June 10, 2026
ગુજરાત

ખેડૂતો સાથે છેતરપિંડી કરનારા તત્વો સાવધાનઃ ખાતરના વેચાણમાં ગેરરીતિ કરતા તત્વો હવે સીધા જેલ ભેગા થશે

Spread the love


ખેડૂતો સાથે ગેરરીતિ આચરતા તત્વો સામે કૃષિ વિભાગની લાલ આંખ: કાળાબજારી કરનારાઓ સામે FIRની કડક કાર્યવાહી

રાજ્યના ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળું અને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ તેમ જ જંતુનાશક દવાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર અસરકારક પગલાં ભરી રહી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગેરરીતિ આચરતા તત્વોને ચેતવણી આપી છે કે, ખેડૂતોના હિત-શત્રુઓ, ગેરકાયદેસર, પ્રતિબંધિત કે ઓછી ગુણવત્તાવાળી કૃષિ સામગ્રી વેચનારા કે સંગ્રહખોરી કરનારા તત્વોને રાજ્ય સરકાર સાંખી નહીં લે. મંત્રીશ્રીએ આવા ગેરકાનૂની કામ કરતાં તત્વો સામે કાયદાનું શસ્ત્ર ઉગામીને કડક કાનૂની પગલાં ભરવા માટે કૃષિ વિભાગને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.

મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતર મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ ખાતર અને બિયારણની ગુણવત્તા સુનિશ્ચિત કરતા કેન્દ્ર સરકારના ચોક્કસ હુકમો અમલમાં છે. આ કાયદા હેઠળ જો કોઈ પણ સંસ્થા કે વિક્રેતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કે અનિયમિતતા આચરતા પકડાશે, તો ગુનાની ગંભીરતા જોઈને માત્ર લાયસન્સ જ રદ નહીં થાય, પણ તેમની સામે સીધી પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

મંત્રીએ જણાવ્યું હતુ કે આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો અને ઇસમો સામે “ધ પ્રિવેન્શન ઑફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઈન્ટેનન્સ ઓફ સપ્લાઇ ઓફ એસેન્શિયલ કોમોડિટી (પીબીએમ) એક્ટ- ૧૯૮૦ હેઠળ જેલની સજા અને દંડ થાય તેવા કડક આદેશો આપી દેવાયા છે.
ખેડૂતોના હિતોના રક્ષણ માટે કૃષિ વિભાગ હસ્તકનું ગુણવત્તા નિયંત્રણ તંત્ર રાત-દિવસ એક કરીને સતત સતર્કતા સાથે કામ કરી રહ્યું છે. ચાલુ વર્ષે માત્ર ત્રણ જ મહિનામાં ૮૫ વિજીલન્સ ટીમોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાના કુલ ૩,૫૨૬ ઉત્પાદકો અથવા વિક્રેતાઓ તેમજ ટેકનિકલ ગ્રેડ યુરિયા વાપરતા ૭૪ એકમોની સઘન તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ગુણવત્તાની ચકાસણી માટે કુલ ૧,૦૬૦ નમૂનાઓ લેવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન અનિયમિતતા જણાતા અત્યાર સુધીમાં ૭૫૨ વિક્રેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે, નિયમોના ઉલ્લંઘન કરતા પકડાયેલા ખાતરના ૪૨, બિયારણના ૦૬ અને જંતુનાશક દવાના ૦૬ મળીને કુલ ૫૪ લાયસન્સ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવાયા છે. આટલું જ નહીં, ગંભીર બેદરકારી બદલ ખાતરના એક અને જંતુનાશક દવાના એક મળી કુલ બે ઇસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત ટેકનિકલ ગ્રેડ યુરિયા વાપરતા ૨૨ એકમોની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી, તેમ કૃષિ મંત્રીએ જણાવ્યું હતું.

કૃષિ વિભાગ દ્વારા સબસિડીવાળા ખાતર પર પણ કડક વૉચ રાખવામાં આવી રહી છે, તેમ કહી તેમણે જણાવ્યું હતું કે, સરકારી સબસીડાઈઝ ખાતરનું વેચાણ કરતી તમામ પેઢીઓના POS મશીન, ભૌતિક જથ્થો, રેકોર્ડ અને બિલોની નિયમિત ચકાસણી થઈ રહી છે, જેથી કાળાબજારી અટકાવી શકાય. ચાલુ વર્ષમાં આજ-દિન સુધી કુલ ૪૬૭૪ ખાતર વિક્રેતાઓ અને ઉત્પાદકોની સ્થળ મુલાકાત લઈને, તેમાં રાસાયણીક ખાતરના વેચાણમાં નિયંત્રણ રહે અને કોઈ અનિયમિતતા ન થાય તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે.

ગત વર્ષે કૃષિ વિભાગની ૨૭૬ ટીમો દ્વારા આખા વર્ષમાં વિજીલન્સ સ્કવોર્ડ દ્વારા કુલ ૬,૩૮૦ ઉત્પાદકો, વિક્રેતાઓ અને શંકાસ્પદ એકમોની ચકાસણી કરાઈ હતી. જેમાં, ખાતર, દવા અને બિયારણના કુલ ૨૪૬ લાયસન્સ સસ્પેન્ડ કે રદકરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાયદાનો ભંગ કરનારા કુલ ૨૬ તત્વોસામે પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરી હતી. સરકારે રાજ્યના ખેડૂતોને આશ્વસ્ત કર્યા છે કે જગતના તાતને કોઈ પણ પ્રકારે આર્થિક નુકસાન ન થાય અને તેમને શ્રેષ્ઠ કૃષિ ઉત્પાદનો મળે તે માટે સરકાર રાત-દિવસ કાર્યરત છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે ભવિષ્યમાં પણ આ જ પ્રકારે કડક પગલાં ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!