સાવધાન! બેંકને કરેલો તમારો કોલ સાયબર ઠગો પાસે પહોંચી શકે છે; જાણો કઈ રીતે કામ કરે છે આ સ્કેમ
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન જેટલો સુવિધાજનક છે, એટલો જ જોખમી પણ સાબિત થઈ રહ્યો છે. સાયબર ગુનેગારો હવે એટલા એડવાન્સ થઈ ગયા છે કે તેઓ સીધો તમારા બેંકિંગ કોલ્સ પર જ કબજો જમાવી રહ્યા છે. હાલમાં એક નવું સ્કેમ સામે આવ્યું છે, જેમાં તમે બેંકને કોલ કરો છો પણ તે કોલ સીધો સ્કેમરને લાગે છે.
સાયબર સિક્યોરિટી ફર્મ ઝિમ્પેરિયમના રિપોર્ટ અનુસાર, આ માલવેર ‘ફિશિંગ’ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. આ આખી પ્રક્રિયા એકદમ અલગ અલગ રીતે કામ કરે છે. આ તમામ અલગ અલગ પ્રક્રિયા અને માધ્યમ વિશે ચાલો તમને અહીં વિસ્તારથી જણાવીએ..
એપ્સ દ્વારા એન્ટ્રી: જ્યારે યુઝર્સ કોઈ અજાણી વેબસાઈટ કે અનવેરિફાઈડ સોર્સ પરથી APK લિંક દ્વારા કોઈ એપ ડાઉનલોડ કરે છે, ત્યારે આ માલવેર ફોનમાં ઘૂસી જાય છે.
પરમિશનનો ખેલ: ઈન્સ્ટોલ થયા પછી, આ એપ યુઝર પાસે ‘ડિફોલ્ટ ડાયલર એપ’ બનવાની પરવાનગી માંગે છે. એકવાર તમે પરમિશન આપી દો, એટલે તમારા ફોનના તમામ ઈનકમિંગ અને આઉટગોઈંગ કોલ પર સ્કેમર્સનું નિયંત્રણ આવી જાય છે.
કોલ રિડાયરેક્શન: જ્યારે પણ તમે તમારી બેંકનો ઓફિશિયલ નંબર ડાયલ કરો છો, ત્યારે આ માલવેર તે કોલને બેંકને બદલે સ્કેમરના નંબર પર રિડાયરેક્ટ કરી દે છે.
નકલી રિપ્રેન્ઝેન્ટેટિવ: ફોન ઉપાડનાર વ્યક્તિ બેંકના કર્મચારી તરીકે વાત કરે છે. તમને લાગે છે કે તમે બેંકમાં જ વાત કરી રહ્યા છો, તેથી તમે ઓટીપી (OTP), પાસવર્ડ કે ક્રેડિટ કાર્ડ જેવી ગુપ્ત માહિતી શેર કરી દો છો અને મિનિટોમાં તમારું એકાઉન્ટ ખાલી થઈ જાય છે.
આવા ફ્રોડથી બચવા માટે શું કરવું?
⦁ કોઈ પણ એપ્લિકેશન માત્ર ગૂગલ પ્લેસ્ટોર કે એપલ એપ સ્ટોર પરથી જ ડાઉનલોડ કરો. અજાણી લિંક્સ પરથી મળતી APK ફાઈલ્સ ક્યારેય ઇન્સ્ટોલ ન કરો.
⦁ કોઈ પણ એપને ‘ડિફોલ્ટ ડાયલર’ કે ‘એક્સેસિબિલિટી સર્વિસ’ની પરવાનગી આપતા પહેલા વિચારો કે તેની ખરેખર જરૂર છે કે નહીં.
⦁ સાયબર એક્સપર્ટ્સના મતે, દર અઠવાડિયે એકવાર ફોન રિબૂટ (Restart) કરવો જોઈએ અને સારા એન્ટી-વાઈરસથી ફોન સ્કેન કરતા રહેવું જોઈએ.
⦁ યાદ રાખો, કોઈ પણ બેંક ક્યારેય ફોન પર તમારી પાસે ઓટીપી કે પાસવર્ડ માંગતી નથી.
