નેપાળ પૂર હોનારત: એક જ ઘરમાંથી 24 મૃતદેહ મળતા હાહાકાર, હજુ 4,000 લોકો ગુમ
શાળાના આચાર્યની સૂઝબૂઝથી સેંકડો બાળકોનો જીવ બચ્યો પરંતુ રોગચાળાનો ખતરો વધ્યો

કાઠમંડુઃ નેપાળમાં આવેલા પૂરને દિવસો વીતી ગયા છે, પરંતુ હજુ સંકટ ટળ્યું નથી. આસમાનમાં આફત વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ હજુ લોકોની સમસ્યા ટળી નથી. કાટમાળની વચ્ચે દટાયેલા લોકોને કાઢવાનું લોખંડના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે. કલાકોની મહેનત પછી માંડ એકલ દોકલ પરિવારને બચાવી શકાય છે. યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, પણ મંગળવારે એક જ ઘરમાંથી 24 જેટલા મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો હતો.

રેસ્ક્યૂ એજન્સીના અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં 939 લોકોના મૃતદેહ મળ્યા છે, જ્યાં નુવાકોટ જિલ્લામાં રેસ્ક્યૂ ઓપરેશન વખતે એક હૃદયદ્રાવક ઘટના જાણવા મળી હતી. ભોટે કોશી પૂરગ્રસ્ત વિસ્તારના બિંદુર નગરપાલિકા 10 અન્વયેના ઘરમાંથી 24 શબ કાઢવામાં આવ્યા હતા, જ્યાં 13 મહિલા, 11 બાળક અને એક બાળકનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ થઈ શકી નથી, પરંતુ પોસ્ટમોર્ટમ માટે કાઠમંડુની ત્રિભુવન યુનિવર્સિટીમાં મોકલવામાં આવ્યા છે.

પ્રિન્સિપાલની સૂઝબૂઝને કારણે હજારો બાળકોના જીવ બચ્યા
નેપાળની ત્રિશુલી સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીએ યોગ્ય સમયે લીધેલા નિર્ણયને કારણે સેંકડો બાળકોના જીવ બચી ગયા હતા. પ્રિન્સિપાલને તેમના ફ્રેન્ડના પૂર અંગેના કોલ પછી તાત્કાલિક બાળકોને સ્કૂલમાંથી છોડી મૂકવાનો નિર્ણય લીધો હતો. સ્કૂલને તાત્કાલિક ખાલી કરવાની સાથે બાળકોને સુરક્ષિત પહાડી વિસ્તારે જવા કહ્યું હતું. એવું પણ કહેવાય છે કે બાળકોની હાજરીમાં સ્કૂલ ખંડેર બની ગઈ હતી. કમનસીબે સ્કૂલના બે કર્મચારી યોગ્ય સમયે બહાર નીકળવાને કારણે મોત થયા હતા. પૂર આવ્યા પહેલા સ્કૂલના કેમ્પસમાં 1,643 વિદ્યાર્થીમાંથી 900 કેમ્પસમાં હતા.
રોગચાળાનો પણ ખતરો વધ્યો
નેપાળ પૂરના દિવસો વીતી ગયા છે, પરંતુ કૂલ મૃત્યુઆંક હજારની નજીક પહોંચ્યો છે, જ્યારે હજુ પણ 4,000થી વધુ લોકો ગુમ છે. રસુવા જિલ્લાના ઉતરગયા ગામના લગભગ 350 વિદ્યાથીની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. ઉપરાંત, ત્રિશુલી હાઈડ્રોપાવરમાં હજુ સેંકડો લોકો ફસાયેલા છે, જેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. લાઈટ નથી, પીવાનું પાણી નથી, જ્યારે જાહેર પરિવહન વ્યવસ્થા પડી ભાગવાની સાથે પૈસાનો અભાવ વચ્ચે ચારેબાજુ કાટમાળ, કાદવકિચડની વચ્ચે જાનવરો અને માનવીય જાનહાનિને કારણે હવે રોગચાળો પણ ફાટી નીકળવાની શંકા વ્યક્ત કરાય છે.
