શું તમને પણ નૂડલ્સ ખાવાનું પસંદ છે તો પહેલાં આ વાંચી લેજો, નહીંતર પસ્તાશો!
બાળકોથી લઈને વડીલો સુધી તમામ ઉંમરના લોકો માટે નૂડલ્સ અને ચાઈનીઝ ફૂડ અત્યંત લોકપ્રિય માનવામાં આવે છે. જો તમને પણ નૂડલ્સ પસંદ હોય તો આ સમાચાર પહેલાં વાંચી લો, કારણ કે આ સમાચાર વાંચ્યા પછી કદાચ તમે ક્યારેય નૂડલ્સ ખાવાનું તો દૂર પણ તેને હાથ પણ નહીં લગાવો. હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક ચોંકાવનારા વીડિયોએ આ સ્વાદિષ્ટ નૂડલ્સના ઉત્પાદન અને તેમાં રખાતી સ્વચ્છતા પર મોટા સવાલો ઊભા કર્યા છે.
વીડિયોમાં એક ફેક્ટરીમાં અત્યંત ગંદકી અને અસ્વચ્છ વાતાવરણ વચ્ચે નૂડલ્સનું પ્રોડક્શન અને પેકિંગ થતું જોવા મળી રહ્યું છે. આ શરમજનક અને અસ્વચ્છ દ્રશ્યો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને ફૂડ સેફ્ટી રેગ્યુલેટરી ઓથોરિટી સામે સુરક્ષાના નિયમોને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વાઈરલ થઈ રહેલો આ વીડિયો કુંદન પટેલ નામની યુઝર્સ આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયો પર નેટિઝન્સની આક્રોષથી ભરપૂર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
સોશિયલ મીડિયા યુઝરે શેર કરેલા આ વીડિયોમાં ફેક્ટરીના ફ્લોર પર જ સીધા હજારો કિલો નૂડલ્સ પાથરેલા જોવા મળે છે. એક કામદાર જમીન પર બેસીને કોઈપણ ગ્લવ્ઝ કે સેનિટાઈઝેશન વિના ખુલ્લા હાથે નૂડલ્સને વજન કરી પ્લાસ્ટિક બેગમાં પેક કરતો નજરે પડે છે. આ ઉપરાંત આસપાસ પાઇપ, જૂના પંખા, ધૂળ અને કચરો પથરાયેલો દેખાય છે, જે ખાદ્ય ઉત્પાદન માટેના લઘુત્તમ સ્વચ્છતાના ધોરણોનો પણ ભંગ દર્શાવે છે.
https://x.com/KUNDAN00PATEL/status/2088078213981647326?s=20
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થતાં જ બહારના નૂડલ્સ કે સ્ટ્રીટ ફૂડના શોખીનો સ્તબ્ધ થઈ ગયા છે. અનેક યુઝર્સે કમેન્ટ કરી જણાવ્યું કે આ વીડિયો જોયા પછી બહારથી નૂડલ્સ ખાવાની ઈચ્છા જ મરી ગઈ છે. ખાસ કરીને બાળકો દ્વારા આહારમાં લેવાતી ચીજવસ્તુઓ જો આવા રોગચાળો ફેલાવતા વાતાવરણમાં બનતી હોય, તો તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર નેટીઝન્સે ભારતીય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ને સોશિયલ મીડિયા પર ટેગ કરીને આવી અનરજિસ્ટર્ડ કે નિયમો તોડતી ફેક્ટરીઓ સામે દરોડા પાડવા અને કડક પગલાં લેવાની માંગ કરી છે.
જાગૃત ગ્રાહકોએ અપીલ કરી છે કે માત્ર આકર્ષક પેકેજિંગ જોઈને આંખ મીંચીને વિશ્વાસ ન કરવો જોઈએ. જોકે, વાઈરલ વીડિયો કયા ચોક્કસ શહેરનો છે અને ક્યારનો છે કે પછી આ કઈ બ્રાન્ડના નૂડલ્સ ત્યાં પેક થઈ રહ્યા છે એની કોઈ માહિતી મળી શકી નહોતી, પરંતુ આ વીડિયોએ ફરી એક વખત ફૂડ સેફટી અને ક્વોલિટી કન્ટ્રોલ પર ફરી એક વખત મોટી ચર્ચા જગાવી છે.
