April 29, 2026
ગુજરાતટોપ ન્યુઝ

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી: ભાજપનો ભવ્ય વિજય, વિપક્ષના સુપડા સાફ

Spread the love


ઐતિહાસિક જીત સાથે ભાજપનો દબદબો કાયમ, કોંગ્રેસ અને આપના અનેક ઉમેદવારોની ડિપોઝિટ ડુલ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એક વાર ભાજપએ વિરોધપક્ષોને જોરદાર ટક્કર આપી છે, જે વિધાનસભાની ચૂંટણી માટે ફરી ભાજપનો આત્મવિશ્વાસ વધાર્યો છે. ગુજરાતમાં યોજવામાં આવેલી મહાનગર પાલિકા, નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત સહિત તાલુકા પંચાયત માટે યોજવામાં આવેલી મતગણતરી મંગળવારે સંપન્ન થઈ. અગાઉની તુલનામાં આ વર્ષે પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં 90 ટકાથી વધુ જીત મેળવી છે.
રાજ્યમાં ઉત્તરથી દક્ષિણ અને મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ સપાટો બોલાવ્યો, જેમાં ઉત્તર ગુજરાતમાં વિપક્ષે ટક્કર આપી હતી, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે કોંગ્રેસે એક પણ જિલ્લા કે મહાનગરપાલિકા જીતી શકી નથી. ભાજપ માટે ગુજરાત પહેલાથી ગઢ છે અને લોકલ બોડીની ચૂંટણીના પરિણામોએ પણ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતની જનતા વિકાસને મહત્ત્વ આપે છે.

મહાનગર પાલિકામાં ભાજપનું પ્રભુત્વ કાયમ
ચૂંટણી પહેલા 700થી વધુ બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી હતી, પરંતુ 2021ની ચૂંટણીના માફક ફરી એક વાર ભાજપએ રાજ્યની તમામ મહાનગરપાલિકા પર કબજો મેળવ્યો છે, જ્યારે 84 નગરપાલિકામાંથી 78 બેઠક ભાજપએ મેળવી છે, ત્યાર પછી કોંગ્રેસે છ બેઠક મેળવી છે. 34 જિલ્લામાંથી 33 જિલ્લા ભાજપએ કબજે કર્યાં છે, જ્યારે તાલુકા પંચાયતમાં 253માંથી સાત કોંગ્રેસ અને આપને મળી છે. આ ચૂંટણીના પરિણામોએ ભાજપનો આત્મવિશ્વાસ વધાર્યો છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ફરી મૂલ્યાંકન કરવાની જરુર પડશે. ભાજપને મળેલી ઐતિહાસિક પરિણામોથી ખુશ થઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટ લખીને ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. જગદીશ વિશ્વકર્માએ લખ્યું હતું કે જનતાએ ગુજરાતના વિકાસને જન સમર્થન આપ્યું છે, જે ભાજપના કાર્યકર્તાઓનો વિજય થયો છે.

આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને કર્યું નુકસાન
સરેરાશ બેઠકોની ટકાવારીની વાત કરીએ તો આ વર્ષે મહાનગરપાલિકાની ભાજપએ 90 ટકા, જિલ્લા પંચાયતની 82 ટકા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની અનુક્રમે 70 અને 76 ટકા જીત્યું છે, જ્યારે 2021માં એની ટકાવારી અનુક્રમે 84, 82, 70 અને 76 ટકા હતો. શેરિંગ પેટર્નની વાત કરીએ તો મહાનગરપાલિકામાં 59 વોટશેર સાથે ઊભા છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વોટિંગ શેર ઘટ્યો છે. કોંગ્રેસ પાર્ટીને પણ શહેરી વિસ્તારના મતદારોએ નકારી દીધા છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં તો કોંગ્રેસ પાર્ટી નંબર ટૂના સ્થાને છે. ગુજરાતમાં સત્તાધારી પાર્ટીની ઊંઘ હરામ કરનારા આમ આદમી પાર્ટી જિલ્લા અને તાલુકા પંચાયતમાં દસ ટકા જેટલો હિસ્સો મળ્યો છે, જેનો ડાયરેક્ટ ફટકો કોંગ્રેસને થયો છે.

4,200 કરતા વધુ બેઠક પરની ડિપોઝિટ જપ્ત
રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ત્રણેય પક્ષમાંથી ભાજપનો સૌથી મોટો હિસ્સો રહ્યો છે, જ્યાં અનુક્રમે 59, 52, 52 તથા 51 ટકાથી વધુ હિસ્સો રહ્યો છે. ભાજપની તુલનામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મજબૂત મત મળ્યા નથી. મહાનગર પાલિકામાં કોંગ્રેસને ભાજપની તુલનામાં 26.46 ટકા, આપને 10.27 ટકા, જ્યારે અપક્ષને 1.15 ટકા વોટિંગ શેર મળ્યો છે. નગરપાલિકામાં અપક્ષને આમ આદમી પાર્ટીને વધુ મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને નંબર ટૂની પોઝિશનમાં છે, પરંતુ જિલ્લા અને તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી 12-12 ટકાનો હિસ્સો મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસ પણ 33 અને 32 ટકાથી વધુ નોંધાયો છે. વિરોધપક્ષના નેતાઓને સૌથી મોટો ફટકો પડ્યો છે, જેમાં હારેલા 4,200 કરતા વધુ સીટ પર કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!