ઇન્સ્ટા-ફેસબુક યુઝર્સ માટે મોટા સમાચાર: ખોટા વીડિયો વાયરલ કરવા પર સરકારની મેટાને કડક ચેતવણી!
સોશિયલ મીડિયા અલ્ગોરિધમથી ભ્રામક અને એકતરફી વાયરલ કન્ટેન્ટ રોકવા MeitYનો ‘મેટા’ને આદેશ; જાણો તમારી ફીડમાં શું બદલાશે?
તમે ઈન્સ્ટાગ્રામ પર કોઈ એક મુદ્દાનો વીડિયો જોયો અને ત્યારબાદ તમારી ફીડમાં સતત તેવા જ વીડિયો આવવા લાગ્યા—આવો અનુભવ દરેક સ્માર્ટફોન યુઝરને થતો હોય છે. ધીમે-ધીમે યુઝરની ફીડમાં એક જ પક્ષ કે એકતરફી વિચારધારા ધરાવતા કન્ટેન્ટનો ભરાવો થઈ જાય છે. સોશિયલ મીડિયા પર તમને કઈ રીલ્સ કે પોસ્ટ દેખાડવી તે પ્લેટફોર્મના અલ્ગોરિધમ દ્વારા નક્કી થાય છે.
હવે આ જ સિસ્ટમ પર કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે. ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે (MeitY) ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની ‘મેટા’ (Meta) ને સત્તાવાર એડવાઇઝરી પાઠવી છે. સરકારે મેટાને તેના કન્ટેન્ટ રેકમેન્ડેશન અને રેન્કિંગ સિસ્ટમની તાત્કાલિક સમીક્ષા કરવા કડક આદેશ આપ્યો છે.
કેન્દ્ર સરકારની ચિંતાનું મુખ્ય કારણ શું?
સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ એવા વીડિયો કે પોસ્ટ્સને વારંવાર પ્રમોટ ન કરે જે ખોટી હોય, સંદર્ભ વિનાની હોય કે જેમાં અધૂરી માહિતી રજૂ કરવામાં આવી હોય. ખોટી અને ભડકાઉ પોસ્ટ્સ વારંવાર ફીડમાં આવવાથી સમાજમાં ડર, અફવા અને અસમંજસ ફેલાય છે, જેના લીધે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળવાની ભીતિ રહે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે અલ્ગોરિધમ કોઈ યુઝરને માત્ર એકતરફી વિચાર કે મર્યાદિત દ્રષ્ટિકોણ સુધી કેદ ન રાખવું જોઈએ, પરંતુ કોઈપણ વિષયની વિશ્વાસપાત્ર માહિતીના તમામ પાસાઓ લોકો સુધી પહોંચવા જોઈએ.
વાઈરલ કન્ટેન્ટ પર મેટાએ શું પગલાં લેવા પડશે?
અચાનક વાયરલ થતા કન્ટેન્ટની સત્યતા તપાસવા માટે મેટાએ પોતાની ફેક્ટ-ચેકિંગ અને આંતરિક સિસ્ટમને વધુ મજબૂત કરવી પડશે. ચર્ચાસ્પદ ઘટનાઓના વીડિયો કે ફોટો સાથે તે ક્યાંના છે, કઈ તારીખના છે અને તેની સત્યતા શું છે તેનો યોગ્ય સંદર્ભ (Context) દર્શાવવો જરૂરી બનશે. સરકારે સ્પષ્ટતા કરી છે કે આ પગલાંથી સામાન્ય નાગરિકોની વાજબી ચર્ચા કે અભિવ્યક્તિ પર કોઈ પ્રતિબંધ નહીં લાગે, પરંતુ કાયદાના દાયરામાં રહીને અલ્ગોરિધમનું સંતુલન જાળવવું પડશે.
ઇન્સ્ટા-ફેસબુક પર હવે કયા વીડિયો ઓછા દેખાશે?
સરકારે ખાસ કરીને નીચે મુજબના કન્ટેન્ટને ફિલ્ટર કરવા મેટાને નિર્દેશ આપ્યા છે.
⦁ ભૂતકાળમાં કે અન્ય કોઈ શહેરમાં બનેલી હિંસા કે વિવાદના જૂના વીડિયોને તાજેતરની નવી ઘટના તરીકે દર્શાવીને વાયરલ કરનારા કન્ટેન્ટ.
⦁ પોલીસ કાર્યવાહી, સરકારી પ્રતિબંધો કે કટોકટી જેવી પરિસ્થિતિઓ અંગે સત્તાવાર પુષ્ટિ વિના કરવામાં આવતા દાવા.
⦁ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતી ક્લિપ્સ કે નફરત ફેલાવતા ભાષણો.
