ગુજરાતમાં જનગણના 2027ના બીજા તબક્કાની તૈયારીઓ તેજ: જાણો લોકો પર શું અસર પડશે?
મુખ્ય સચિવની અધ્યક્ષતામાં PCOsની મહત્વપૂર્ણ રાજ્યસ્તરીય પરિષદ યોજાઈ; ડિજિટલ સાધનો અને સ્વ-ગણતરી (Self-Enumeration) પર મુકાયો ભાર
ગાંધીનગર: ગુજરાતમાં વસ્તી ગણતરી માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર સજ્જ બની છે. હવે જનગણના- 2027 – બીજા તબક્કા (વસ્તીની ગણતરી) માટેની ગુજરાત રાજ્યસ્તરીય મુખ્ય જનગણના અધિકારીઓ (Principal Census Officers – PCOs)ની પરિષદ આજે ગુજરાત સરકારના માનનીય મુખ્ય સચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. રાજ્યવ્યાપી સહભાગિતા સુનિશ્ચિત કરવા માટે તમામ મુખ્ય જનગણના અધિકારીઓશ્રી (જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશ્નરો) તેમ જ જિલ્લા સ્તરના હિતધારકોએ વર્ચ્યુઅલ માધ્યમથી પરિષદમાં ભાગ લીધો હતો.
મૃત્યુંજય કુમાર નારાયણ, ભારતના મહારજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશનર, ભારતના રજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશ્નરની કચેરી (ORGI), નવી દિલ્હી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત અધિકારીઓને સંબોધવામાં આવ્યા હતા. તેમણે માનનીય મુખ્ય સચિવશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ઘરયાદીની કામગીરી (HLO) સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે પુરાવા આધારિત નીતિ ઘડતર અને રાષ્ટ્રીય વિકાસમાં જનગણનાના આંકડાઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. સ્વ-ગણતરી (Self-Enumeration)માં મહત્તમ જાહેર સહભાગિતા સુનિશ્ચિત કરવા પ્રોત્સાહિત કર્યા હતા તથા વસ્તીની ગણતરીના બીજા તબક્કાને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર પાસેથી પૂરતા સહયોગની વિનંતી કરી છે.
મુખ્ય સચિવએ પોતાના સંબોધનમાં આંકડાઓની ચોકસાઈ અને અદ્યતન આયોજન પર ભાર મૂક્યો હતો. તેમણે જનગણના વિશ્વનો સૌથી મોટો કવાયતરૂપ કાર્યક્રમ હોવાનું અને તેના આંકડાઓનો ઉપયોગ શાળાઓ, આંગણવાડીઓ, રોજગાર, શહેરી આયોજન, ગરીબી નાબૂદી વગેરે ક્ષેત્રોમાં થવાનો હોવાનું જણાવ્યું હતું. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે જનગણનાના આંકડા અસરકારક આયોજન અને કલ્યાણલક્ષી સુશાસનનો પાયો છે.
તેમણે માનનીય ભારતના રજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશ્નરને રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી તથા તમામ મુખ્ય જનગણના અધિકારીઓને જનગણનાના કાર્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અને તેની સફળતાપૂર્વક પૂર્ણતા સુનિશ્ચિત કરવા વ્યક્તિગત ધ્યાન આપવા નિર્દેશ આપ્યો હતો. પરિષદ દરમિયાન વરિષ્ઠ અધિકારીઓ અને જનગણના કાર્ય નિર્દેશાલય(DCO) ગુજરાતના રાષ્ટ્રીય તાલીમકારો દ્વારા નીચેના વિષયો પર ટેકનિકલ સત્રો યોજવામાં આવ્યા હતા:
. કામગીરીની રૂપરેખા અને તાલીમ માળખું
. વિભાવનાઓ, વ્યાખ્યાઓ અને પ્રશ્નાવલી
. બીજા તબક્કા માટેના ડિજિટલ સાધનો
. કાનૂની માળખું અને કામગીરી સંબંધિત માર્ગદર્શિકા
. મીડિયા અને પ્રચાર-પ્રસારની વ્યૂહરચના પરિષદનો સમાપન સત્રમાં પરસ્પર ચર્ચા અને આભારવિધિ સાથે થયો હતો. આ પ્રસંગે રાજ્ય વહીવટી તંત્ર દ્વારા જનગણના 2027ની કામગીરી ગુણવત્તા, કાર્યક્ષમતા અને ઉચ્ચતમ ચોકસાઈ સાથે પૂર્ણ કરવા માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.
