2500 વર્ષ જૂનો છે ફાલુદાનો ઈતિહાસ: ઈરાનથી નીકળીને કઈ રીતે બન્યો દુનિયાનું ફેવરિટ ડેઝર્ટ
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડો-ઠંડો ફાલુદા જો સામે આવી જાય, તો મન તૃપ્ત થઈ જાય છે. પણ શું તમે જાણો છો કે ભારતભરમાં લોકપ્રિય આ સ્વીટ ડ્રિન્ક હકીકતમાં ભારતનું નહીં, પણ ઈરાનનું છે? ફાલુદાનો ઈતિહાસ જેટલો જૂનો છે એટલો જ રસપ્રદ પણ છે. ચાલો એક લટાર કરીએ ફાલુદાના ઈતિહાસમાં અને જાણીએ તે ભારત સુધી કઈ રીતે પહોંચ્યો…
આજે ગલીએ ગલીએ મળતો ફાલુદા એ પ્રાચીન પર્શિયા એટલે કે ઈરાનની દેણ છે. ફાલુદાનો ઉલ્લેખ હજારો વર્ષ જૂના ઈતિહાસમાં જોવા મળે છે. ફાલુદાનું મૂળ નામ ‘ફાલુદે’ છે, જે ઈરાનના શીરાજ શહેરમાં ખૂબ પ્રચલિત હતું. ઈરાનમાં આજે પણ તમને ખૂબ જ સરળતાથી ફાલુદા મળી જાય છે, પરંતુ ત્યાં તે એક ડ્રિન્ક તરીકે નહીં પણ એક પ્રકારના ‘ડેઝર્ટ’ તરીકે ખાવામાં આવે છે, જે એકદમ પાતળી સેવ અને ગુલાબજળના બરફમાંથી બને છે.
વાત કરીએ ફાલુદાની ઈન્ડિયામાં એન્ટ્રી કઈ રીતે થઈ એની જો ભારતમાં ફાલુદા લાવવાનો સંપૂર્ણ શ્રેય મુઘલ શાસકોને જાય છે. 16મી અને 17મી સદીમાં જ્યારે મુઘલો ભારતમાં આવ્યા, ત્યારે તેઓ તેમની સાથે અનેક ઈરાની વાનગીઓ લાવ્યા હતા, એમાં ફાલુદાનો સમાવેશ પણ થતો હતો, એવી નોંધ ઈતિહાસમાં જોવા મળે છે.
એવું કહેવાય છે કે મુઘલ બાદશાહ જહાંગીરને ફાલુદા ખૂબ જ પ્રિય હતો. એ સમયે પર્શિયન વર્ઝનમાં ભારતીય સ્વાદ ભેળવીને તેમાં દૂધ, મલાઈ અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરવામાં આવ્યા, જે આજે આપણે પીએ છીએ એવા ‘રોયલ ફાલુદા’નો જન્મ થયો.
ફાલુદામાં નાખવામાં આવતા તકમરિયા કે જેને બેસિલ સીડ્સ તરીકે ઓળખવામાં આવે છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ ઠંડા માનવામાં આવે છે. ઈરાની ફાલુદેમાં તે હોતા નથી, પણ ભારતીય ફાલુદામાં તેની એન્ટ્રી થઈ અને આજે આ તકમરીયા જ ફાલુદાનું મુખ્ય આકર્ષણ છે.
આજે આપણને સર્વ કરવામાં આવે છે એ ફાલુદાનું મોર્ડન વર્ઝન છે. આજે ફાલુદામાં આઈસ્ક્રીમ, જેલી અને ફળો ઉમેરીને તેને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. મધ્ય પૂર્વના દેશોમાં તેને હજુ પણ જૂની પદ્ધતિથી પીરસવામાં આવે છે, જ્યારે ભારતીય ઉપખંડમાં તેની આખી રીત બદલાઈ ગઈ છે.
ચોંકી ઉઠ્યાને આ માહિતી જાણીને? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી વેબસાઈટને વિઝિટ કરો.
