાઈ છેડાએ પોતાના સમાજ પ્રત્યેના ઉમદા કાર્યો કરવાનું ચાલુ રાખ્યું હતું એટલું જ નહીં, અને એની સાથે સક્રિયપણે જોડાઈ રહ્યા હતા. આ ઉપરાંત, વિદેશમાં એટલે અમેરિકામાં પણ જૈન અને જૈન સેન્ટર ઓફ સધર્ન કેલિફોર્નિયા વગેરે સંસ્થાઓમાં મહત્ત્વપૂર્ણ સેવા આપી હતી. ‘કૌજૈન’ સંસ્થામાં પણ પ્રમુખ રહીને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ટ્રસ્ટમાં જોડાયા પછી પાછું વળીને જોયું નહીં
ભારતીય વિદ્યાર્થીઓને નાણાકીય સહાય કરીને સ્કોલરશિપ આપવાનું મહત્ત્વનું કામ પણ વર્ષો સુધી કર્યું હતું. 1980માં ભારતમાં પાછા ફર્યા બિદડા સર્વોદય ટ્રસ્ટ સાથે સ્વયંસેવક તરીકે જોડાયા હતા. લગભગ 1986માં ટ્રસ્ટી તરીકે નિયુક્તિ થઈ અને 2014 સુધી ચેરમેન તરીકે સેવા આપી હતી. ગુજરાતમાં કચ્છ સહિત પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોમાં પણ લાખો દર્દીઓને આરોગ્ય સંબંધિત સુવિધા પૂરી પાડી હતી.
હજારો પરિવારોને રહેઠાણની સુવિધા પૂરી પાડી
મહારાષ્ટ્ર મુંબઈમાં પણ કચ્છના દર્દીઓને રહેવા-જમવાની સુવિધા પૂરી પાડવાની સાથે મારુ હોસ્પિટલમાં પણ ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. વિજયભાઈ કચ્છી જૈન ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ 2,200થી વધુ પરિવારની રહેઠાણની સુવિધા, 700થી વધુ નાના ઉદ્યોગકારોને વ્યાજમુક્ત લોન આપીને આત્મનિર્ભર બનાવ્યા છે. ગુજરાતમાં તેમણે અગણિત પુરસ્કારો મળ્યા છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કચ્છ હેલ્થ એવોર્ડ પણ મળ્યો છે.
300થી વધુ ડોક્ટરની ટીમ 24 કલાક માટે તહેનાત
અહીં એ જણાવવાનું કે બિદડા સર્વોદય ટ્રસ્ટ દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં 300થી વધુ ડોક્ટર અને આરોગ્યકર્મીઓની ટીમ 24 કલાક સેવામાં ખડેપગે રહે છે. આધુનિક મેડિકલ સાધનસામગ્રી સાથે દર્દીઓની સારવાર આપવામાં આવે છે, જેથી બહાર સારવાર માટે લોકોને વધુ ખર્ચ ઉપાડવાની નોબત આવે નહીં. છેલ્લા પાંચ દાયકાથી નિસ્વાર્થ ચલાવવામાં આવી રહેલા સેવાયજ્ઞમાં વિજયભાઈનું ઉત્તમ યોગદાન રહ્યું છે.
