એકતા નગરમાં નવું નજરાણું: 220 મીટર લાંબા ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ સાથે રેઇન ફોરેસ્ટ પ્રોજેક્ટ તૈયાર
ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું એકતા નગર આજે વૈશ્વિક પ્રવાસન નકશા પર આગવું સ્થાન ધરાવે છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ થકી આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ પ્રાપ્ત કરનાર એકતા નગરમાં પ્રવાસીઓ માટે સતત નવાં આકર્ષણો અને આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, જેમાં રેઇન ફોરેસ્ટ પ્રોજેક્ટનો ઉમેરો થયો છે. એકતા નગર આવતા પ્રવાસીઓને પ્રકૃતિના સાનિધ્યમાં એક અનોખો અનુભવ મળે તે ઉદ્દેશથી વાગડિયા ચેકપોસ્ટ નજીક નવા ગોરા બ્રિજ પાસે ‘રેઇન ફોરેસ્ટ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. ₹ 9.49 કરોડના ખર્ચે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા આ રેઇન ફોરેસ્ટનું લોકાર્પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
ભારતનાં વિવિધ પ્રદેશોની સદાબહાર વનસ્પતિ એક જ સ્થળે નિહાળવાની તક
એકતા નગર ખાતે વિકસિત રેઇન ફોરેસ્ટ પ્રોજેક્ટ પ્રાકૃતિક સૌંદર્ય, જૈવવિવિધતા અને ટકાઉ પ્રવાસનનો અનોખો સમન્વય રજૂ કરશે. આ સ્થળે ભારતના પશ્ચિમ ઘાટ, હિમાલય અને આંદામાન-નિકોબાર ટાપુઓ જેવા પ્રદેશોની રેઇન ફોરેસ્ટની વિવિધ સદાબહાર વનસ્પતિની પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના માધ્યમથી પ્રવાસીઓને ફોરેસ્ટ ઇકોલોજી, જૈવવિવિધતા, વન સંરક્ષણ તથા સ્થાનિક વનસ્પતિના મહત્ત્વ વિશે જાણવાની અને સમજવાની તક મળશે. આમ, પ્રકૃતિના સાનિધ્યમાં પ્રવાસીઓ પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત બને તે દિશામાં આ પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
220 મીટર લાંબો ગ્લાસ ડેક ધરાવતો સ્કાયવોક બ્રિજ બનશે મુખ્ય આકર્ષણ
રેઇન ફોરેસ્ટમાં પ્રકૃતિની સમીપ રહેવાની સાથે પ્રવાસીઓના મનોરંજન માટે અનેક આકર્ષણો વિકસાવવામાં આવ્યાં છે. આમાં આશરે 220 મીટર લાંબો ગ્લાસ ડેક ધરાવતો સ્કાયવોક બ્રિજ મુખ્ય આકર્ષણ બનશે. ગ્લાસ વૉક-વે પર ચાલતાં પ્રવાસીઓને રેઇન ફોરેસ્ટના પ્રાકૃતિક સૌંદર્યને એક અનોખા દૃષ્ટિકોણથી નિહાળવાનો અનુભવ મળશે. આ ઉપરાંત, 5થી 8 મીટરની ઊંચાઈ ધરાવતો ધોધ તથા સર્ક્યુલર તળાવ અને તેને જોડતા પુલો સ્થળની સુંદરતામાં વધારો કરશે. પ્રાકૃતિક પથ્થરોથી બનાવવામાં આવેલું 20 ફૂટ ઊંચું અને 40 ફૂટ પહોળું પ્રવેશદ્વાર પણ પ્રવાસીઓને આકર્ષિત કરશે. નર્મદા પથ્થર અને ઈંટ-ચૂનાના વૉકિંગ ટ્રેલ્સ, વૃક્ષોની હારમાળા અને રેઇન ફોરેસ્ટના વિવિધ સ્તરોને દર્શાવતું થીમેટિક લેન્ડસ્કેપિંગ પ્રવાસીઓને એક અનોખો અનુભવ કરાવશે.
શિક્ષણ અને મનોરંજનનો સમન્વય
રેઇન ફોરેસ્ટનું ઇન્ફોર્મેશન સેન્ટર નકશા, ચિત્રો, માહિતીપ્રદ ડિસ્પ્લે અને QR કોડના માધ્યમથી પ્રવાસીઓને વરસાદી ફોરેસ્ટ ઇકોલોજી, જૈવવિવિધતા અને વન સંરક્ષણ વિશે માહિતી પૂરી પાડશે. તો બાળકો માટેના પ્લે એરિયામાં રોક ક્લાઇમ્બિંગ વૉલ, વિવિધ ઊંચાઈની સ્લાઇડ્સ, સીડીથી જોડાયેલી ટ્રી બાલ્કનીઝ અને હીંચકાઓ જેવી સુવિધાઓ હશે.
એકતા નગર ખાતે નિર્મિત રેઇન ફોરેસ્ટથી થનારા લાભો
* એકતા નગરમાં ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન મળશે, જેના પરિણામે સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે.
* ભારતના વિવિધ પ્રદેશોની સદાબહાર વનસ્પતિ અને સમૃદ્ધ જૈવવિવિધતાને એક જ સ્થળે નિહાળવાની તક મળશે.
* વિદ્યાર્થીઓ, સંશોધકો અને પ્રકૃતિપ્રેમીઓ માટે પર્યાવરણ અને જૈવવિવિધતાને લગતું રિસર્ચ સ્થળ બનશે.
* જવાબદાર અને ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન મળશે તથા એકતાનગરની પ્રવાસન સ્થળ તરીકેની ઓળખ વધુ મજબૂત બનશે.
