July 27, 2026
કિચન ટિપ્સ

શું તમે પણ બટેટાંની છાલને નકામી સમજીને ફેંકી દો છો? આ વાંચ્યા પછી આવી ભૂલ નહીં કરો

Spread the love

ભારતમાં લોકોને ખાવા-પીવાનો ભારે શોખ હોય છે અને અવારનવાર કંઈક અવનવું ટ્રાય કરતા રહે છે. આપણા ઘરોમાં જ્યારે પણ બટેટાંનું શાક, પરોઠા કે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવામાં આવે છે, ત્યારે આપણે સૌથી પહેલાં બટેટાંની છાલ ઉતારીને કચરાપેટીમાં ફેંકી દઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે જેને તમે નકામો કચરો સમજીને ફેંકી રહ્યા છો, તે જ છાલમાંથી જ અત્યંત સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ચિપ્સ બનાવી શકાય છે. ચાલો જોઈએ કઈ રીતે-
આપણે બટેટાંની છાલને નકામી સમજીને ફેંકી દઈએ છીએ પરંતુ તમારી જાણકારી માટે કે માત્ર સ્વાદ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે. બટેટાંની છાલમાં મોટા પ્રમાણમાં પોટેશિયમ, વિટામિન સી અને આયર્ન મળી આવે છે. ચાલો જાણીએ બટેટાંની છાલમાંથી ઘરમાં જ ક્રિસ્પી ચિપ્સ બનાવવાની સરળ રીત…

જરૂરી સામગ્રી:
બટેટાંની છાલમાંથી ટેસ્ટી ચિપ્સ બનાવવા માટે ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે-
બેથી ત્રણ કપ બટેટાંની થોડી જાડી ઉતારેલી છાલ
તળવા માટે તેલ
સ્વાદાનુસાર મીઠું
લાલ મરચું પાવડર
ચાટ મસાલો
મેગી મસાલો (ઈચ્છાનુસાર સ્વાદ વધારવા માટે)

છાલ સાફ કરવાની અને તૈયાર કરવાની સાચી રીત:
ચિપ્સ એકદમ ક્રિસ્પી બને તે માટે છાલની યોગ્ય સફાઈ અને તૈયારી સૌથી મહત્વપૂર્ણ છે. બટેટાં જમીનની અંદર ઊગતા હોવાથી તેના પર માટી ચોંટેલી હોય છે. તેથી બટેટાં છોલતા પહેલાં જ તેમને ચોખ્ખા પાણીમાં બેથી ત્રણ વાર ઘસીને બરાબર ધોઈ લો. માટી સંપૂર્ણ સાફ થઈ જાય પછી ચપ્પુ કે પીલરની મદદથી બટાકાની થોડી જાડી છાલ ઉતારો. છાલ ઉતાર્યા પછી તેને ફરી એકવાર ચોખ્ખા પાણીથી ધોઈ લો અને સુતરાઉ કપડા પર સુકાવવા માટે મૂકો. છાલમાંથી ભેજ કે પાણીનું પ્રમાણ બિલકુલ સુકાઈ જવું જરૂરી છે. જો છાલમાં સહેજ પણ ભીનાશ રહેશે તો ચિપ્સ ક્રન્ચી નહીં બને.

બનાવવાની રીત:
તળીને બનાવવાની રીત:
સૌથી પહેલાં તો કડાઈમાં મધ્યમ તાપ પર તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે થોડી-થોડી છાલ તેલમાં ઉમેરો અને સોનેરી થાય ત્યાં સુધી તળો. આ છાલને તળાતા માત્ર બેથી ત્રણ મિનિટનો જ સમય લાગે છે.

એર ફ્રાયર પણ છે એક ઓપ્શન:
જો તમે હેલ્થ કોન્શિયલ હોવ અને ઓછું તેલ વાપરવા માંગતા હોવ, તો બટેટાની છાલ પર એક ચમચી તેલ અને જરૂરી મસાલો લગાવીને તેને એર ફ્રાયરમાં 200 ડિગ્રી પર આઠથી દસ મિનિટ માટે એર-ફ્રાય કરી શકો છો.

ગાર્નિશિંગ અને સર્વિંગ
ચિપ્સ કુરકુરી થઈને તૈયાર થાય એટલે તેને બહાર કાઢી લો. તુરંત જ ગરમા-ગરમ ચિપ્સ પર મીઠું, લાલ મરચું પાવડર અને ચાટ મસાલો ભભરાવો. જો સ્વાદ ડબલ કરવો હોય તો થોડો મેગી મસાલો પણ ઉમેરી શકો છો. આ બધાને બરાબર મિક્સ કરી લો. હવે તમારી ગરમા-ગરમ અને ક્રિસ્પી ‘પોટેટો પીલ ચિપ્સ’ (Potato Peel Chips) તૈયાર છે! આ હેલ્ધી અને ટેસ્ટી સ્નેકને તમે સાંજના સમયે ગરમા-ગરમ ચા અથવા ટોમેટો કેચપ સાથે માણી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!