અમેરિકા-ઈરાન તણાવ: ભારતમાં ડીઝલ સપ્લાય પર મોટો નિર્ણય, લાગુ થઈ નવી લિમિટ
વૈશ્વિક સંકટ વચ્ચે સરકારનું મોટું પગલું: હવે રિટેલ પંપ પરથી રોજના 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે, ઉદ્યોગો પર 90 દિવસનો પ્રતિબંધ
નવી દિલ્હીઃ અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધના વાદળો મંડારાયા છે, જેમાં હોર્મુઝની ખાડીમાંથી કમર્શિયલ જહાજોની અવરજવર પર બ્રેક મૂકાઈ છે. એક બાજુ ટ્રમ્પે મધરાતે હુમલા કરવાની ચીમકી આપ્યા પછી યુ-ટર્ન લીધો હતો, જ્યારે ઈરાનએ બીજી બાજુ કોઈ પણ પ્રકારે વિશ્વાસ નહીં કરવા જણાવ્યું છે, પરંતુ ભારતમાં હવે વિપરીત સંજોગોનું નિર્માણ થયું છે. શુક્રવારે સરકારે પેટ્રોલ અને ડીઝલની અછત ઊભી થાય નહીં તેના માટે વધુ એક આકરું પગલું ભર્યું છે સરકારે સામાન્ય પેટ્રોલ પંપ પરથી ઈન્ડસ્ટ્રિયલ અને કમર્શિયલ વપરાશકર્તાઓને પેટ્રોલ-ડીઝલની ખરીદીમાં રોક લગાવી.
90 દિવસ સુધી લાદ્યો પ્રતિબંધ
એટલે હવે આ પ્રકારના વપરાશકારોએ પોતાની જરુરિયાત પૂરતું ઈંધણ ખરીદવાનું રહેશે. સરકારે હાલમાં આ પ્રતિબંધ 90 દિવસ માટે લાગુ કર્યો છે, જ્યારે સ્થિતિમાં સુધારો થયા પછી આ નિર્ણયને પાછો ખેંચવામાં આવશે. એની સાથે સરકારે રિટેલ પેટ્રોલ પંપો પર ડીઝલની ડેઈલી લિમિટ નિર્ધારિત કરી છે. નવા આદેશ પ્રમાણે એક ગ્રાહક અથવા વાહનને રોજના મહત્તમ 200 લિટર ડીઝલ આપવામાં આવશે.
સામાન્ય વપરાશકર્તા ડરતા નહીં
સરકારે સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય વાહનચાલકો અને ડોમેસ્ટિક વપરાશકર્તાઓએ ડરવાની જરુરિયાત નથી. પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સામાન્ય બની રહેશે. આ પગલું ખાસ કરીને કમર્શિયલ અને ઈન્ડસ્ટ્રિયલ કન્ઝ્યુમરને ટાર્ગેટ કરે છે. અત્યાર સુધમાં અનેક ટ્રાન્સપોર્ટ કંપની અને ઉદ્યોગ નિર્ધારિત બલ્ક ડેપોને બદલે ડાયરેક્ટ પેટ્રોલ પંપ પાસેથી ડીઝલ ખરીદતા હતા અને કારણે કિંમતો અને પુરવઠા વચ્ચે અંતર ઊભું થયું હતું. સરકારે કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં જારી તણાવ અને વૈશ્વિક સપ્લાયમાં ઊભા થયેલા અવરોધને કારણે ક્રૂડ ઓઈલના પુરવઠા પર અસર તઈ છે. દેશમાં પેટ્રોલ ડીઝલ લોકોને સમાન રીતે પૂરો પાડવા માટે સરકારે આ પગલું ભર્યું છે, એવો સરકારે દાવો કર્યો હતો.
રિટેલ ડીઝલ અને ઈન્ડસ્ટ્રિયલ વચ્ચે અંતર
દિલ્હીમાં એક બાજુ જ્યાં રિટેલ પેટ્રોલ પંપ ડીઝલના ભાવ 95.20 રુપિયા લિટર છે, જ્યારે બલ્ક ગ્રાહકો માટે ડીઝલનો ભાવ લિટરદીઠ 134.50 રુપિયા છે. એટલે લિટરદીઠ 39 રુપિાયનું અંતર છે. આ જ કારણે મોટી સંખ્યામાં ડીઝલ રિટેલ પંપ પરથી ખરીદવામાં આવે છે, જેને કારણે અનેક જગ્યાએ અછતની સ્થિતિ ઊભી થઈ છે. અગાઉથી આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ રિટેલ વેચાણમાં નુકસાન ભોગવી રહી છે. ડીઝલ પર લિટરદીઠ 36.50 રુપિયાનો ફટકો છે, જ્યારે દેશભરમાં એક લાખથી વધુ પેટ્રોલ પંપ છે, જ્યારે લગભગ 90 ટકા આ ત્રણેય કંપનીના નિયંત્રણમાં છે.
