May 24, 2026
નેશનલ

પીએમ મોદીને ઝાલમુડી ખવડાવનાર ગરીબ દુકાનદારનો કેમ જીવ મૂકાયો જોખમમાં!

Spread the love

પશ્ચિમ બંગાળના રાજકારણ અને સોશિયલ મીડિયા પર અત્યારે એક અત્યંત ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો ચર્ચાની એરણે ચડ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની નાનકડી દુકાન પર પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ‘ઝાલમુડી’ ખવડાવીને દેશભરમાં રાતોરાત લોકપ્રિય બનેલા દુકાનદાર વિક્રમ સાહૂ હાલમાં ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે. પીએમ મોદીના વખાણ મેળવનારા આ ગરીબ દુકાનદાર અને તેમના પરિવારને હવે જાનથી મારી નાખવાની આંતરરાષ્ટ્રીય ધમકીઓ મળી રહી છે.

પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં ઝાલમુડી વેચીને ગુજરાન ચલાવતા વિક્રમ સાહૂની મુશ્કેલીઓ ત્યારે વધી ગઈ, જ્યારે તેમને વિદેશી નંબરો પરથી ધમકીભર્યા ફોન અને વીડિયો કોલ્સ આવવાના શરૂ થયા. પીએમ મોદીજીને કારણે રાતોરાત મળેલી પ્રસિદ્ધિ હવે વિક્રમ સાહુ માટે જીવનું જોખમ બની ગઈ છે.

દુકાનદાર વિક્રમ સાહૂ એવો દાવો કરી રહ્યા છે કે છેલ્લાં કેટલાક દિવસોથી તેમને પાકિસ્તાન અને બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય નંબરો પરથી સતત ફોન કોલ્સ અને વોટ્સએપ મેસેજ આવી રહ્યા છે. ધમકી આપનારાઓ ફોન પર અત્યંત ગંદી ગાળો બોલે છે અને ડરાવવા માટે વીડિયો કોલ પર હથિયારો બતાવીને ભયાનક ઈશારાઓ કરે છે. વિક્રમે એવું પણ જણાવ્યું હતું કે, મને ફોન કરીને પૂછવામાં આવે છે કે તું હજુ જીવતો છે કે મરી ગયો? તને બોમ્બ બ્લાસ્ટમાં ઉડાવી દેવામાં આવશે અને તારે આના ગંભીર પરિણામો ભોગવવા પડશે.

વિક્રમે ખુલાસો કર્યો કે ધમકી આપનારાઓ ફોન કોલની શરૂઆતમાં પહેલા કોઈ ચોક્કસ ધાર્મિક અભિવાદન કરે છે અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપે છે. જો કે, ધમકી આપનારાઓએ વડાપ્રધાન મોદી સાથેના વીડિયો અંગે સીધી કોઈ વાત નથી કરી, પરંતુ આ સિલસિલો ત્યારથી જ શરૂ થયો છે જ્યારથી પીએમ મોદીએ તેમની દુકાનની ઝાલમુડીનો સ્વાદ ચાખ્યો હતો. સતત આવતા ફોનથી વિક્રમ અને તેમનો પરિવાર ભારે ફફડાટ અને ડરના માહોલમાં જીવી રહ્યો છે.

વિક્રમ સાહૂ મૂળ પશ્ચિમ બંગાળના નથી, પરંતુ તેઓ બિહારના ગયા જિલ્લાના વતની છે. આર્થિક તંગીના કારણે તેઓ માત્ર 9 ધોરણ સુધી જ ભણી શક્યા છે અને છેલ્લાં કેટલાક વર્ષોથી બંગાળના ઝારગ્રામમાં રોડ કિનારે ઝાલમુડી વેચે છે. રોજની આશરે 1000થી 1200 રૂપિયાની કમાણીમાંથી તેઓ પોતાના માતા સુનિતા દેવી અને પિતા ઉત્તમ સાહૂનું ભરણપોષણ કરે છે.

બંગાળ ચૂંટણીના પ્રચાર દરમિયાન પીએમ મોદીએ અચાનક તેમની દુકાન પર ગાડી રોકીને ઝાલમુડી ખાધી હતી અને તેમની સાથે પ્રેમથી વાતો કરી હતી, જે વીડિયો આખા દેશમાં વાયરલ થયો હતો. આ મામલાની ગંભીરતા અને આંતરરાષ્ટ્રીય કનેક્શનને જોતા પશ્ચિમ બંગાળ પોલીસે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. વિક્રમ સાહૂ અને તેમના પરિવારની સલામતી માટે પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.

જ્યારે વિક્રમને પૂછવામાં આવ્યું કે તેઓ કેન્દ્ર સરકાર કે પીએમ મોદી પાસે કોઈ અપીલ કરવા માંગે છે, તો તેમણે રડમસ અવાજે જણાવ્યું કે, સરકાર બસ મને અને મારા પરિવારને પૂરતી સુરક્ષા આપે જેથી અમે શાંતિથી જીવી શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!