15મી ઓગસ્ટના લાલ કિલ્લા પર ‘Abhigyan App’નું અદ્રશ્ય સુરક્ષા કવચ! 35 સેકન્ડમાં સ્કેન થશે ગુનેગાર
15મી ઓગસ્ટ, 2026ના જ્યારે દેશના વડા પ્રધાન દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવશે, ત્યારે સમારંભ સ્થળ અને સમગ્ર રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક રાખવામાં આવી છે. આ વખતે સુરક્ષામાં માત્ર પોલીસ બળ કે સુરક્ષા દળો જ નહીં, પરંતુ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) અને આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
લાલ કિલ્લા પર આશરે ૨૫ હજારથી વધુ આમ નાગરિકો, વીઆઈપી (VIP) અને વીવીઆઈપી (VVIP) મહેમાનોની હાજરીને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ ખાસ ‘અભિજ્ઞાન એપ’ (Abhigyan App)નો ઉપયોગ કરી રહી છે. આવો જાણીએ કે શું છે આ ‘અભિજ્ઞાન એપ’ અને 15મી ઓગસ્ટના તે કેવી રીતે લાલ કિલ્લાને સુરક્ષા કવચ પૂરું પાડશે…
શું છે Abhigyan App?
‘અભિજ્ઞાન એપ’ ને રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા ખાસ તૈયાર કરવામાં આવી છે. આ એપ સુરક્ષા એજન્સીઓને ઘટનાસ્થળે કે ભીડમાં હાજર કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની તાત્કાલિક ઓળખ કરવા અને તેના ગુનાહિત રેકોર્ડની ચકાસણી કરવામાં મદદ કરે છે. આ માટે સુરક્ષાકર્મીઓને હેન્ડહેલ્ડ બાયોમેટ્રિક ડિવાઈસ (Handheld Biometric Device) અને પોર્ટેબલ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યા છે.
35 સેકન્ડમાં રિયલ-ટાઈમ રિઝલ્ટ
આ એપ દેશના NAFIS (National Automated Fingerprint Identification System) સાથે સીધી લિંક થયેલી છે. જો પોલીસને કોઈ વ્યક્તિ પર શંકા જાય, તો સ્થળ પર જ તેના ફિંગરપ્રિન્ટ સ્કેન કરવામાં આવે છે. સ્કેન કર્યા બાદ એપ એક કરોડથી વધુ સંગઠિત ગુનેગારો અને વોન્ટેડ ક્રિમિનલ્સના વિશાળ ડેટાબેઝમાં તેનો રેકોર્ડ શોધે છે. માત્ર 35 સેકન્ડમાં રિઝલ્ટ સ્ક્રીન પર આવી જાય છે. જો ફિંગરપ્રિન્ટ મેચ થાય તો સ્ક્રીન પર લાલ (Red Signal) દેખાય છે અને તેનો ક્રિમિનલ રેકોર્ડ સામે આવી જાય છે. જો કોઈ રેકોર્ડ ન હોય તો લીલો (Green Signal) બતાવે છે.
લાલ કિલ્લા પર શા માટે થઈ રહ્યો છે ઉપયોગ?
સ્વતંત્રતા દિવસ જેવા મોટા અને અતિ સંવેદનશીલ કાર્યક્રમમાં દરેક શંકાસ્પદ વ્યક્તિને પૂછપરછ કે તપાસ માટે પોલીસ સ્ટેશન લઈ જવી શક્ય નથી હોતી. આ એપ દ્વારા સ્થળ પર જ સેકન્ડોમાં શંકાસ્પદ વ્યક્તિની સત્યતા ચકાસી શકાય છે, જેથી ભીડ વચ્ચે છુપાયેલા ગુનેગારને તાત્કાલિક પકડી શકાય.
AI ફેશિયલ રિકગ્નિશન અને એન્ટી-ડ્રોન સિસ્ટમનું સુરક્ષા કવચ:
અભિજ્ઞાન એપ ઉપરાંત, લાલ કિલ્લા અને આસપાસના વિસ્તારોમાં 1000થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાં ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ (FRS) સજ્જ કેમેરા અને FRS વેન પણ સામેલ છે. આ સિસ્ટમ ભીડમાં ચહેરાઓને સ્ક્રીન કરીને વાન્ટેડ લિસ્ટ સાથે મેચ કરે છે. આ સાથે જ આકાશમાંથી થતા કોઈપણ જોખમને નિષ્ફળ બનાવવા માટે હાઈટેક એન્ટી-ડ્રોન સિસ્ટમ (Anti-Drone System) પણ તૈનાત કરવામાં આવી છે.
