June 11, 2026
ગુજરાતટોપ ન્યુઝ

અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ થયું પૂરું પણ આ બહાદુર લોકોની બહાદુરીને ભૂલી શકાય નહીં…

Spread the love


12મી જૂન, બપોરના 1.48 વાગ્યા હશે અને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરવા માટે રવાના થયું એર ઈન્ડિયા (ફલાઈટ એઆઈ-171)નું પ્લેન. એરપોર્ટથી ગણતરીની સેકન્ડમાં કાળનો ગોળો બની ગયું અને પળવારમાં ભરબપોરે લોકોને જાણે તારા જોવા મળ્યા. પ્લેન ક્રેશના સમાચારે તો અમદાવાદથી લઈ લંડન સુધીના સંબંધિત પરિવારોની ઊંઘ હરામ કરી નાખી હતી. સેંકડો પરિવાર પળવારમાં વિખૂટા પડી ગયા અને એ દિવસ ભારતીય એવિયેશન ઈતિહાસમાં કાળમુખો સાબિત થયો હતો. એ પળને આજે યાદ કરીને સરકારથી લઈને નાના-મોટા માનવીની આંખમાંથી આંસુ સરી પડે.
એરપોર્ટ નજીક થયેલા પ્લેન અકસ્માતની દુખદ દુર્ઘટનામાં આખા શહેરને હચમચાવી નાખ્યું હતું, જ્યારે અકસ્માતે આખા દેશને શોકમાં ગરકાવ કરી નાખ્યો હતો. પ્લેન મેડિકલ કોલેજ અને અતુલ્યમ બિલ્ડિંગ પાસે તૂટી પડ્યું હતું અને વિમાનમાં સવાર તમામ પ્રવાસી અને જમીન પર રહેલા અનેક લોકો પળવારમાં કાળનો કોળિયો બની ગયા હતા.

ફાયર બ્રિગેડની કામગીરી કામમાં લાગી
પણ એ વખતે સિવિલ હોસ્પિટલથી લઈને આસપાસની તમામ હોસ્પિટલમાં પીડિતોને પહોંચાડવામાં આવ્યા હતા. દિવસો સુધી લોકો ફાયર બ્રિગેડ, હોસ્પિટલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ, એનડીઆરએફ સહિત અનેક એજન્સીઓ ખડેપગે રહી હતી. અનેક સામાજિક સંસ્થાઓએ પીડિતોને મદદ કરવા તત્પરતા દાખવી હતી, પરંતુ આ બધાની વચ્ચે સૌથી પહેલા ફાયર બ્રિગેડની ટીમે જે મદદ કરી એ પણ કાબિલે દાદ આપનારી હતી.

સમયસરની કાર્યવાહી અનેકના જીવ પણ બચ્યા
ફાયર બ્રિગેડના જવાનોએ આગ લાગેલા વિમાન સહિત ખંડેર બની ગયેલા વિસ્તારનો પળવારમાં તાગ મેળવીને મોટી સંખ્યામાં જવાનો દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે બચાવ કામગીરી પણ હાથ ધરી હતી. કહેવાય છે કે જવાનોની કુશળ કામગીરીને કારણે મોટી જાનહાનિ થતા રોકી હતી. જવાનોની સમયસરની કાર્યવાહી અને સંકલનને કારણે અનેક લોકોના જીવ બચાવી શકાયા હતા.

600થી વધુ જવાનની ટીમ લાગી હતી કામમાં
ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું હતું કે કોલ મળ્યા પછી ઘટનાસ્થળે પહોંચ્યા પછી ઘટનાસ્થળનું બિલ્ડિંગ બ્લેક થઈ ગયું હતું. હીટ એટલી બધી હતી કે પક્ષીઓ અને અન્ય પ્રાણીઓના હાડપિંજર મળ્યા હતા. ફાયર બ્રિગેડના 600થી વધુ જવાન, 90થી વધુ વાહનો અને કલાકો સુધી ઝઝૂમીને લાખો લિટર પાણીના મારો ચલાવ્યો હતો, જેમાં 28 લોકોને સુરક્ષિત બહાર ખસેડવામાં આવ્યા હતા.
વિમાનમાં સવાર 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ તો કાળનો કોળિયો બન્યા જ, પણ ગ્રાઉન્ડ ઝીરો પર મેસમાં જમી રહેલા મેડિકલના 4 તેજસ્વી વિદ્યાર્થી સહિત કુલ 19 લોકોના પણ કમકમાટીભર્યા મૃત્યુ થયા. ચોંકાવનારી વાત હતી કે પ્લેનમાં સવાર લોકોમાંથી એક જણનો જીવ બચ્યો એ ચમત્કારથી મોટી વાત છે. આ પ્લેન અકસ્માત અંગે અનેક સવાલો છે, પણ તમામ અનુત્તર રહ્યા છે. એક નાની નહીં પણ મોટી ભૂલનો ભોગ પ્લેનના મુસાફરો બન્યા, જેનો તપાસ રિપોર્ટ પણ હજુ તૈયાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!