હીટવેવથી બચો: ભીષણ ગરમીમાં સુરક્ષિત રહેવા ખાસ ટિપ્સ
દેશમાં હાલ ઉનાળાની પ્રચંડ ગરમી અને હીટવેવના વધતા જતા પ્રકોપ વધી રહ્યો છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ નાગરિકોએ અમુક સુરક્ષિત રહેવાની બાબતનું ધ્યાન રાખવાનું જરુરી રહેશે. વધતા તાપમાન સામે સાવચેતી રાખવી અને હીટવેવની ગંભીર અસરોથી બચવાનું ફાયદાકારક રહેશે. ગરમીથી બચવા નાગરિકોએ આટલી સાવચેતી રાખવી. સરકારે પણ આરોગ્ય વિભાગ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધતા દાખવી છે. નાગરિકોને સાવચેત રહીને સુરક્ષિત રહેવા અનુરોધ કરવામાં આવે છે તેમ જ પોતાના પરિવારના સભ્યો અને જરુરિયાતમંદને પણ મદદ કરવા તત્પરતા દાખવવાનો પ્રશાસન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
• બપોરે ૧૨:૦૦ વાગ્યાથી ૪:૦૦ દરમિયાન કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું.
• કામથી બહાર નીકળવાનું થાય ત્યારે માથા ઉપર ટોપી અથવા ભીનું કપડું રાખવું.
• હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા, જે શરીરને ઠંડક આપે.
• વડીલો, બાળકો અને સગર્ભાઓની વિશેષ કાળજી લેવી અને તેમને ગરમીમાં સુરક્ષિત રાખવા.
• પુષ્કળ પ્રમાણમાં પાણી, છાસ, લીંબુ શરબત અને નાળિયેર પાણી જેવા પ્રવાહી પીણાનું સેવન કરવું.
• જો ચક્કર આવવા, ખૂબ તરસ લાગવી, માથાનો દુખાવો કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા નિર્ધારિત “ગરમી અને આરોગ્ય” અંગેની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા તમામ જિલ્લા આરોગ્ય કેન્દ્રોને સૂચના આપવામાં આવી છે.
• ૧ માર્ચ, ૨૦૨૬થી ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ (IHIP) દ્વારા હીટસ્ટ્રોકના કેસોનું સઘન દૈનિક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય કર્મીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે જેથી દર્દીઓને ત્વરિત અને અસરકારક સારવાર મળી રહે.
• હીટ-હેલ્થ એક્શન પ્લાન: હવામાન વિભાગ (IMD)ની દૈનિક ચેતવણીઓને અનુસરીને તમામ જિલ્લાઓમાં ‘હીટ-હેલ્થ એક્શન પ્લાન’ કાર્યરત કરવામાં આવ્યો છે.
• હોસ્પિટલ સજ્જતા: તમામ સરકારી હોસ્પિટલોમાં પૂરતી માત્રામાં દવાઓ, IV ફ્લુઈડ્સ, ORS અને આઈસ પેકનો સ્ટોક સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.
• હીટ સ્ટ્રોક રૂમ: દરેક જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પાંચ અને દરેક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બે બેડના સમર્પિત ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
• ઉનાળામાં વીજળીનો વપરાશ વધતા હોસ્પિટલોમાં ઈલેક્ટ્રિક લોડ ઓડિટ કરવા, અગ્નિ સુરક્ષાના નિયમોનું પાલન કરવા અને વીજળીની અવિરત સપ્લાય જાળવવા નિર્દેશ અપાયા છે.
