June 4, 2026
ગુજરાતટોપ ન્યુઝ

ચમત્કાર! અમદાવાદના ધોલેરાની રણ જેવી જમીનમાં ઉગ્યા 12 ફૂટ ઊંચા વૃક્ષો, ‘ડ્રમ પ્લાન્ટેશન’નો ફાયદો શું?

Spread the love


ખારાશવાળી ભૂમિ પર ટેકનોલોજીની મદદથી 3,200થી વધુ વૃક્ષો લહેરાયા, હવે વધુ 20 હેક્ટરમાં વનીકરણ થશે


બળબળતા ઉનાળાની તીવ્ર ગરમીમાં અમદાવાદ જિલ્લાનાં ધોલેરામાં મુસાફરી કરવી એક કઠિન અનુભવ બને છે. અર્ધ-શુષ્ક આબોહવા ધરાવતા આ વિસ્તારમાં તીવ્ર સૂર્યકિરણો, સખત્ત ખારાશવાળી જમીનમાં ઉભા રહેવુ પણ મુશ્કેલ બને છે. આ કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ ધોલેરાનાં એક્ટિવેશન એરિયાનાં બ્લોક નંબર 29માં વન વિભાગે નવતર પ્રયોગ થકી વિકસાવેલું હરિયાળું વન રણમાં વિરડા જેવું લાગે છે. દેશમાં સેમિકંડક્ટર હબ તરીકે ઉભરતા ધોલેરાની ખારાશવાળી જમીન પર ગુજરાત વન વિભાગે ‘ડ્રમ પ્લાન્ટેશન’નો નવતર પ્રયોગ કર્યો છે.

અમદાવાદ (સામાજિક વનીકરણ) વિભાગ દ્વારા અહીં વિકસાવવામાં આવેલી નવીન “ડ્રમ પ્લાન્ટેશન” પદ્ધતિથી 3,200થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ નવતર પ્રયોગને સફળતા મળી છે. આસપાસ ખારાપાટની વચ્ચે ઉભેલા 3200 વૃક્ષો દરેક જોનાર વ્યક્તિને આશ્ચર્ય પમાડે છે અને રણની વચ્ચે વિરડાનો અનુભવ કરાવે છે. ઝડપથી વિકસતા ઔદ્યોગિક શહેર ધોલેરામાં હરિયાળો વિસ્તાર વધારવાના હેતુથી આ પ્રોજેક્ટને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (DSIRDA) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.
અત્યંત ખારાશ ધરાવતી જમીન અને કઠિન આબોહવામાં, જ્યાં કુદરતી રીતે ઘાંસ પણ ઉગી શકતું નથી, ત્યાં આ પહેલની સફળતા વિશેષ મહત્વ ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય તે માટે ધોલેરાને વિશ્વસ્તરીય ટકાઉ શહેર તરીકે વિકસાવવાની નેમ છે.

પ્રાયોગિક ધોરણે 3200 રોપાઓ ઉછેર્યા અને સફળતા મળી
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ 2025માં 15 જાતિનાં 3,200થી વધુ રોપાઓ પ્લાસ્ટિકના ડ્રમનો ઉપયોગ કરીને વાવવામાં આવ્યા હતા. આ પ્રયોગનું કારણ એ હતુ કે, રોપાનાં મૂળિયાઓને જમીનની ખારાશથી ઉંચાઇ પર સુરક્ષિત રાખી શકાય. એક વર્ષથી પણ ઓછા સમયમાં ઘણા રોપાઓ 12 ફૂટ સુધી ઊંચા થયા છે, જે આ વિસ્તાર માટે નોંધપાત્ર સિદ્ધિ છે.

અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. મીનલ જાનીએ જણાવ્યું કે, “આ ખારાશવાળી જમીનમાં રોપાઓ ઉછેરવા એક પડકાર હતો. જમીનમાં ઇલેક્ટ્રો-કન્ડક્ટિવિટી ખૂબ ઊંચી હતી, જમીનમાં કાર્બનનું પ્રમાણ નહિવત હતુ અને ખારાશ અત્યંત વધુ હતી. આ ઉપરાંત, આ વિસ્તારમાં છ મહિના સુધી પાણી ભરાયેલું રહેવાને કારણે છોડનો વિકાસ લગભગ અશક્ય બની જતો હતો. આ પડકારોનો સામનો કરવા માટે અમે ‘ડ્રમ પ્લાન્ટેશન ટેકનિક અપનાવી. જેમાં રોપાઓને ડ્રમમાં ઊંચાઈ પર વાવવામાં આવ્યા. આ ડ્રમમાં રેતી, પોષક તત્ત્વોથી ભરપૂર માટી, વર્મી કમ્પોસ્ટ, સુકુ ઘાસ અને કોકોપીટને ભરવામાં આવ્યાં.”

15થી વધુ પ્રજાતિનાં વૃક્ષો વાવવામાં આવ્યા
આ વાવેતરમાં પીલુ (Salvadora persica), કેસૂડો (Butea monosperma), શીમળો (Bombax ceiba), પારસ પીપળો (Thespesia populnea), વડ (Ficus benghalensis), પીપળો (Ficus religiosa), પેલ્ટોફોરમ (Peltophorum pterocarpum), દેશી બાવળ (Acacia nilotica), કરંજ (Pongamia pinnata), અર્જુન (Terminalia arjuna), ગોરસ આંબલી (Pithecellobium dulce), લીમડો (Azadirachta indica), ગુંદી (Cordia dichotoma) અને આમલી (Tamarindus indica) સહિતની 15 પ્રજાતિનાં વૃક્ષો વાવવામાં આવ્યા છે.

‘ડ્રમ પ્લાન્ટેશન’ ટેકનિક શું છે?
. જ્યાં અતિશય ખારાશ, ઓછું કાર્બન અને 6 મહિના સુધી પાણી ભરાઈ રહેવાને કારણે ઘાસ પણ નહોતું ઉગતું, ત્યાં આ પદ્ધતિ અપનાવાઈ:

. ડ્રમનો ઉપયોગ: પ્લાસ્ટિકના ડ્રમને જમીનમાં આશરે 1 ફૂટ ઊંડે દાટીને રોપાઓને જમીનની ખારાશથી ઊંચાઈ પર સુરક્ષિત રખાયા.

. ખાસ મિશ્રણ: ડ્રમની અંદર રેતી, પોષક તત્ત્વોવાળી માટી, વર્મી કમ્પોસ્ટ, સૂકું ઘાસ અને કોકોપીટ ભરવામાં આવ્યું.

. હવા અને પાણીની વ્યવસ્થા: ડ્રમમાં હવાની અવર-જવર માટે કાણાં પાડવામાં આવ્યા. DSIRDA દ્વારા મીઠા પાણીની વ્યવસ્થા કરી ટપક સિંચાઈ (ડ્રિપ ઇરિગેશન) ગોઠવવામાં આવી.

પ્રોજેક્ટના મુખ્ય પરિણામો
. 3,200થી વધુ વૃક્ષોનો ઉછેર: પીલુ, કેસૂડો, વડ, પીપળો, લીમડો, અને આમલી સહિત 15થી વધુ સ્થાનિક પ્રજાતિઓ સફળતાપૂર્વક ઉગાડવામાં આવી.

. નવી ઇકોસિસ્ટમ: વૃક્ષો પર ફળો આવવા લાગ્યા છે. પક્ષીઓ, પતંગિયા અને અન્ય જીવજંતુઓ આવતા રણ વિસ્તારમાં હરિયાળી સાથે નવું પર્યાવરણ રચાયું છે.

. ઈકો-ફ્રેન્ડલી અભિગમ: ભવિષ્યમાં આ પ્લાસ્ટિકના ડ્રમને હટાવીને રિસાયકલ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!