મુંબઈમાં રોજના 600 મિલિયન લિટર પાણીની ઘટ, ડેમ ભરેલા છતાં કેમ ખૂટી રહ્યું છે પાણી? 2030 સુધીમાં સંકટ ઊભું થશે
વધતી વસ્તી, વિલંબિત પ્રોજેક્ટ્સ અને અનિયમિત ચોમાસા વચ્ચે 2030 સુધી મુંબઈગરાંએ ભોગવવી પડશે પાણીની તંગી
મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આગામી વર્ષોમાં પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાવાના સંકેત મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં અલ નીનોની અસર અને અનિયમિત ચોમાસા વચ્ચે મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીનો પૂરતો સંગ્રહ થયો નથી. આ સંજોગોમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પાણીની અછત નિવારવા માટે હાથ ધરાયેલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ હજુ ઓછામાં ઓછા ત્રણથી ચાર વર્ષ વિલંબિત હોવાથી વર્ષ 2030 સુધી મુંબઈગરાંએ પાણીની અછતનો સામનો કરવો પડશે.
હાલ ઉપલબ્ધ પાણીનો જથ્થો આવતા વર્ષના ચોમાસા સુધી માંડ પૂરો થાય તેમ હોવાથી, એપ્રિલ–મે 2027થી મુંબઈમાં પાણીની તંગી વધુ ગંભીર બને તેવી ભીતિ છે. સરકારના નિર્દેશો મુજબ ઓગસ્ટ, 2027 સુધી પાણી બચાવવા માટે હાલમાં પણ મુંબઈમાં દસ ટકા પાણીકાપ લાગુ છે.
સાત જળાશયો 100 ટકા ભરાયા છતાં પાણી કેમ ખૂટે છે?
મુંબઈને આખું વર્ષ અવિરત પાણી આપવા માટે અપર વૈતરણા, મોડકસાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી – આ સાત ડેમમાં સપ્ટેમ્બરના અંત સુધીમાં 14.47 લાખ મિલિયન લિટર 100 ટકા સ્ટોક હોવો અનિવાર્ય છે. ઑક્ટોબરની શરૂઆતમાં આ જળાશયોમાં માત્ર 96 ટકા જ પાણી સંગ્રહિત થયું હતું. વધતી વસ્તીના કારણે હવે 100 ટકા ડેમ ભરાય તો પણ આખું વર્ષ પાણી પૂરું પડતું નથી.
માગ અને પુરવઠા વચ્ચેનું ચિંતાજનક ગણિત
મુંબઈમાં હાલ દૈનિક પીવાના પાણીની માગ 4,600 મિલિયન લિટર છે, જ્યારે BMC માત્ર 4,100 મિલિયન લિટર પાણી સપ્લાય કરી શકે છે. એટલે કે રોજની 600 મિલિયન લિટરની ઘટ વર્તાઈ રહી છે. વર્ષ 2041 સુધીમાં મુંબઈમાં દૈનિક પાણીની માગ વધીને 6,424 મિલિયન લિટર પહોંચશે. મુંબઈમાં હાલ ૩,૦૦૦થી વધુ મોટા કન્સ્ટ્રક્શન અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેના કારણે પાણીનો વપરાશ અંદાજ કરતાં ઝડપથી વધી રહ્યો છે.
ગારગાઈ ડેમ અને દરિયાના પાણીને મીઠું બનાવવાના પ્રોજેક્ટ્સ ક્યાં અટક્યા?
પાલિકાએ ગારગાઈ ડેમ પ્રોજેક્ટ તેમજ મનોરી અને વર્સોવા ખાતે દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાના ‘ડીસેલિનેશન પ્લાન્ટ્સ’ હાથ ધર્યા છે, પરંતુ આ પ્રોજેક્ટ્સ 2030 પહેલાં પૂર્ણ થવાની શક્યતા નથી. આ ત્રણેય પ્રોજેક્ટ્સ પૂર્ણ થશે તો પણ 2030માં મુંબઈને માત્ર 5,410 મિલિયન લિટર પાણી મળશે, જ્યારે તે સમયે માગ 5,320 મિલિયન લિટરે પહોંચી જશે. એટલે કે પ્રોજેક્ટ્સ પૂરા થયા બાદ પણ તંગી યથાવત રહેશે. છેલ્લા બે દાયકાથી અટવાયેલા ગારગાઈ ડેમ પ્રોજેક્ટનું કામ હવે ઝડપી બનાવીને મે, 2029 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રખાયું છે.
