April 20, 2026
વાંચન વૈવિધ્યમ

દરેક સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે! મર્સિડીઝ બેન્ઝ માટે આ કહેવત કેવી રીતે 100 ટકા સાચી પડી?

Spread the love

મર્સિડીઝ-બેન્ઝ (Mercedes-Benz) આજે દુનિયાની સૌથી લક્ઝુરિયસ અને પ્રતિષ્ઠિત કાર બ્રાન્ડ ગણાય છે, પણ શું તમે જાણો છો કે જો એક મહિલાએ હિંમત ના બતાવી હોત, તો કદાચ આજે આ કંપની અસ્તિત્વમાં જ ન હોત? આપણે ત્યાં કહેવાય છે કે ‘દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે’, મર્સિડીઝના કિસ્સામાં આ વાત 100 ટકા સાચી સાબિત થાય છે.

વાત છે 1880ના દાયકાની. જર્મનીમાં જન્મેલા કાર્લ ફ્રેડરિક બેન્ઝ એક પ્રતિભાશાળી ઓટોમોટિવ એન્જિનિયર હતા. તેમણે રાત-દિવસ એક કરીને 1885માં દુનિયાની પહેલી કાર ગણી શકાય તેવી ‘બેન્ઝ પેટન્ટ મોટર વેગન’ બનાવી. જોકે, કાર્લ સ્વભાવે થોડા સંકોચશીલ હતા. તેમને એ વાતની ખાતરી નહોતી કે તેમની આ ગાડી લાંબી મુસાફરી કરી શકશે કે લોકો તેને સ્વીકારશે, પરિણામે ત્રણ વર્ષ સુધી આ કાર ગેરેજમાં જ પડી રહી અને બજારમાં વેચાઈ નહીં.

કાર્લની પત્ની બર્થા રિંગર બેન્ઝને પતિની મહેનત અને આ મશીન પર સંપૂર્ણ ભરોસો હતો. તેમને સમજાઈ ગયું હતું કે જ્યાં સુધી લોકો આ કારને રસ્તા પર દોડતી નહીં જુએ, ત્યાં સુધી કોઈ તેને ખરીદશે નહીં. 1888ની એક સવારે, કાર્લને જાણ કર્યા વિના બર્થાએ એક સાહસિક પગલું ભર્યું. તેમણે પોતાના બે પુત્રોને સાથે લીધા અને આ મોટર વેગન લઈને નીકળી પડ્યા એક એવી સફર પર, જે ઈતિહાસ બદલવાની હતી.

બર્થાએ એ સમયે 106 કિલોમીટરની લાંબી મુસાફરી ખેડી નાખી. રસ્તામાં ઘણી મુશ્કેલીઓ આવી, એન્જિન ગરમ થયું, ઇંધણ ખૂટ્યું, પણ બર્થા અટક્યા નહીં. જ્યારે લોકોએ એક મહિલાને ઘોડા વગરની ગાડી ચલાવતા જોઈ, ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા. આ માત્ર એક મુસાફરી નહોતી, પણ દુનિયાની પહેલી ‘ટેસ્ટ ડ્રાઈવ’ હતી. બર્થાએ સાબિત કરી દીધું કે આ કાર લાંબા અંતર માટે સુરક્ષિત અને સક્ષમ છે.

બર્થાની આ હિંમતને કારણે કાર્લ બેન્ઝને પ્રોત્સાહન મળ્યું અને લોકોમાં આ કાર પ્રત્યે વિશ્વાસ જાગ્યો. આ યાત્રા બાદ જ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ આવી અને મર્સિડીઝ બેન્ઝ જેવી મસમોટી લક્ઝરી કાર કંપનીનો પાયો નખાયો. આજે મર્સિડીઝનો જે ‘થ્રી પોઈન્ટેડ સ્ટાર’ લોગો આખી દુનિયામાં ચમકે છે, તેની પાછળ બર્થા બેન્ઝનું એ પ્રબળ ઈચ્છાશક્તિ અને સાહસ જવાબદાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!