September 24, 2026
ગુજરાત

ગુજરાતમાં પોલીસની લાલ આંખ: નંબર પ્લેટ વગરના અને ફેન્સી વાહનો પર તૂટી પડી ખાખી, 18 હજારથી વધુ કર્યાં કેસ!

Spread the love

નિયમભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી વધુ સઘન બનાવવા આ ઝુંબેશ આગામી ૧૪ ઓક્ટોબર સુધી ચાલશે

વાહનો પર સ્પષ્ટ અને નિયમાનુસાર નંબર પ્લેટ લગાવવા ગુજરાત પોલીસની અપીલ

ગાંધીનગરઃ દેશમાં વધતા અકસ્માતો માટે ટેક્નિકલ કારણો સાથે વાહનચાલકોની વાહન ચલાવવા અંગે બેદરકારી પણ જીવલેણ બનાવે છે. વધતા અકસ્માતો માટે રાજ્ય સરકાર વધુ સાવધ બની રહે છે, તેના ભાગરુપે છેલ્લા 20 દિવસમાં કડક કાર્યવાહી કરી હતી. રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ તા. ૧લી સપ્ટેમ્બરથી તા. ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ સુધી નંબર પ્લેટ વગરના, ચેડાં કરેલી અથવા અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે એક વિશેષ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

ચેકિંગ વખતે 58 લાખનો દંડ વસૂલ્યો
આ વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હેઠળ તા. ૧ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કુલ ૧૮,૦૧૪ કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વાહનોની નંબર પ્લેટ સાથે ચેડાં કરવાના કિસ્સાઓમાં કુલ ૪,૧૮૭ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ આ સઘન ઝુંબેશ દરમિયાન કુલ રૂ. ૫૮.૫૬ લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે.
આ ઝુંબેશ અંતર્ગત વાહન વ્યવહાર સુરક્ષિત બનાવવા અને નિયમ વિરુદ્ધ વાહનો ચલાવતા તત્વો પર કાનૂની કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

તમામ જિલ્લામાં સઘન ચેકિંગ
ટ્રાફિક વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત સુરત શહેરમાં ૧,૭૮૬, વડોદરા શહેરમાં ૧,૯૫૯ અને બનાસકાંઠામાં ૧,૩૬૩ કેસ કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડાની કડક સૂચના બાદ તમામ જિલ્લાઓ અને શહેરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

નંબર પ્લેટ સ્પષ્ટ રાખવાની અપીલ
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસ.પી વી. સાહિત્યા દ્વારા તમામ વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પોતાના વાહનો પર નિયમાનુસાર સ્પષ્ટ અને દેખાય તેવી જ નંબર પ્લેટ લગાવે. ફેન્સી ફોન્ટવાળી, નંબર છુપાવતી કે સ્ટાઇલવાળી નંબર પ્લેટનો ઉપયોગ કાયદાકીય દંડ અને શિક્ષાને પાત્ર છે. નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આ વિશેષ ઝુંબેશ વધુ કડકાઈથી ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!