વર્લ્ડ રેકોર્ડ કે ચેતવણીની ઘંટડી? જ્યારે દેશના 95 શહેરો ભઠ્ઠી બની રહ્યા છે, ત્યારે આપણી પ્રાથમિકતાઓ ક્યાં છે?
જ્યારે દુનિયાનું ધ્યાન રશિયા-યુક્રેન કે મિડલ ઈસ્ટના યુદ્ધો પર છે, ત્યારે ભારત એક એવા યુદ્ધનો સામનો કરી રહ્યું છે જેમાં દુશ્મન અદ્રશ્ય છે પણ અત્યંત ઘાતક છે. એપ્રિલ 2026ના આંકડાઓએ સમગ્ર વિશ્વને હચમચાવી મૂક્યું છે. વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 95 શહેરો ભારતના હોવા એ માત્ર આંકડો નથી, પણ ‘પર્યાવરણીય કટોકટી એટલે કે એન્વાયર્મેન્ટ ઈમરજન્સીના એંધાણ સમાન છે
તાજેતરના સેટેલાઇટ ડેટા અને હવામાન વિભાગના અહેવાલો મુજબ, ભારતનું તાપમાન તેની ઐતિહાસિક સપાટી વટાવી ચૂક્યું છે. મધ્ય અને ઉત્તર ભારતમાં આવેલા વારાણસી, પ્રયાગરાજ, અને ઝાંસી જેવા શહેરોમાં પારો 41°C થી 43°Cની વચ્ચે સ્થિર થયો છે. જ્યારે મહારાષ્ટ્રના વિદર્ભમાં આવેલા અમરાવતી અને અકોલામાં તાપમાન 42.2°C નોંધાયું છે.
મુંબઈ જેવા દરિયાકાંઠા પર આવેલા શહેરોમાં પણ તાપમાન 35°C હોવા છતાં, વધુ પડતા ભેજને કારણે શરીરને થતો અનુભવ (Real Feel) 44°C જેટલો છે.
ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં એપ્રિલના બીજા અઠવાડિયામાં જ પારો 41°Cને પાર કરી ગયો છે. કચ્છના રણ વિસ્તારોમાં તો બપોરના સમયે તાપમાન 43°C સુધી પહોંચી રહ્યું છે.
ગરમી પાછળના વૈજ્ઞાનિક કારણો
આ માત્ર ‘ઉનાળો’ નથી, પણ વર્ષોની બેદરકારીનું પરિણામ છે. મેટ્રો અને અર્બન સિટીમાં વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢીને સિમેન્ટ-કોંક્રિટના જંગલો બનાવવામાં આવી રહ્યા છે. ડામરના રસ્તા અને કાચની ઈમારતો ગરમીને શોષી લે છે, જેના કારણે શહેરનું તાપમાન આસપાસના ગ્રામ્ય વિસ્તારો કરતા 3-5°C વધુ રહે છે.
એલ-નીનોની અસર પણ સતત વધતી જતી ગરમીની એક મહત્વનું કારણ છે. પેસિફિક મહાસાગરમાં થતા ફેરફારોને કારણે દક્ષિણ એશિયામાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. આ સિવાય નીતા શહેરોમાં સતત વાહનો અને ફેક્ટરીઓમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઈડ વાતાવરણમાં ગરમીને કેદ કરી રહ્યો છે.
ભારતમાં અત્યારે અજીબ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એક તરફ પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે અને બીજી તરફ આપણી ચર્ચાઓ અલગ પાટા પર ચાલી રહી છે.
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનું રાજકારણ હોય કે પછી પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના સમીકરણો પર કલાકો સુધી ટીવી ડિબેટ થાય છે, પણ ‘હીટ એક્શન પ્લાન’ પર કોઈ વાત કરતું નથી. આ જ રીતે સોશિયલ મીડિયા પર મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વિશે લાંબી લાંબી પોસ્ટ મૂકનારા લોકો પોતાના ઘર પાસે એક વૃક્ષ વાવવામાં કે પાણી બચાવવામાં રસ ધરાવતા નથી.
પર્યાવરણીય કટોકટીની અસરોની વાત કરીએ તો આ ગરમી માત્ર પરસેવો નથી પાડતી, તે આપણા અર્થતંત્ર અને સ્વાસ્થ્ય પર સીધો પ્રહાર કરે છે. ચાલો એક નજર કરીએ પર્યાવરણની અર્થતંત્ર પર જોવા મળતી વિવિધ અસર પર.
ખેતીનો વિનાશ: વધતી ગરમીને કારણે ઘઉં અને અન્ય રવી પાકોના ઉત્પાદનમાં 10થી 15 ટકાનો ઘટાડો થવાની ભીતિ છે.
જળ સ્તર: ભારતના મોટાભાગના જળાશયોમાં પાણીનું સ્તર તેની કુલ ક્ષમતાના માત્ર 25થી 30 ટકા જ બચ્યું છે.
સ્વાસ્થ્ય: હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને કિડનીની બીમારીઓના કેસોમાં 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
હવે શું કરી શકાય?
જો આપણે અત્યારે પગલાં નહીં ભરીએ તો 2030 સુધીમાં ભારતના ઘણા શહેરો રહેવા માટે લાયક નહીં રહે. આવું ન થાય એ માટે મુંબઈ, દિલ્હી, બેંગલોર, પુણે, અમદાવાદ, સુરત સહિતન મેટ્રો સિટીમાં ‘મિયાવાકી’ પદ્ધતિથી નાના નાના જંગલો ઉભા કરવા જોઈએ, ગ્રીન કવર વધારવું જોઈએ.
આ સિવાય મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી વરસાદી પાણીના સંગ્રહને કાયદેસર રીતે ફરજિયાત બનાવવો પડશે, ત્યારે જ આ સમસ્યામાંથી બહાર આવવામાં મદદ મળશે.
જનતાએ પણ દેશના તમામ રાજકીય પક્ષો પાસે ‘પર્યાવરણ મેનિફેસ્ટો’ની માંગણી કરવી જોઈએ. ચૂંટણીમાં મત માત્ર ભાષા, વિકાસ કે ધર્મના નામે નહીં, પણ સુરક્ષિત ભવિષ્ય, ચોખ્ખું પર્યાવરણ અને શુદ્ધ હવાના નામે આપવા જોઈએ.
95 શહેરોનો ગરમીનો રેકોર્ડ એ કંઇ ગર્વ લેવાની વાત નથી, પણ શરમ કરવા જેવી વાત છે. પ્રકૃતિ આપણને છેલ્લી ચેતવણી આપી રહી છે. જો હજુ પણ આપણે ભાષા, જ્ઞાતિ અને સીમાઓના વિવાદમાં અટવાયેલા રહીશું, તો કુદરતનો આ પ્રકોપ આપણને બધાને સમાન રીતે દઝાડશે. પર્યાવરણ બચાવવું એ હવે શોખ કે પર્યાય નહીં પણ અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ છે.
