હવે પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટ ખતમ! ગૂગલ લાવ્યું નવું સાઈન-ઈન ફીચર, જાણો કઈ રીતે બદલાશે લોગ-ઈન કરવાની રીત?

ટેકનોલોજી જાયન્ટ અને ભારતનું સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન ગૂગલ (Google) યુઝર્સના એકાઉન્ટ્સની સુરક્ષા વધારવા અને લોગઈન પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે સતત નવા ફેરફારો કરી રહ્યું છે. હવે કંપની એપ્સ અને વેબસાઈટ્સમાં સાઈન-ઈન કરવાની પરંપરાગત પદ્ધતિમાં મોટો ક્રાંતિકારી બદલાવ લાવી રહી છે.
રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ગૂગલના નવા અપડેટેડ સાઈન-ઈન ફીચર આવ્યા બાદ યુઝર્સે લાંબા પાસવર્ડ કે વારંવાર આવતા OTP (વન ટાઈમ પાસવર્ડ)ની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ નવું ફીચર વધુ સીમલેસ, સુરક્ષિત અને ફાસ્ટ ઓથેન્ટિકેશન પ્રદાન કરશે.
શું છે ગૂગલનું નવું સાઈન-ઈન અપડેટ? પાસકી ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ: ગૂગલ હવે પરંપરાગત પાસવર્ડ આધારિત લોગિન સિસ્ટમને ધીમે ધીમે પાસકી વડે બદલી રહ્યું છે. યુઝર્સ પોતાના ડિવાઇસના ફિંગરપ્રિન્ટ, ફેસ અનલોક કે સ્ક્રીન લોક પિનનો ઉપયોગ કરીને માત્ર એક ક્લિકમાં લોગિન કરી શકશે.
સીમલેસ વન-ટેપ સાઈન-ઈન: નવી એપ્સ કે થર્ડ-પાર્ટી વેબસાઈટ્સ પર એકાઉન્ટ બનાવતી વખતે અથવા લોગિન કરતી વખતે ગૂગલ એક નવું રીડિઝાઈન્ડ વન-ટેપ ઈન્ટરફેસ આપશે, જે બેકગ્રાઉન્ડમાં ઓટોમેટિક વેરિફિકેશન પૂર્ણ કરી દેશે.
ક્રોસ-ડિવાઈસ સિન્ક્રોનાઈઝેશન: ગૂગલ પાસવર્ડ મેનેજર સાથે જોડાયેલા ક્રેડેન્શિયલ્સ એન્ડ્રોઇડ, વિન્ડોઝ અને મેક જેવા તમામ ડિવાઇસ પર સુરક્ષિત રીતે સિન્ક થશે.
સામાન્ય યુઝર્સને શું ફાયદો થશે?
ફિશિંગ અને હેકિંગથી 100 ટકા સુરક્ષા: પરંપરાગત પાસવર્ડ લીક થવાનું કે ફિશિંગ એટેકથી ચોરાઈ જવાનું જોખમ રહેતું હતું. પાસકી ટેકનોલોજી ક્યારેય કોઈ સર્વર પર સ્ટોર થતી નથી, જેથી એકાઉન્ટ હેક કરવું અશક્ય બની જાય છે.
સમયની બચત: દર વખતે આઈડી-પાસવર્ડ ટાઈપ કરવાની કે રિસેટ કરવાની જરૂર નહીં પડે.
એસએમએસ ફ્રોડથી રક્ષણ: ઘણીવાર સિમ સ્વેપિંગ કે એસએમએસ ઈન્ટરસેપ્ટ કરીને ઓટીપી ચોરી લેવામાં આવતા હતા. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી આ પ્રકારના ઓનલાઈન ફ્રોડ સંપૂર્ણ બંધ થઈ જશે.
તમારા ડિવાઈસમાં કેવી રીતે કામ કરશે આ સુવિધા?
ગૂગલ એકાઉન્ટ સેટિંગ્સમાં જઈને યુઝર્સ સરળતાથી પોતાના સ્માર્ટફોન કે લેપટોપ માટે ‘Passkeys’ સેટ કરી શકે છે. એકવાર પાસકી એક્ટિવેટ થયા પછી, જ્યારે પણ તમે ગૂગલ અથવા તેની સાથે જોડાયેલી એપ્સ ખોલશો, ત્યારે ફોનનું ફિંગરપ્રિન્ટ સેન્સર ટચ કરતાં જ સુરક્ષિત લોગિન થઈ જશે.
