February 25, 2026
મનોરંજન

Happy Birthday: જયા બચ્ચને આપેલું ‘ડેની’ નામ આજે સુપરસ્ટાર બની ગયું!

Spread the love

હિન્દી સિનેમામાં 70-90ના દાયકામાં એકથી એક ચઢિયાતા ખલનાયક હતા, જેમ કે અમરીશ પુરી, અમજદ ખાન, ગુલશન ગ્રોવર, પ્રેમ ચોપરા, કાદર ખાન, શક્તિ કપૂર, પ્રાણસાબનું નામ લેવાતું. પરંતુ આ યાદીમાં ડેની ડેંગજોગ્પાનું નામ લેવાતું, જેમની આજે ઉંમર 78 વર્ષ થઈ છે. ચાલો બર્થડેના દિવસે મહત્ત્વની યાદોને વાગોળીએ.

પોતાની દમદાર કદ-કાઠી અને પહાડી અવાજને કારણે દર્શકોનું દિલ જીત્યું હતું. નેગેટિવ ભૂમિકા કરતા કરતા પોઝિટિવ અભિનયમાં પણ નામ જમાવ્યું હતું. 25 ફેબ્રુઆરી 1948ના જન્મેલા ડેનીનો જન્મ સિક્કિમના ગંગટોકમાં થયો, જ્યારે અસલી નામ ત્શેરિંગ ફિંત્સો ડેંગજોગ્પા છે. ત્શેરિંગ એક સારા અભિનેતા હોવાની સાથે એક રાઈટર, પેઈન્ટર, મૂર્તિકાર પણ છે. નૈનીતાલમાં શિક્ષણ લીધું હતું.

ઈન્ડિયન આર્મી જોઈન કરવા ઈચ્છતા હતા, પણ નસીબ ફિલ્મી દુનિયામાં લઈ ગયું અને નવો ઈતિહાસ લખ્યો હતો. એફટીઆઈઆઈમાં જોડાયા અને પછી મુંબઈ માટે સવારી નીકળી હતી. જોકે, તેમનું નામ અટપટુ હોવાથી બોલવામાં લોકોનને મુશ્કેલી પડતી હોવાને કારણે ડેની નામ આપ્યું હતું અને એ નામ આપનાર હતા જયા બચ્ચન. ડેની અને જયા એફટીઆઈઆઈમાં સાથે ભણતા હતા, ત્યારે જયા બચ્ચને ડેની નામ આપ્યું અને આજે પણ આ જ નામથી લોકો તેમને ઓળખે છે.

કારકિર્દીના શરુઆતના દિવસોમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. મુંબઈ આવ્યા ત્યારે માત્ર પંદરસો રુપિયા લઈને આવ્યા હતા. એક દિવસ મુંબઈના જુહુ ખાતે ફરતા ડાયરેક્ટર મોહન કુમારના ઘરે પહોંચી ગયા. મોહન કુમારના ઘરે અનેક ગાર્ડ સિક્કિમના હતા, તેથી તેમને ગાર્ડ તરીકે કામ કરવાની ઓફર કરી હતી. એના પછી એક્ટર બનવાની પણ ઓફર આપી હતી, જેને હસી કાઢી હતી, પણ એમના નસીબમાં કંઈક જ અલગ લખાયું હતું.

જયા બચ્ચનના ક્લાસ મેટ હોવા છતાં બચ્ચન પરિવાર સાથે તેમનું કનેક્શન પણ સારું એવું હતું. એટલું જ નહીં, અમિતાભ બચ્ચન સાથે પણ અગ્નિપથ, ખુદા ગવાહ જેવી ફિલ્મોમાં ડેનીએ બિગ બી સાથે સ્ક્રીન શેર કરી હતી. મહત્ત્વની વાત એ છે કે શોલે ફિલ્મમાં સૌથી પહેલા ગબ્બરની ભૂમિકા માટે ડેનીની પસંદગી કરી હતી, પણ એ રોલ કરી શક્યા નહોતા.

અભિનેતા નહીં, પણ ખલનાયકના કેરેક્ટર તરીકે ફિલ્મોમાં એન્ટ્રી કરી. ડેનીએ બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ મેરે અપનેમાં પોઝિટિવ અભિનય કર્યો હતો, ત્યાર પછી ધુંધ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકામાં જોવા મળ્યા હતા. બોલીવુડમાં પાંચ દાયકાની સફરમાં ધર્માત્મા, અગ્નિપથ, નામ, શબાના, બેબી, જય હો, કાલી ઘટા, ઘાતક, લાલ કોઠી, હમસે હૈ જમાના, બંદિશ, કાલિચરણ, લૈલા મજનૂ સહિત 190થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ઘાતક ફિલ્મમાં કાત્યા નામની ભૂમિકા કરીને આજે લોકોના દિલમાં કાત્યા નામથી રાજ કરે છે. તેમની શાનદાર ભૂમિકાની નોંધ લઈને ડેનીને પદ્મશ્રીનો પુરસ્કાર પણ મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!