ગુજરાત અને યુપીમાં માતમ: માર્ગ અકસ્માતે છીનવ્યા 19 જીવ
ગુજરાતના વલસાડમાં લગ્નનો હરખ માતમમાં ફેરવાયો; દેશમાં દર કલાકે 20 લોકો અકસ્માતમાં ગુમાવે છે જીવ

નવી દિલ્હીઃ છેલ્લા 24 કલાકમાં રોડ અકસ્માતમાં 19 લોકોના મોત થયા છે, જેમાં આઠ ગુજરાત અને 12 જણનાં મોત યુપીમાં થયા હતા. એના સિવાય કાશ્મીર, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્રમાં રોડ અકસ્માતમાં અનેક લોકોનાં મોત થયા છે. ગુજરાતમાં સૌથી પહેલી વાત કરીએ તો વલસાડ જિલ્લાના કપરાડામાં લગ્નપ્રસંગમાંથી પાછા ફરી રહેલા પરિવારના સભ્યોના છ લોકો મોત થયા હતા, જ્યારે બે જણના હોસ્પિટલમાં મોત થયા હતા. આ અકસ્માતમાં 40 લોકો ઘાયલ થયા હતા. ડ્રાઈવરે વાહન ગુમાવતા અકસ્માત થયો હતો, પરંતુ દેશમાં ચોંકાવનારી વાત એ છે કે રોજ અકસ્માતમાં ડઝનેકથી વધુ લોકો મોતને ભેટે છે, જે ચિંતાનું કારણ છે.
જિલ્લાના ગિરનારા ગામમાં એક પરિવાર કોલવેરા ગામમાં લગ્ન પછી પારંપારિક રિવાજ આણુ કરવા ગયો હતો, જે પૂરી કર્યા પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો, જેમાં 40 લોકો સવાર હતા. આ પિકઅપ વાન ઊંધી વળતા આઠ લોકોનાં મોત થયા છે. અકસ્માત પછી સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સ મારફત બચાવ કામગીરી હાથ ધરીને ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, એક જ પરિવારના આઠ સભ્યના મોતથી ગામમાં ખુશીનો માહોલ માતમમાં પસર્યો હતો.
આ અકસ્માત સિવાય ગુરુવારે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ટ્રક-બોલેરોના અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા. બુધવારે રાતના બોલેરો અને ટ્રક વચ્ચેની ભીષણ ટક્કરમાં નવ લોકો તો ઘટનાસ્થળે આગમાં બળીને મોતને ભેટ્યા હતા. અકસ્માત પછી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં પણ પ્રશાસનને મુશ્કેલી પડી હતી. આ અકસ્માતમાં મૃતકના પરિવાર માટે સરકારે પણ જાહેરાત કરી છે, પરંતુ આ જ અઠવાડિયામાં યુપી-ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, કાશ્મીર અને આંધ્ર પ્રદેશમાં જીવલેણ અકસ્માત નોંધાયા હતા.
રોજના રોડ અકસ્માતના આંકડા ચોંકાવનારા
દેશમાં રોજ રોડ અકસ્માત વધી રહ્યા છે, જેમાં ક્યારેક વાહનચાલકની ભૂલ અથવા બેદરકારીભર્યા વાહન હંકારવાની સાથે રસ્તાની મરમ્મત બરાબર નહીં હોવાથી અકસ્માત સર્જાય છે. પણ વધતા અકસ્માતોને કારણે દેશમાં નિર્દોષ લોકો મોતને ભેટે છે. દેશમાં દર વર્ષે 4.81 લાખ રોડ અકસ્માત થાય છે, જેમાં 1.73 લાખ લોકો પોતાનો જીવ ગુમાવે છે. એટલે દર કલાકે 56 રોડ અકસ્માત થાય છે, જેમાં 20 જણ લોકો મોતને ભેટે છે
