અષાઢ-શ્રાવણની નિરાશા વચ્ચે ભાદરવાએ બદલ્યો ખેલ: કચ્છમાં મેઘરાજાની મહેરથી ખેડૂતો ઝૂમી ઊઠ્યા
દુષ્કાળ જેવી સ્થિતિ વચ્ચે કચ્છ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ

આ વર્ષે અલ નીનોના પ્રકોપને કારણે દેશભરમાં ચોમાસાને બેવડો માર પડ્યો છે. અમુક રાજ્યમાં મુશળધાર વરસાદ પડ્યો છે, જ્યાં પૂરના પ્રકોપને કારણે નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા હતા, જ્યારે હજુ પણ અમુક રાજ્યમાં વરસાદની ખેંચ પડી છે. ગુજરાતમાં ભાદરવા મહિનામાં ભરપુર વરસાદ પડે એવી અપેક્ષા વચ્ચે ભગવાનની કૃપાથી શરુઆત મધ્ય ગુજરાતથી કરીને ઉત્તર અને છેક કચ્છ સુધી મેઘરાજાની મહેર થઈ છે. કચ્છ પંથકમાં દુષ્કાળ જેવી સ્થિતિ વચ્ચે મેઘરાજાએ ચોમેર મહેર કરવાથી જગતાતને આશા બંધાણી છે.
કચ્છમાં અંજાર, ભુજ સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. છેલ્લા બે મહિનાથી મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહેલા ધરતીપુત્રો બે દિવસથી ભારે વરસાદને કારણે રાજીના રેડ થઈ ગયા હતા. દુષ્કાળ વચ્ચે ખેડૂતો અને પશુઓને ઘાસચારાની અછત વચ્ચે વરસાદ પડતા એક ખેડૂત તો ઝૂમી ઊઠ્યા હતા. રીતસરના ઘરે અવસર આવ્યો હોય તેમ રાજીના રેડ થઈને નાચી ઊઠ્યો હતો, જે વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પણ નોંધ લીધી હતી.
લોકોએ નોંધ લઈને જણાવ્યું હતું કે કચ્છ જેવા પ્રાંતમાં વરસાદની અનિશ્ચિતતા વચ્ચે વરસાદ આવવાની એ મહત્ત્વની બાબત છે. લાંબા વિરામ પછી વરસાદ પડતા સુકાઈ રહેલા પાકને પણ ભેજ મળ્યો હતો. વરસાદ ખેંચાવવાને કારણે પાકપાણીની અસર ચિંતાજનક બની હતી. હવે વરસાદ પડવાને કારણે કદાચ સુધારો થવાની આશા છે.
અહીં એ જણાવવાનું કે ગુજરાત સહિત રાજ્યમાં નવા ચોમાસાના રાઉન્ડ વચ્ચે સાર્વત્રિક વરસાદ પડ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ અનુસાર રાજ્યના 190થી વધુ તાલુકામાં મહત્તમ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ, ભરૂચ સહિત સુરત જિલ્લાની સાથે સૌરાષ્ટ્રમાં જામનગરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે છેલ્લા ઘણા દિવસથી મેઘરાજાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આકાશમાંથી વરસેલું કાચું સોનું સાબિત થયું છે. ચોમાસું લંબાઈ જવાને કારણે અનેક વિસ્તારોમાં ઊભા પાકને પાણીની જરુરિયાત ઊભી થઈ હતી. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે. ભેજ અને પાણી મળવાને કારણે આશા વધુ મજબૂત એટલે કે ખેડૂતોને જીવતદાન મળ્યું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 84.38 % વરસાદ નોંધાયો છે. પ્રદેશવાર સ્થિતિ જોતાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 112.32%,પૂર્વ મધ્ય ગુજરાતમાં 84.97% કચ્છ પ્રદેશમાં 48.62%, ઉત્તર ગુજરાતમાં 63.29% અને સૌરાષ્ટ્રમાં 65.14% વરસાદ થયો છે.હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ યથાવત રહેશે.
આજે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શરુઆત થશે.
