સાવધાન! વધુ પડતી બદામ ખાવાથી યાદશક્તિ વધવાને બદલે વધી શકે છે આ મુશ્કેલીઓ, કઈ રીતે?
બદામને સ્વાસ્થ્ય માટે સારી અને પોષક તત્વોનો ખજાનો માનવામાં આવે છે, પરંતુ તેનું સેવન કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. પરંતુ આપણે ઘણી વખત બદામ ખાતી વખતે કેટલીક એવી નાની નાની ભૂલો કરી બેસીએ છીએ કે જેને કારણે બદામના પોષક તત્વો આપણા સુધી પહોંચતા નથી. જો તમે પણ દરરોજ બદામ ખાતા હોવ, તો આ માહિતી તમારા માટે આંખ ઉઘાડનારી સાબિત થઈ શકે છે.
સામાન્ય રીતે ડોક્ટર્સ અને વડીલો યાદશક્તિ તેજ કરવા, મગજશક્તિ વધારવા અને શરીરને એનર્જી આપવા માટે બદામ પલાળીને ખાવાની સલાહ આપે છે. બદામમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ, ફાઈબર અને ઓમેગા-3 ફેટી એસિડ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે. મોટાભાગના લોકો તેને પલાળીને ખાય છે કારણ કે તે સૌથી વધુ આરોગ્યદાયી રીત માનવામાં આવે છે.
નિષ્ણાતોના મતે, બદામના વધુ પડતા સેવનથી ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે. બદામની તાસીર ગરમ હોય છે. નિષ્ણાતોના મતે, જો વધારે પલાળેલી બદામ ખાવામાં આવે તો પેટમાં દુઃખાવો અને પાચન સંબંધિત અન્ય સમસ્યાઓ સતાવી શકે છે.
બદામમાં ફેટ્સ અને કેલરીનું પ્રમાણ વધારે હોય છે. આ કારણે તેના વધુ પડતા સેવનથી વજન વધવાની શક્યતા રહેલી છે. જો તમને કોઈ પણ પ્રકારની એલર્જી હોય, તો બદામ ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી સ્કીન એલર્જી જેવી કે ખંજવાળ આવવી, લાલ ચાંઠા કે રેશેઝ આવવાની સમસ્યા થઈ શકે છે.
આ ઉપરાંત બદામમાં વિટામિન ઈનું પ્રમાણ પણ ખૂબ જ વધારે હોય છે અને આ જ કારણસર જો એક દિવસમાં જરૂરિયાત કરતાં વધારે બદામનું સેવન કરવામાં આવે તો શરીરમાં સ્ફૂર્તીને બદલે અશક્તિ અને આળસનો અનુભવ થાય છે.
એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ?
એક દિવસમાં વધારે પડતી બદામ ખાવાથી થતાં નુકસાન વિશે જાણી લીધા બાદ હવે આહળ વધીએ અને વાત કરીએ કે આખરે દિવસમાં કેટલી બદામ ખાવી જોઈએ. આરોગ્ય જાળવી રાખવા માટે ઉંમર પ્રમાણે બદામનું સેવન કરવું હિતાવહ છે. યુવાનોએ દિવસ દરમિયાન 10થી 12 બદામ ખાવી જોઈએ. વૃદ્ધો માટે દિવસની 6થી 7 બદામ પૂરતી માનવામાં આવે છે. જ્યારે બાળકોને દિવસમાં માત્ર 2થી 4 બદામ આપવી જોઈએ.
