February 19, 2026
ગુજરાતટોપ ન્યુઝ

જાકો રાખે સાઈયાં માર સકે ના કોઈઃ કરોલ નદીમાં કાર તણાઈ, ડૂબી અને….

Spread the love

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે ધમાકેદાર વરસાદ પડ્યો છે, જેમાં વિદાય થનારા ચોમાસાને હજુ માંડ મહિનો બાકી છે ત્યારે પર્યાપ્ત વરસાદ પડ્યો છે. સરેરાશ ગુજરાતમાં વરસાદની ટકાવારી 100 ટકા પાર કરી છે, જ્યારે અમુક પ્રદેશમાં 200 ટકાથી વધુ વરસાદ પાર થયો છે ત્યારે સાબરકાંઠાની એક નદીમાં કાર ડૂબ્યા પછી સમયસર પ્રશાસનને જાણ થતા કારમાં સવાર દંપતીનો જીવ બચી જતા પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો. વાસ્તવમાં ભગવાનની તમારા પર કૃપા હોય તો મુશ્કેલ સંજોગોમાં પણ તમને બચાવી શકે છે.
આ બનાવ સાબરકાંઠા જિલ્લાના કડિયાદરા સ્થિત કરોલ નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયા પછી ત્યાંથી એક કાર પસાર થઈ હતી. ઈડર તાલુકાના વડિયાવિર ભૂતિયા નદી કિનારાના પટમાં બનાવ બન્યો હતો. નદીના પટમાં અચાનક પાણી ફરી વળતા ત્યાંથી પસાર થતી વખતે કાર તણાઈ હતી, ત્યારબાદ કાર ડૂબવા લાગી હતી. જોતજોતામાં પરિસ્થિતિ એટલી બદલાઈ ગઈ કે કાર 95 ટકા જેટલી ડૂબવા લાગી હતી. વિકટ પરિસ્થિતિને જાણ્યા પછી તાત્કાલિક કારમાં સવાર દંપતીએ જેમ તેમ કરીને કારના બોનેટ પર ચઢી ગયા હતા. મોબાઈલ ફોનથી સંબંધિત વ્યક્તિઓને જાણ કરી હતી. બંને પાળે રહેલા સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરી માટે પ્રયાસ કરવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. કલાકો સુધી બંને કારના બોનેટ પર રહીને બચાવકર્તાઓની રાહ જોઈ હતી અને હિંમત પણ હાર્યા નહોતા. વીડિયો પણ વાઈરલ થયા પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરતા બંનેને બચાવી લેવામાં આવ્યા હતા. દંપતીની ઓળખ સુરેશ મિસ્ત્રી અને નયના મિસ્ત્રી તરીકે ઓળખ કરવામાં આવી હતી. ડૂબતી વખતે પણ મોબાઈલ મારફત લોકોની સાથે સંપર્કમાં રહીને બંનેનો જીવ બચાવવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
નદીના પાણીના પ્રવાહ વધારે હોવાથી બચાવ કામગીરી હાથ ધરી શકાઈ નહોતી. અનેક મુશ્કેલીઓ વચ્ચે પાણીનો પ્રવાહ ઓછો થયા પછી બંનેને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ ટીમ અને સ્થાનિક લોકોની મદદથી બંને પીડિતોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલા મામલતદાર, પોલીસ અને સ્થાનિક લોકોએ બંનેને બચાવી લેતા રાહતનો શ્વાસ લીધો હતો.


આ વીડિયો વાઈરલ થયા પછી સોશિયલ મીડિયા પર પણ સ્થાનિક લોકોની સાથે દંપતીની પણ લોકોએ પ્રશંસા કરી હતી. વિપરિત સંજોગોમાં પણ હિંમત ક્યારેય હારવી જોઈએ નહીં એ ઉક્તિને ચરિતાર્થ કરીને આ દંપતીએ જોરદાર ઉદાહરણ બેસાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!