November 5, 2026
રમત ગમત

વિરાટ કોહલીનું આ ‘ખાસ ટેટૂ’ જોઈને ગુસ્સે થઈ ગયા હતા કોચ, પછી મેદાન પર એવું કર્યું કે ઇતિહાસ બની ગયો

Spread the love

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર બેટ્સમેન, દિગ્ગજ કેપ્ટન અને અનેક રેકોર્ડ પોતાના નામે કરનાર વિરાટ કોહલી 38 વર્ષના થઈ ગયા છે. આજે કોહલી પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે ત્યારે દુનિયાભરના કોહલીના ચાહકો શુભેચ્છાઓ આપે છે છેલ્લા લગભગ 18 વર્ષથી કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય છે અને અનેક યાદગાર ઇનિંગ્સ રમી ચૂક્યા છે. જોકે, બેટિંગ ઉપરાંત પોતાની સ્ટાઇલથી પણ કોહલીએ ચાહકોને દીવાના બનાવ્યા છે. તેમાં તેમના શરીર પર બનાવેલા અનેક ટેટૂની પણ ખાસ ભૂમિકા છે. પરંતુ એક વખત તેમના એક ટેટૂને કારણે કોચે તેમને ઠપકો પણ આપ્યો હતો.

વિરાટ કોહલીના 38મા જન્મદિવસ નિમિત્તે તેમના કરિયરના શરૂઆતના દિવસો સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો જાણીએ. આ વાત તે સમયની છે, જ્યારે વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવ્યા નહોતા. એટલું જ નહીં, તે સમયે તેઓ અંડર-19 ટીમમાં પણ સામેલ નહોતા અને વર્લ્ડ ચેમ્પિયન પણ બન્યા નહોતા. ત્યારે તેઓ જુનિયર ક્રિકેટમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક ટેટૂ બનાવડાવ્યું હતું, જે પાછળથી એક યાદગાર ઘટનામાં ફેરવાઈ ગયું હતું.

ટેટૂ બનાવવા મુદ્દે કોચ થયા હતા નારાજ
મીડિયાના અહેવાલ મુજબ જ્યારે વિરાટ કોહલી દિલ્હી તરફથી અંડર-17 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં રમી રહ્યો હતો ત્યારે તેણે એક ટેટૂ બનાવડાવ્યું હતું. આ વાત વર્ષ 2006ની છે. તે સમયે ભારતીય ક્રિકેટ ટીમમાં પણ ભાગ્યે જ કોઈ ખેલાડીએ પોતાના શરીર પર ટેટૂ બનાવડાવ્યું હતું. એવામાં અંડર-17 સ્તરના એક અજાણ્યા ખેલાડીએ આવું કરવું એનાથી કોચ નારાજ થયા હતા.
બન્યું એવું કે ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં દિલ્હીનો મુકાબલો બરોડા સામે થવાનો હતો. આ મેચના એક દિવસ પહેલાં જ કોહલીએ ટેટૂ બનાવડાવ્યું હતું. ટેટૂ બનાવડાવ્યા બાદ તેઓ તેને બતાવવા માટે કોચ અજિત ચૌધરી પાસે પહોંચ્યા હતા. જોકે, કોહલીનું આ પગલું કોચને બિલકુલ પસંદ આવ્યું નહોતું અને તેઓ ખૂબ જ નારાજ થયા હતા. આથી કોચે યુવા બેટ્સમેન વિરાટ કોહલીને પડકાર ફેંક્યો કે જો તેમણે ટેટૂ બનાવડાવ્યું છે, તો હવે સેમિફાઇનલમાં શાનદાર ઇનિંગ રમીને પોતાની ક્ષમતા સાબિત કરે.

કોહલીએ આ રીતે પૂરો કર્યો કોચનો પડકાર
છેલ્લા 18 વર્ષથી વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતા જોનારા દરેક વ્યક્તિ જાણે છે કે જ્યારે તેમને કોઈ પડકાર આપવામાં આવે છે, ત્યારે તેઓ તેનો જવાબ કેટલી મજબૂતીથી આપે છે. જોકે, આ સ્વભાવની શરૂઆત તેમના જુનિયર ક્રિકેટના દિવસોથી જ થઈ ગઈ હતી. કોચ દ્વારા આપવામાં આવેલો આ પડકાર તેનું ઉત્તમ ઉદાહરણ છે.કોચના પડકારને સ્વીકારીને વિરાટ કોહલીએ સેમિફાઇનલમાં બરોડા સામે શાનદાર બેવડી સદી ફટકારી હતી. તેમણે 228 રનની યાદગાર ઇનિંગ રમીને દિલ્હીની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. આ શાનદાર ઇનિંગ બાદ કોહલીએ ફરી એકવાર કોચને પોતાનું ટેટૂ બતાવ્યું હતું. એટલું જ નહીં, ફાઇનલ મેચમાં પણ તેમણે 60 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી અને પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આમ, કોહલીએ માત્ર બેટથી જ નહીં, પરંતુ પોતાના પ્રદર્શનથી પણ કોચને આપેલો પડકાર સફળતાપૂર્વક પૂરો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!