મુંબઈમાં શું શું થયું મોંઘુંઃ દૂધ, પનીર, ઘી, બટર અને આઈસ્ક્રીમ પર કેટલો લાગે છે GST?
સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ મુંબઈગરા માટે મોંઘવારીનો મોટો આંચકો આવ્યો છે. પહેલી સપ્ટેમ્બર, 2026થી મુંબઈમાં ડેરીઓમાંથી સીધું સપ્લાય થતાં છૂટક (લૂઝ) ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 9નો તોતિંગ વધારો ઝીંકાયો છે. મુંબઈ મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન અનુસાર, હોલસેલ ભાવ રૂપિયા 93થી વધીને હવે રૂપિયા 102 પ્રતિ લિટરના સ્તરે પહોંચી ગયો છે. દૂધના ભાવમાં કરેલાં આ વધારાનો નિર્ણય પશુ આહાર (ચારો) ની મોંઘી કિંમતો, મર્યાદિત સપ્લાય અને ટ્રાન્સપોર્ટેશન-મજૂરી ખર્ચમાં વધારાને કારણે લેવામાં આવ્યો છે. આ ભાવવધારા વચ્ચે દૂધ અને ડેરી ઉત્પાદનો પર લાગતા ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST)ને લઈને પણ ગ્રાહકોમાં ચર્ચા શરૂ થઈ છે.
બ્રાન્ડેડ પેકેજ્ડ દૂધ અને છૂટક દૂધ વચ્ચે ભાવમાં આટલો મોટો તફાવત કેમ?
મુંબઈમાં તબેલાઓ અને લોકલ ડેરીઓમાંથી આવતા તાજા ભેંસના દૂધમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે અને તેનું લોકલ પ્રોડક્શન-ડિસ્ટ્રિબ્યુશન ખર્ચાળ છે. દેશના વિવિધ ભાગોમાં બ્રાન્ડેડ કંપનીઓનું ફુલ ક્રીમ પેકેટ દૂધ આશરે રૂપિયા 66થી રૂપિયા 68 પ્રતિ લિટર મળે છે, જ્યારે ટોન્ડ મિલ્ક રૂપિયા 54થી રૂપિયા 56 પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે.
કયા મિલ્ક અને ડેરી પ્રોડક્ટ્સ 0 ટકા GST એટલે કે ટેક્સ ફ્રી છે?
સામાન્ય જનતાને પૌષ્ટિક આહાર વાજબી ભાવે મળી રહે તે માટે સરકારે મૂળભૂત ડેરી પ્રોડક્ટ્સને સંપૂર્ણપણે ટેક્સ-ફ્રી રાખ્યા છે. આ પ્રોડક્ટ્સમાં તાજું અને પાશ્ચુરાઇઝ્ડ દૂધ એટલે કે છૂટક કે સાદા પેકેટમાં વેચાતું તાજું દૂધ સંપૂર્ણ ટેક્સ-ફ્રી છે. આ ઉપરાંત લાંબા સમય સુધી ખરાબ ન થતાં UHT દૂધ પરનો ટેક્સ પાંચ ટકાથી ઘટાડીને ઝીરો ટકા કરવામાં આવ્યો છે. આ સિવાય પનીર અને છેના એટલે કે પ્રી-પેક્ડ અને લેબલવાળા પનીર/છેના પર ઝીરો ટકા જીએસટી લાગુ છે. અનબ્રાન્ડેડ/ખુલ્લાં વેચાતા આ ઉત્પાદનો પર કોઈ જીએસટી લાગતો નથી.
કઈ ડેરી આઈટમ્સ પર પાંચ ટકા GST સ્લેબ લાગુ પડે છે?
પ્રોસેસ્ડ અને વેલ્યુ-એડેડ ડેરી પ્રોડક્ટ્સ પર રાહત દરે પાંચ ટકા જીએસટી વસૂલવામાં આવે છે. ઘી, બટર (માખણ) અને ડેરી સ્પ્રેડ: આ પ્રોડક્ટ્સ પર ટેક્સ 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે. ચીઝ, મિલ્ક પાઉડર અને કન્ડેન્સ્ડ મિલ્ક જેવા તમામ પ્રોડક્ટ્સ પાંચ ટકા જીએસટીના દાયરામાં આવે છે. બોટલ્ડ ફ્લેવર્ડ મિલ્ક, પેક્ડ દહીં-લસ્સી: પેકેજ્ડ અને ફ્લેવર્ડ ડેરી આઈટમ્સ પર પાંચ ટાક ટેક્સ લાગે છે. આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ પરનો જીએસટી દર 18 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે.
